Sujay Vikhe Patilએ કહ્યું હતું કે અમેરિકાના વડા પ્રધાન ડોનલ્ડ ટ્રમ્પની વૈશ્વિક યુદ્ધ અંગેની બદલાતી નીતિઓ અને તેમના અસ્થિર વલણને કારણે ભારતમાં અમૂક લોકોમાં દારૂનું સેવન વધી ગયું છે. અને રાજ્યમાં રોડ-પ્રોજેક્ટ્સ પણ પૂરા નથી થઇ રહ્યા.
સુજય વિખે પાટિલ અને ડોનલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ તેમ જ અહમદનગર (અહિલ્યાનગર)ના પૂર્વ સાંસદ સુજય વિખે-પાટિલે (Sujay Vikhe Patil) એક એવું નિવેદન આપ્યું છે કે જેને લઇને જવે ફરી એકવાર રાજકીય ગરમાવો સર્જાયો છે. વાત કંઇક એમ છે કે આ ભાજપ નેતાએ મહારાષ્ટ્રમાં જે રીતે રોડ-પ્રૉજેક્ટના કામકાજમાં ખૂબ જ વિલંબ થઇ રહ્યો છે અને ભારતમાં જે રીતે લોકોનું દારૂ પીવાનું વલણ વધી ગયું છે તેની પાછળ ડોનલ્ડ ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા છે. ભાજપ નેતાના આ પ્રકારના વિચિત્ર સ્ટેટમેન્ટથી રાજકીય ચર્ચાઓએ વેગ પકડ્યો છે. સુજય વિખે-પાટિલે કહ્યું હતું કે અમેરિકાના વડા પ્રધાન ડોનલ્ડ ટ્રમ્પની વૈશ્વિક યુદ્ધ અંગેની બદલાતી નીતિઓ અને તેમના અસ્થિર વલણને કારણે ભારતમાં અમૂક લોકોમાં દારૂનું સેવન વધી ગયું છે. અને રાજ્યમાં રોડ-પ્રોજેક્ટ્સ પણ પૂરા નથી થઇ રહ્યા.
ટ્રમ્પની નીતિઓ અને રોડ પ્રોજેક્ટના વિલંબ વચ્ચે શું કનેક્શન કાઢ્યું આ નેતાએ?
ADVERTISEMENT
હવે અહિલ્યાનગર-મનમાડ રોડ પ્રોજેક્ટમાં લાંબા સમયથી વિલંબ થઇ રહ્યો છે. તો આ વિલંબ પાછળના કારણો દર્શાવતાં સુજય વિખે-પાટિલે (Sujay Vikhe Patil) કહ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને લીધે ગ્લોબલ ક્રૂડ ઓઈલનો પુરવઠો ખોરવાઈ ગયો છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર પણ તેની અસર થઈન હોવાથી તેલ રિફાઇનરીઓની ક્ષમતામાં ઘટાડો થવા લાગ્યો છે. હવે આ આખી વાતને મહારાષ્ટ્રના રોડ-પ્રૉજેક્ટ સાથે સાંકળતાં આ નેતાએ ઉમેર્યું કે રાજ્યમાં રોડ્સ બનાવવા માટે જે કોલતારની જરૂર પડે છે તે હવે કોન્ટ્રેક્ટરોએ દિલ્હીથી ગાડીઓમાં લઇ આવવાની ફરજ પડી છે. ક્રૂડ ઓઈલના સ્ટૉકમાં જે રીતે ઘટાડો થઇ રહ્યો છે તેને પગલે કોલતારની ભારે અછત સર્જાઈ છે. પરિણામે કોન્ટ્રાક્ટરોને દિલ્હીથી વાહનો દ્વારા તે લાવવો પડી રહ્યો છે. ટૂંકમાં રોડ-પ્રોજેક્ટનો ખર્ચ અઢીગણો વધી ગયો છે અને નવી મંજૂરીઓ મેળવવામાં ટેક્નિકલ મુશ્કેલીઓ સુદ્ધાં આવી રહી છે.
ભારતમાં લોકોનું દારુ પીવાનું વધી ગયું તેની પાછળ ટ્રમ્પને જવાબદાર ગણાવ્યા આ નેતાએ
ટ્રમ્પના નિર્ણયો પર કટાક્ષ કરતાં સુજય વિખે-પાટિલે (Sujay Vikhe Patil) કહ્યું કે, "મેં મારી આખી જિંદગીમાં આવો માણસ નથી જોયો. ક્યારેક સવારે તે યુદ્ધને રોકવાની વાત કરે છે તો ફરી સાંજ થતાં થતાં મિસાઈલ છોડવાનું કહે છે. ટ્રમ્પના આ પ્રકારના અસ્થિર નિર્ણયોથી લોકોને કંઈ સમજાતું નથી. ભારતમાં પણ આ ગૂંચવણની અસર જોવા મળી રહી છે અને તેના કારણે કેટલાક લોકોમાં દારૂ પીવાનું પ્રમાણ વધી ગયું છે."
જોકે, રોડ્સની અતિશય બેકાર હાલતથી સ્થાનિક લોકોમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોની સમસ્યાને પોતે સમજતાં હોય એ રીતે સુજય વિખે-પાટિલે કહ્યું કે હું પોતે પણ આ બધી સમસ્યાનો સામનો કરી રહ્યો છું. જોકે, તેમણે લોકોને અપીલ કરી હતી કે તેઓ કોન્ટ્રાક્ટર કે કામદારોને ખરુંખોટું ન બોલે કે ન તો વિરોધ પ્રદર્શન કરે. એમનો એમાં કંઇ દોષ નથી. જો કારીગરો ભયના માહોલમાં રહેશે તો કામ પૂરું થઈ શકવાનું નથી.
જોકે, આ રીતે રાજ્યના રોડ્સ પ્રૉજેક્ટમાં થઇ રહેલા વિલંબ અને લોકોના દારૂના સેવન અંગે ટ્રમ્પના માથે દોષનું પોટલું નાખનાર આ બીજેપીના નેતા (Sujay Vikhe Patil)ની લોકો સોશિયલ મીડિયામાં ઝાટકણી પણ કાઢી રહ્યા છે અને ટ્રોલ કરી રહ્યા છે. પરંતુ તેમની થઇ રહેલી ટ્રોલિંગ અને ટીકાઓ અંગે પ્રતિક્રિયા આપતાં આ નેતાએ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું છે કે તેઓ આવી ટીકાઓથી ડરતા નથી અને તેમનું ધ્યાન માત્ર આ માર્ગ પ્રોજેક્ટને વહેલી તકે પૂર્ણ કરાવવા પર જ છે.
