ઘાટકોપરમાં દસમીની પરીક્ષા આપ્યા પછી મમ્મી સાથે પાછી ફરતી ૧૫ વર્ષની ગુજરાતી ટીનેજર ગુમ : પંતનગર પોલીસે અપહરણનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી
પ્રતીકાત્મક તસવીર
ઘાટકોપર-ઈસ્ટમાં માતા રમાબાઈનગર નજીક રહેતી ૧૫ વર્ષની ગુજરાતી કિશોરી શુક્રવારે બપોરે દસમા ધોરણની પરીક્ષા આપ્યા બાદ ગુમ થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ મામલે પંતનગર પોલીસે કિશોરીની માતાની ફરિયાદના આધારે અપહરણની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શુક્રવારે કિશોરી દસમા ધોરણની પરીક્ષા આપવા ગુરુકુળ સ્કૂલમાં આવી હતી. ત્યાંથી બપોરે નીકળ્યા બાદ પંતનગરના આંબેડકર સર્કલ નજીકથી અચાનક લાપતા થઈ ગઈ હતી.
કિશોરીની માતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી દીકરી ઘાટકોપર-ઈસ્ટની એક સ્કૂલમાં દસમા ધોરણમાં અભ્યાસ કરે છે અને હાલમાં તેની બોર્ડની પરીક્ષા ચાલુ છે. તેનું સેન્ટર ઘાટકોપરની ગુરુકુળ કૉલેજમાં આવ્યું હતું એટલે શુક્રવારે પરીક્ષા આપ્યા બાદ બપોરે બે વાગ્યાની આસપાસ મારી સાથે ઘરે પાછી ફરી રહી હતી. એ સમયે આંબેડકર સર્કલ પાસે તેને ભૂખ લાગી હતી એટલે મેં તેને વડાપાંઉ અપાવ્યું હતું. ત્યાં નજીકની દુકાનમાં મારે કામ હોવાથી હું ત્યાં ગઈ હતી. થોડી વાર પછી હું વડાપાંઉવાળા પાસે આવી ત્યારે મારી દીકરી મને દેખાઈ નહોતી. મેં આસપાસના વિસ્તારોમાં ઘણી શોધખોળ કરી હતી છતાં તે ક્યાંય મળી આવી નહોતી. અજાણી વ્યક્તિ તેને ફોસલાવીને પોતાની સાથે લઈ ગઈ હોવાની ખાતરી થતાં મેં પંતનગર પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.’
પંતનગર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે અમે ફરિયાદ નોંધીને કિશોરી જ્યાંથી ગુમ થઈ એ વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસીને તેમ જ સ્થાનિક લોકો પાસેથી માહિતી એકઠી કરીને કિશોરીને શોધી રહ્યા છીએ.
