માટુંગાની ૩૦ વર્ષની કોમલ સાવલા અચાનક થયેલા બ્રેઇન-હૅમરેજ પછી કોમામાં સરી પડીને બ્રેઇન-ડેડ જાહેર થઈ એને પગલે પરિવારે તેનાં ઑર્ગન ડોનેટ કર્યાં
કોમલ સાવલા
કોમલની મોટી બહેનના દીકરાનો જન્મદિવસ આવી રહ્યો હતો અને ઘરમાં ખુશીનો માહોલ હતો, રિટર્ન ગિફ્ટ્સ પૅક થઈ રહી હતી અને અચાનક ખુશી ગમમાં પલટાઈ ગઈ
માટુંગા-વેસ્ટમાં રહેતી, ફિલ્મ-સિરિયલોના સેટ ડિઝાઇન કરતી ૩૦ વર્ષની કોમલ સાવલા હજી ગયા મંગળવારે રાતે પરિવાર સાથે બેસીને પ્રેમથી વાતો કરતાં-કરતાં જમી હતી અને મોટી બહેનના દીકરાના જન્મદિવસની ઉજવણીમાં આપવાની ગિફ્ટ્સ પૅક કરી રહી હતી ત્યારે તેને અચાનક ઊલટીઓ થવા માંડી હતી. કોમલને તરત જ હિન્દુજા હૉસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તે કોમામાં સરી પડી હતી. ડૉક્ટરોએ વિવિધ ટેસ્ટ કર્યા બાદ તેનું બ્રેઇન-હૅમરેજ થયું હોવાથી તે બ્રેઇન-ડેડ થઈ ગઈ હોવાનું નિદાન કર્યું હતું. ત્રણ દિવસ બાદ પરિવારે ભારે હૈયે નિર્ણય લીધો હતો અને તેનાં ઑર્ગન્સ ડોનેટ કર્યાં હતાં. તેનાં પાંચ અંગ ડોનેટ કરવામાં આવ્યાં હતાં. તેના પિતા ભરત સાવલાએ કહ્યું હતું કે અમે તો અમારી એક જ દીકરીને જિવાડવા માગતા હતા, પણ તે તો પાંચ જણને નવજીવન આપી ગઈ.
ADVERTISEMENT
મૂળ કચ્છના બાડા ગામના કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિના ભરત સાવલા તેમના પરિવાર સાથે માટુંગા-વેસ્ટમાં રહે છે અને હિન્દુજા હૉસ્પિટલ સામે જ તેમની સાવલા કેમિસ્ટ નામની દવાની દુકાન છે. દીકરીની અચાનક એક્ઝિટ વિશે માહિતી આપતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોમલ ફ્રીલાન્સિંગમાં કામ કરતી હતી. અમારી મોટી દીકરી અશ્વિનીના દીકરાનો જન્મદિવસ આવી રહ્યો હોવાથી ઘરમાં એની ઉજવણીની તૈયારીઓ થઈ ગઈ હતી. કેટલીક ગિફ્ટ્સ પૅક કરાઈ રહી હતી. એ દિવસે હું તો દુકાને હતો. કોમલ પરિવારના સભ્યો સાથે જમીને ગિફ્ટ પૅક કરી રહી હતી ત્યારે અચાનક તેને ઊલટીઓ થવા માંડી, તેને લાગ્યું અપચો હશે. એક પછી એક ત્રણ ઊલટીઓ થતાં મને પણ જાણ કરાઈ. હું તરત જ ઘરે આવ્યો. બિલ્ડિંગમાં જ રહેતા ડૉક્ટરને બતાવ્યું. તેમણે બ્લડપ્રેશર માપ્યું પણ ખાસ કઈ જણાયું નહીં. કોમલ ધીમે-ધીમે કૉન્શ્યસનેસ ગુમાવી રહી હતી એટલે તેમણે હૉસ્પિટલાઇઝ કરવા કહ્યું. અમે તેને હિન્દુજામાં લઈ ગયા. તરત જ બધી ટેસ્ટ કરવામાં આવી, પણ એટલી વારમાં તો તે કોમામાં સરી પડી. ૨૪ કલાક બાદ બીજા દિવસે ડૉક્ટરે ફરી ટેસ્ટ કરી અને કહ્યું કે તેનું બ્રેઇન- હૅમરેજ થઈ ગયું છે. મગજમાં લોહીની નસ ફાટીને લોહી બધે ફેલાઈ રહ્યું છે, શી ઇઝ બ્રેઇન-ડેડ. ત્રીજા દિવસે પણ અમે આશા રાખી બધી ટેસ્ટ કરાવી, પણ કોઈ જ રિસ્પૉન્સ નહોતો એથી આખરે ડૉક્ટરે અમને આખા ફૅમિલીને બોલાવીને કહ્યું કે તમારે કોઈ નિર્ણય લેવો પડશે.’
દીકરીના મોતનું દુ:ખ તો હતું જ, પણ એમ છતાં સમાજ માટે કાંઈ સારું કામ કરી શકાય એ હેતુથી પરિવારે ઑર્ગન-ડોનેશનનો નિર્ણય લીધો હતો. એ વિશે જણાવતાં ભરતભાઈએ વધુમાં કહ્યું હતું કે ‘અમે જૈન છીએ. મારી વાઇફ અને મોટી દીકરીએ ઑલરેડી ઑર્ગન-ડોનેશનનું ફૉર્મ ભરેલું હતું એથી અમે સમાજ-ઉપયોગી એવો કોમલનાં ઑર્ગન-ડોનેશનનો નિર્ણય લીધો હતો. અમે ડૉક્ટરને કહ્યું, કોમલનાં જેટલાં પણ અંગ ડોનેટ કરી શકાય હોય એ કરો. એથી ડૉક્ટરોએ ઝડપી કાર્યવાહી કરીને તેની એક કિડની, લિવર, ફેફસાં, આંતરડાં અને આંખના કૉર્નિયા રિમૂવ કરી અલગ-અલગ હૉસ્પિટલમાં જરૂરિયાતમંત દરદીઓને પહોંચાડીને તેમને જીવન બક્ષ્યું હતું. એ માટે ખાસ ગ્રીન ક઼ૉરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો. અમે તો અમારી એક દીકરીને જિવાડવા માગતા હતા, પણ તે તો પાંચ જણને નવજીવન બક્ષીને ગઈ.’
અમે જૈન છીએ. મારી વાઇફ અને મોટી દીકરીએ ઑલરેડી ઑર્ગન-ડોનેશનનું ફૉર્મ ભરેલું હતું એથી અમે સમાજ-ઉપયોગી એવો કોમલનાં ઑર્ગન-ડોનેશનનો નિર્ણય લીધો હતો. અમે ડૉક્ટરને કહ્યું, કોમલનાં જેટલાં પણ અંગ ડોનેટ કરી શકાય એ કરો. - ભરત સાવલા


