બૉમ્બે હાઈ કોર્ટના આદેશ મુજબ વિસર્જનના બીજા દિવસે BMC મૂર્તિઓનો બચેલો ભાગ દરિયા-તળાવમાંથી બહાર કાઢીને શીળ ફાટાના પ્લાન્ટ પર મોકલશે
પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિ
પ્લાસ્ટર ઑફ પૅરિસ (PoP)ની મૂર્તિઓનું વિસર્જન થયા બાદ પર્યાવરણને થતું નુકસાન ચિંતાનો વિષય હોય છે, પરંતુ આ વર્ષે આ ચિંતા અમુક અંશે હળવી થાય એવો નિર્ણય બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા લેવામાં આવ્યો છે. પહેલી વાર વિસર્જિત કરાયેલી મૂર્તિઓને બહાર કાઢીને BMCના કન્સ્ટ્રક્શન અને ડિમોલિશન (C&D) વેસ્ટ રીસાઇક્લિંગ પ્લાન્ટમાં મોકલવામાં આવશે. મૂર્તિઓનો બચી ગયેલો ભાગ શીળ ફાટાના ડાઇઘર ગામ ખાતે આવેલા પ્લાન્ટમાં મોકલાશે જ્યાં એનું વૈજ્ઞાનિક પદ્ધતિથી રીસાઇક્લિંગ અથવા તો નિકાલ કરવામાં આવશે.
PoPની મૂર્તિઓને વિસર્જનના બીજા દિવસે પાણીમાંથી બહાર કાઢી લેવાનો આદેશ બૉમ્બે હાઈ કોર્ટે આપ્યો છે. ઉપરાંત આ મૂર્તિઓનું વૈજ્ઞાનિક રીતે અને પર્યાવરણને નુકસાન ન થાય એ રીતે નિકાલ કરવાનો આગ્રહ પણ હાઈ કોર્ટે આપ્યો હતો. હાઈ કોર્ટના આદેશને પગલે BMCએ બધી જ PoPની મૂર્તિઓને એક જ જગ્યાએ ટ્રાન્સપોર્ટ કરીને એનો નિકાલ અથવા રીસાઇકલ કરવાનો નિર્ણય લીધો છે. વિસર્જન દરમ્યાન PoPની મૂર્તિઓ જુદી તારવી શકાય એ માટે ચોક્કસ રીતે લાલ ટપકું પણ કરવામાં આવશે.
ADVERTISEMENT
સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર કિરણ દિઘાવકરે જણાવ્યું હતું કે ‘હાઈ કોર્ટના આદેશ મુજબ અમે PoPની મૂર્તિઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવા માટે નિષ્ણાતોની સમિતિ રચી છે. તેમના દ્વારા મૂર્તિઓના રીસાઇક્લિંગ અથવા નિકાલ કરવા માટેની પદ્ધતિ સૂચવવામાં આવશે એ મુજબ C&Dના પ્લાન્ટમાં મૂર્તિઓ પર કામ કરવામાં આવશે.’
BMC દ્વારા PoPની મૂર્તિઓને બહાર કાઢીને શીળ ફાટાના પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP)નું પાલન કરવામાં આવશે, જેમાં પાલિકાના દરેક વૉર્ડ માટે એજન્સીની નિમણૂક કરવામાં આવશે અને કામદારો ૧૨ કલાકની શિફ્ટમાં કામ કરશે.


