વૉશિંગ્ટનના રોનલ્ડ રેગન ઍરપોર્ટ નજીકથી પસાર થઈ રહેલા અમેરિકન ઍરલાઇન્સના પ્લેન અને મરીન વન વચ્ચે નિયત સુરક્ષા-પ્રોટોકૉલ કરતાં ઓછું અંતર રહી ગયું હતું.
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પના સત્તાવાર હેલિકૉપ્ટર મરીન વન અને એક કમર્શિયલ પૅસેન્જર પ્લેન વચ્ચે હવાઈ-અંતર ભયજનક રીતે ઘટી જતાં અમેરિકી એવિયેશન ઑથોરિટી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. વૉશિંગ્ટનના રોનલ્ડ રેગન ઍરપોર્ટ નજીકથી પસાર થઈ રહેલા અમેરિકન ઍરલાઇન્સના પ્લેન અને મરીન વન વચ્ચે નિયત સુરક્ષા-પ્રોટોકૉલ કરતાં ઓછું અંતર રહી ગયું હતું.
આ ઘટના વિશે નૅશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને ફેડરલ એવિયેશન ઍડ્મિનિસ્ટ્રેશન (FAA) દ્વારા સત્તાવાર તપાસ શરૂ કરવામાં આવી છે. ઍર ટ્રાફિક કન્ટ્રોલર સાથેના સંદેશવ્યવહારમાં ગરબડને કારણે બન્ને ઍરક્રાફ્ટ એક માઇલ કરતાં પણ ઓછા અંતરે આવી ગયાં હોવાનો અહેવાલ છે. આ વિશે વાઇટ હાઉસના પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ક્યારેય જોખમમાં નહોતા અને મરીન વનના શ્રેષ્ઠ પાઇલટોએ સુરક્ષિત રીતે સ્થિતિ સંભાળી લીધી હતી.
અધિકારીઓ હાલ એ વાતની બારીકાઈથી તપાસ કરી રહ્યા છે કે મરીન વન ઍરપોર્ટ તરફ આવી રહ્યું હતું ત્યારે કમર્શિયલ પ્લેનને ટેક-ઑફ કરવાની પરવાનગી કેમ આપવામાં આવી? અગાઉ થયેલી વિમાન-દુર્ઘટના બાદ અમલી બનાવાયેલા ચુસ્ત પ્રોટોકૉલ અને ઍરપોર્ટ નજીકના સુરક્ષા-નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા FAA દ્વારા જરૂરી સુધારાત્મક કાનૂની પગલાં ભરવામાં આવી રહ્યાં છે.
