એક રિક્ષામાં ચારથી પાંચ પૅસેન્જર લઈ જતા શૅર-અ-રિક્ષાના ડ્રાઇવરોની મનમાની પર કોણ રોક લગાવશે?
અંધેરીમાં એક રિક્ષામાં બેસેલા ચાર પ્રવાસીઓ. એને લીધે પ્રવાસીઓના જીવને જોખમ રહે છે.
અંધેરી-ઈસ્ટમાં કુર્લા રોડથી અંધેરી સ્ટેશન તરફ આવતી-જતી શૅર-અ રિક્ષાના ડ્રાઇવરો એક રિક્ષામાં ત્રણથી વધુ પૅસેન્જરો બેસાડીને લઈ જતા હોવાથી તેમના જીવને જોખમ રહે છે. આમ છતાં ખુલ્લેઆમ ટ્રાફિકના નિયમોનો ભંગ થઈ રહ્યો હોવાની ફરિયાદ કેટલાક જાગૃત પ્રવાસીઓએ કરી હતી. રિક્ષાચાલકો પર તેમ જ ડ્રાઇવરની પાસે બેસતા પ્રવાસીઓ પર ટ્રાફિક-પોલીસે કાર્યવાહી કરવી જોઈએ એવી ડિમાન્ડ સ્થાનિક લોકોની છે.
અંધેરીના એક રહેવાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક રિક્ષામાં ૪ તો ક્યારેક પાંચ લોકો પણ બિન્દાસ જતા હોય છે. શૅર-અ-રિક્ષાવાળા વધારે પૈસા કમાવાની લાલચમાં ટ્રાફિકના રૂલ્સનો ભંગ કરતાં અચકાતા નથી. વળી લોકો પણ રિક્ષા ન મળતાં મજબૂરીમાં આગળ બેસી જતા હોય છે, પરંતુ આ કારણે કોઈનો જીવ જોખમમાં મુકાઈ શકે છે. એક રિક્ષામાં ત્રણથી વધુ પૅસેન્જરને બેસાડવાની મનાઈ હોવા છતાં ખુલ્લેઆમ શૅર-અ રિક્ષાચાલકો મનમાની કરતા હોય છે અને ટ્રાફિક વિભાગ દ્વારા પણ આ બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતાં તેમને કોઈનો ડર રહ્યો નથી. ૩ પૅસેન્જર થઈ ગયા બાદ પણ રિક્ષાચાલકને રિક્ષા ચલાવવાનું કહેતાં તે કહે છે કે ઔર એક-દો લોગોં કો આને દો, ઉસકે બાદ હી રિક્ષા ચલેગી. તેઓ આવું કહેતા હોવાથી પૅસેન્જરો પાસે પણ કોઈ ખાસ વિકલ્પ રહેતો નથી. રિક્ષાચાલકોની મનમાની પર ટ્રાફિક વિભાગે રોક લગાવવાની જરૂર છે જેથી તેઓ એક રિક્ષામાં ત્રણથી વધુ પૅસેન્જર ભરીને કોઈનો જીવ જોખમમાં ન મૂકે.’
ADVERTISEMENT
અંધેરીના સહાર ટ્રાફિક ડિપાર્ટમેન્ટે આ બાબતે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આવું કરતા રિક્ષાચાલકોને ફાઇન કરીએ જ છીએ. એક રિક્ષામાં ત્રણથી વધુ પૅસેન્જર બેસાડતા રિક્ષાચાલકો પર અમે ફરી કાર્યવાહી કરીશું.’


