દાદરના કબૂતરખાનાને કાયમ માટે બંધ કરાવવા રસ્તા પર ઊતરેલા મરાઠી એકીકરણ સમિતિના કાર્યકરોની પોલીસે અટકાયત કરી એને પગલે વાતાવરણમાં તંગદિલી વ્યાપી
ગઈ કાલે દાદર કબૂતરખાના પર પોલીસે અટકમાં લીધેલા લોકોએ મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવ્યો હતો. તસવીર : કીર્તિ સુર્વે પરાડે
દાદરના કબૂતરખાનાને કાયમી ધોરણે બંધ કરી દેવું જોઈએ એવી માગણી સાથે ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે મરાઠી એકીકરણ સમિતિના સેંકડો કાર્યકરો દાદર કબૂતરખાના પાસે રોડ પર ઊતરી આવ્યા હતા. જોકે પોલીસે કડક બંદોબસ્ત વચ્ચે સમિતિના સભ્યોની અટકાયત શરૂ કરી હતી એને પગલે ગઈ કાલના આંદોલને સાંપ્રદાયિક વળાંક લીધો હતો. સમિતિના ગોવર્ધન દેશમુખ અને કાર્યકરોને પોલીસે અટકાયતમાં લીધા એટલે તરત જ તેઓ બૂમાબૂમ કરવા માંડ્યા હતા અને પોલીસ-અધિકારીઓ સામે તેમની અટકાયતનો વિરોધ કરતાં કહ્યું હતું કે અમને આંદોલન કરવા બદલ અટકમાં લો છો તો ૬ જુલાઈએ જૈનોએ આંદોલન કર્યું અને કબૂતરખાના પર મહાનગરપાલિકાએ બાંધેલી તાડપત્રી ફાડી નાખી તેમની સામે તમે કેમ ઍક્શન નહોતી લીધી? એ સવાલ કર્યા પછી તેમણે વાતાવરણને તંગ કરી નાખ્યું હતું.
પોલીસે મંગળવારથી જ આંદોલનમાં કોઈ અણબનાવ ન બને એ હેતુથી કબૂતરખાનાને કૉર્ડન કરી લીધું હતું. પોલીસ ફોર્સ વધારીને કબૂતરખાનાની આસપાસ બૅરિકેડ્સ મૂકી દીધાં હતાં અને દેરાસરની આસપાસ પણ પોલીસ-બંદોબસ્ત વધારી દીધો હતો.
ADVERTISEMENT
આંદોલનકારીઓને જૈન મુનિ નીલેશચંદ્રવિજયજીએ શસ્ત્ર ઉપાડવાની જે વાત કરી હતી એની સામે પણ વિરોધ કર્યો હતો. તેઓ સતત કહેતા હતા કે ‘અમે આને સાંપ્રદાયિક રંગ આપવા નથી માગતા, પણ એક જૈન મુનિ શસ્ત્ર હાથમાં લેવાની વાત કઈ રીતે કરી શકે? અમે પણ છત્રપતિ શિવાજીના વંશજ છીએ, અમને પણ શસ્ત્ર ઉપાડતાં આવડે છે. અમે જૈન મુનિની શસ્ત્ર લેવાની વાતનો સખત વિરોધ કરીએ છીએ.’
જોકે એ પહેલાં જ નીલેશચંદ્રવિજયજીએ આ બાબતે ખુલાસો કરતા કહી દીધું હતું કે ‘અમે શસ્ત્ર હાથમાં લઈશું એટલે ગાંધીજીના સત્યાગ્રહના માર્ગને અપનાવીશું. અમે કબૂતરો અને કબૂતરખાનાને બચાવવા માટે અનશન કરીશું. અમે હિંસક નથી, અમે મહાવીરના અહિંસા પરમો ધર્મના સૂત્ર પર અમલ કરનારાઓ છીએ.’
આંદોલનનું નેતૃત્વ કરી રહેલા ગોવર્ધન દેશમુખે અટકાયત બાદ મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે ‘આજના આંદોલનનો મુખ્ય ઉદ્દેશ મીડિયા અને લોકોને અમારો સંદેશ આપવાનો છે કે દેવેન્દ્ર ફડણવીસ સ્થાનિક લોકોની સમસ્યા સામે અનદેખી કરીને ફક્ત એક જ કમ્યુનિટીને ફેવર કરી રહ્યા છે. અમે આ મેસેજ મીડિયા અને લોકો સુધી પહોંચાડવા માટે જ રોડ પર ઊતર્યા છીએ.’


