ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતા અંધેરીના અમિત ચોપડાએ આત્મહત્યા કેમ કરી એના વિશે પરિવાર અજાણ
પ્રતીકાત્મક તસવીર
બાંદરા-વરલી સી-લિન્ક પરથી પસાર થતી એક કૅબમાં બેઠેલા જ્વેલરે અચાનક જ સાપ કરડ્યો હોવાની બૂમો પાડીને કૅબ ઊભી રખાવી હતી અને કૅબમાંથી ઊતરીને સીધું દરિયામાં ઝંપલાવી દીધું હતું. આ આશ્ચર્યજનક બનાવ બાદ મરનારના પરિવારને કે પોલીસને આત્મહત્યા પાછળનું કારણ હજી સ્પષ્ટ થયું નથી.
અંધેરી-વેસ્ટમાં રહેતા અને ઇમિટેશન જ્વેલરીનો બિઝનેસ કરતા ૪૭ વર્ષના અમિત ચોપડા નામના બિઝનેસમૅને અંધેરીથી મંગળવારે રાતે ૯ વાગ્યે કૅબ બુક કરી હતી. કૅબ બાંદરા-વરલી સી-લિન્ક પર પહોંચી ત્યારે બિઝનેસમૅને સાપ કરડ્યો હોવાની બૂમાબૂમ કરી મૂકી એટલે ગભરાયેલા કૅબ-ડ્રાઇવરે ગાડી ઊભી રાખી હતી. જેવી કૅબ ઊભી રહી એટલે તરત જ બિઝનેસમૅને કારમાંથી ઊતરીને દોડવા માંડ્યું હતું અને અચાનક જ દરિયામાં કૂદકો મારી દીધો હતો.
ADVERTISEMENT
કૅબ-ડ્રાઇવરે પોલીસ કન્ટ્રોલ રૂમમાં કૉલ કરીને ઘટનાની વિગત આપી હતી અને બિઝનેસમૅને કૅબમાં છોડેલી સ્લિન્ગ બૅગ અને મોબાઇલ પોલીસને આપ્યાં હતાં. બૅગમાંથી મળેલા આઇડેન્ટિટી કાર્ડની મદદથી પોલીસે બિઝનેસમૅનના પરિવારનો સંપર્ક કર્યો હતો. સામાન્ય રીતે રોજ રાતે ઘરની બહાર જતા અમિત ચોપડા થોડી વારમાં ઘરે પાછા ફરતા હતા, પણ મંગળવારે મોડી રાત સુધી પાછા ન ફરતાં પરિવારજનોએ તેઓ ગુમ થયા હોવાની પોલીસ-ફરિયાદ નોંધાવી હતી.
માછીમારોએ બુધવારે સવારે ૯ વાગ્યે અમિત ચોપડાનો મૃતદેહ શોધી કાઢ્યો હતો. તેમનાં પત્ની અને બે દીકરાઓને પણ અમિત ચોપડાએ આવું પગલું કેમ ભર્યું એની સ્પષ્ટતા નથી. તેમના માથે કોઈ દેવું નહોતું અને ડિપ્રેશનનો શિકાર પણ નહોતા એવું પ્રાથમિક તપાસમાં પરિવારજનોએ જણાવ્યું હતું.


