BMCના ઇન્સ્પેક્ટરો પાછા ચેકિંગ માટે નીકળવાના છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં મરાઠી અસ્મિતાને પ્રોત્સાહન આપવા BMCની લૉ કમિટીએ ફરી એક વાર મરાઠીમાં દુકાનોનાં નામ ન લખ્યાં હોય એવા દુકાનદારો સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. BMCએ સ્પષ્ટ કર્યું હતું કે એક મહિનામાં મરાઠીમાં સાઇનબોર્ડ લગાવવું પડશે. BMCના ઇન્સ્પેક્ટર દુકાનો પર જઈને એનાં નામ મરાઠીમાં લગાડાયાં છે કે નહીં એ ચકાસશે અને જો નહીં લગાડ્યાં હોય તો કાર્યવાહી કરશે એવી સ્પષ્ટ ચેતવણી BMCએ દુકાનદારોને આપી છે.
૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં રાજ્યમાં બધી દુકાનો અને કમર્શિયલ એસ્ટૅબ્લિશમેન્ટ પર મરાઠીમાં સાઇનબોર્ડ લગાવવાનું ફરજિયાત કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારના આદેશમાં જણાવાયું હતું કે મરાઠી ભાષામાં લખાયેલા નામની ફૉન્ટ સાઇઝ સાઇનબોર્ડમાં વપરાતી કોઈ પણ અન્ય ભાષાના ફૉન્ટના કદ કરતાં મોટી અને ઘાટ્ટી હોવી જોઈએ.
ADVERTISEMENT
મુંબઈમાં પાંચ લાખ દુકાનો અને કમર્શિયલ સંસ્થાનો
BMCના ડેટા અનુસાર મુંબઈમાં પાંચ લાખ દુકાનો અને કમર્શિયલ સંસ્થાનો છે. સુપ્રીમ કોર્ટનો આદેશ અમલમાં આવ્યા પછી BMCએ દુકાનોનું નિરીક્ષણ કરવા માટે વિવિધ વૉર્ડ અને ઝોનલ સ્તરે ૬૦ નિરીક્ષકોની નિમણૂક કરી હતી અને દૈનિક ધોરણે BMCએ દરરોજ ૧૫૦૦થી ૨૦૦૦ દુકાનોનું નિરીક્ષણ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો હતો.
