આમિર ખાને કહ્યું હતું કે ‘૨૦૧૬માં દેવેન્દ્ર ફડણવીસ અને મેં સરકાર સાથે મળીને આ પહેલ શરૂ કરી હતી. અમે જલયુક્ત શિવાર અભિયાન દરમ્યાન પાની ફાઉન્ડેશન સાથે કામ કર્યું.
દેવેન્દ્ર ફડણવીસ અને આમિર ખાન
રાજ્યમાં દુકાળની પરિસ્થિતિ છે અને ૩૦૪ તાલુકાઓમાં જલસંરક્ષણનાં તાત્કાલિક પગલાં લેવાને નિર્દેશ અપાયો છે ત્યારે ગઈ કાલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અભિનેતા આમિર ખાને ‘સંપૂર્ણ મહારાષ્ટ્ર સત્યમેવ જયતે વૉટર કપ સ્પર્ધા ૨૦૨૭’ નામના રાજ્યવ્યાપી જળસંરક્ષણ અભિયાનની શરૂઆત કરવાની જાહેરાત કરી છે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય મહારાષ્ટ્રને દુષ્કાળમુક્ત બનાવવાનો છે.
મહારાષ્ટ્ર સરકાર સાથે ભાગીદારીમાં આમિર ખાનની સંસ્થા પાની ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ અભિયાન રાજ્યના ૩૪ જિલ્લાઓ અને ૩૫૧ તાલુકાઓમાં અમલમાં મૂકવામાં આવશે. એનો હેતુ લોકોને એકત્રિત કરીને જળસંરક્ષણ માટે કામ કરવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં જળસંગ્રહ ક્ષમતામાં સુધારો કરવાનો છે. પાની ફાઉન્ડેશન દ્વારા આ વૉટર કપ સ્પર્ધા આ પહેલાં 2૦૧૬-’૧૯ દરમ્યાન ૪ વર્ષ ચલાવાઈ હતી.
ADVERTISEMENT
આ પ્રસંગે બોલતાં આમિર ખાને યાદ અપાવ્યું કે કેવી રીતે ૨૦૧૬માં રાજ્ય સરકારના સહયોગથી આ પહેલની શરૂઆત થઈ હતી. તેણે જલયુક્ત શિવાર અભિયાન હેઠળ થયેલાં કાર્યો અને વિવિધ તાલુકાઓમાં એને મળેલી પ્રતિક્રિયા વિશે વાત કરી હતી.
આમિર ખાને કહ્યું હતું કે ‘૨૦૧૬માં દેવેન્દ્ર ફડણવીસ અને મેં સરકાર સાથે મળીને આ પહેલ શરૂ કરી હતી. અમે જલયુક્ત શિવાર અભિયાન દરમ્યાન પાની ફાઉન્ડેશન સાથે કામ કર્યું અને એ પ્રયાસોનાં પરિણામો જોયાં. એ વખતે આ અભિયાન ૭૫ તાલુકાઓ સુધી પહોંચી ગયું હતું. એનાં પરિણામો અદ્ભુત હતાં. એમાં વહીવટીતંત્ર, નાગરિકો અને પાની ફાઉન્ડેશન સાથે જોડાયેલા તમામ ભાગીદારો તથા સ્વયંસેવકો એકસાથે આવ્યા હતા. એનું પરિણામ ખૂબ જ પ્રભાવશાળી રહ્યું હતું.’
શું થશે?
આ નવી પહેલ કમ્યુનિટી બેઝ્ડ મૉડલ પર કામ કરશે જેમાં ગ્રામજનોને શ્રમદાન (સ્વૈચ્છિક શ્રમ) દ્વારા જળસંરક્ષણનાં કાર્યોમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ગ્રામીણ મહારાષ્ટ્રમાં લોકોની ભાગીદારી વધારવા માટે એમાં સ્પર્ધાત્મક અભિગમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારનો સૉઇલ ઍન્ડ વૉટર કન્ઝર્વેશન ડિપાર્ટમેન્ટ સમીક્ષા-સમિતિઓ દ્વારા આ કામગીરી પર દેખરેખ રાખશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના અધ્યક્ષસ્થાને રાજ્ય સ્તરીય ઉચ્ચ-સ્તરીય સમિતિ રચવામાં આવશે જે પ્રગતિ પર નજર રાખશે અને બિન-સરકારી સંસ્થાઓ (NGOs) સાથે મળીને દુષ્કાળ રાહત કાર્યોનું સંકલન કરશે.
