Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ૧૧ વાગ્યે આવો હાઈ કોર્ટ પર

૧૧ વાગ્યે આવો હાઈ કોર્ટ પર

Published : 24 July, 2025 07:15 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

કબૂતરપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓને આ ત્રણ મહિલાઓની હાકલ : કબૂતરખાનાં બંધ કરવાના નિર્ણયનો વિરોધ ઉગ્ર બની રહ્યો છે

(ડાબેથી) સવિતા મહાજન, પલ્લવી પટેલ,  સ્નેહા વિસરિયા

(ડાબેથી) સવિતા મહાજન, પલ્લવી પટેલ, સ્નેહા વિસરિયા


મહારાષ્ટ્ર સરકારે કબૂતરની ચરકથી થતી શ્વસનસમસ્યાઓ સામે જાહેર આરોગ્યની ચિંતા કરીને મુંબઈનાં કબૂતરખાનાં બંધ કરવાનો આદેશ આપ્યો છે અને મુંબઈ મહાનગરપાલિકાએ કબૂતરખાનાંઓ સામે અને કબૂતરનું ચણ વેચનારા અને ખવડાવનારા લોકો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે એનો વિરોધ કરીને મુંબઈની ત્રણ જીવદયાપ્રેમી મહિલાઓ સ્નેહા વિસરિયા, પલ્લવી પટેલ અને સવિતા મહાજને મુંબઈ હાઈ કોર્ટમાં દાદ માગી છે. આજે કોર્ટમાં બન્ને પક્ષો વચ્ચે દલીલો શરૂ થવાની છે. એ સમયે મુંબઈમાં ગૌરક્ષા અને અન્ય પશુઓની રક્ષા માટે કાર્યરત જીવ મૈત્રી ટ્રસ્ટ દ્વારા કબૂતરપ્રેમીઓ અને જીવદયાપ્રેમીઓને કબૂતરો અને કબૂતરખાનાં બચાવવા માટેની ચળવળનો અવાજ બુલંદ કરવા માટે આગળ આવવાનો અનુરોધ કરીને આજે હાઈ કોર્ટમાં સવારે ૧૧ વાગ્યે હાજર થવાની અપીલ કરી છે.

નવાઈની વાત એ છે કે મહાનગરપાલિકાને મુંબઈનાં કબૂતરખાનાં બંધ કરવા તરત ઝુંબેશ ચલાવવા માટેનો મૌખિક આદેશ વિધાનપરિષદમાં સરકાર તરફથી આપવામાં આવ્યો હતો. જોકે ત્યાર બાદ કોઈ જ આદેશ સરકાર તરફથી ગવર્નમેન્ટ રેઝોલ્યુશન દ્વારા આપવામાં આવ્યો નથી એમ જણાવતાં વર્ષોથી પ્રાણીઓ માટે લડી રહેલી સ્નેહા વિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાએ સૌથી પહેલી કાર્યવાહી દાદરના અને ગોવાલિયા ટૅન્કના કબૂતરખાનાથી શરૂ કરી હતી. આ સિવાય મુંબઈ અને ઉપનગરોનાં બધાં જ કબૂતરખાનાંઓ પાસે કબૂતર માટે ચણ વેચવા બેસતા ફેરિયાઓને ધમકી આપીને મહાનગરપાલિકાએ કબૂતરખાનાંઓ બંધ કરાવ્યાં હતાં. મહાનગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ચણ વગર કમોતે મરી રહેલાં કબૂતરો સામે નજર કરવાને બદલે કોઈ જગ્યાએ ફટાકડા ફોડીને તો કોઈ કબૂતરખાનાની પાણીની લાઇન કાપીને બેજુબાન કબૂતરોને ભગાવવા માટે સક્રિય બન્યા છે. અમારી અનેક વિનંતીઓ પછી પણ તેઓ તેમની કાર્યવાહી રોકવા તૈયાર નહોતા. આથી તેમની આ ગેરબંધારણીય કાર્યવાહી સામે અમે કોર્ટમાં ગયા છીએ. કોર્ટે પહેલા જ દિવસે કે. ઈ. એમ. હૉસ્પિટલના ડીનનો પક્ષકાર તરીકે સમાવેશ કરવાનો અને કબૂતરોની ચરકથી માનવીય મોત થયાં હોય એવા કેસોની રજૂઆત કરવાનો આદેશ આપ્યો હતો. જોકે મહાનગરપાલિકા ગઈ કાલે મુંબઈના માંડ ચારથી પાંચ એવા કેસોની માહિતી અમને આપી શકી હતી. આ સિવાય તેમણે બીજા ૧૭ મુદ્દાઓ અમારી સમક્ષ રજૂ કર્યા છે.’




આજની સુનાવણીમાં અમારી પાસે જે ડેટા તૈયાર છે એ કોર્ટમાં રજૂ કરીશું એમ જણાવતાં સ્નેહા વિસરિયાએ કહ્યું હતું કે ‘અમે તો ગઈ કાલે જ કોર્ટમાં બૅગ ભરીને ડેટા લઈને ગયા હતા, પણ સુનાવણી થઈ નહોતી. અમારી પાસે કબૂતરખાનાની બાજુમાં રહેતા અને વર્ષોથી કબૂતરોને ચણ આપવા જતા રહેવાસીઓના ૩૦૦૦થી વધુ ડેટા છે. તેઓ કબૂતરોને ખોરાક આપવાને સમર્થન આપી રહ્યા છે. આ  લોકો એક-બે વર્ષથી નહીં પણ ઘણાં વર્ષોથી કબૂતરોને ચણ ખવડાવી રહ્યા છે. છતાં તેમાંથી કોઈને પણ ફેફસાં કે શ્વસનનો રોગ થયો નથી. આ બાબતે અમે સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરોનાં મંતવ્યો પણ મગાવ્યાં હતાં, પણ અત્યંત દુઃખની વાત છે કે આ ડૉક્ટરો પર કોઈ રાજકીય દબાણ હોવાથી તેમનું લાઇસન્સ બચાવવા માટે તેઓ લેખિતમાં તેમનાં મંતવ્યો આપવા કે અમને ટેકો આપવા તૈયાર નથી. મહાનગરપાલિકા અત્યારે ઠેર-ઠેર કાયદો અને વ્યવસ્થાના નામે ક્રૂરતાપૂર્વક કાર્યવાહી કરી રહી છે એ વાતથી કોર્ટ અજાણ છે. બોરીવલીના એક કબૂતરખાના પાસે અને એની આસપાસ મહાનગરપાલિકા તરફથી દુર્ગંધ મારતું માછલીનું પાણી ફેંકવામાં આવ્યું હતું, જેથી તેઓ દૂષિતતા બતાવી શકે અને લોકો દુર્ગંધને કારણે કબૂતરખાના પાસે કબૂતરોને ચણ ખવડાવવા આવે નહીં. કબૂતરોને ઈજા પહોંચાડવા માટે કાંટાવાળા ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે કબૂતરો અને અન્ય પક્ષીઓ ભૂખ અને તરસથી મરી રહ્યાં છે. એની સામે હમદર્દી દેખાડવાને બદલે ફેરિયાઓને સ્વચ્છતા ન રાખવા માટે દંડવામાં આવી રહ્યા છે. કબૂતરખાનામાં કબૂતરોને શાંતિથી બેસવા પણ ન દે આ પ્રકારની ક્રૂરતા અમને કોઈ પણ સંજોગોમાં સ્વીકાર્ય નથી. આ મુદ્દે અમે છેલ્લે સુધી કાયદાકીય લડત લડીશું એમાં કોઈ શંકા નથી.’


Whatsapp-channel Whatsapp-channel

24 July, 2025 07:15 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK