કલાકોમાં સ્ટેશનની બહારથી મળી આવી : ચોરે બૅગમાં રિવૉલ્વર જોઈને મુશ્કેલીથી બચવા માટે બૅગ રેલવે-સ્ટેશનની બહાર મૂકી દીધી
પ્રતીકાત્મક તસવીર
બાંદરા સ્ટેશન પર શનિવારે મોડી રાત્રે સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF)ના ૩૨ વર્ષના કૉન્સ્ટેબલ સુશાંત ગાયકવાડની ૨૯ જીવતી કારતૂસ સાથેની સરકારી રિવૉલ્વર ચોરાઈ જવાથી પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ બાંદરા ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP)એ ચોરીની ફરિયાદ નોંધીને તાત્કાલિક તપાસ શરૂ કરી હતી તેમ જ GRPની ક્રાઇમ બ્રાન્ચ પણ ચોરની શોધખોળમાં લાગી હતી. કલાકોની તપાસ બાદ રિવૉલ્વર સાથેની બૅગ બાંદરા સ્ટેશનની બહારથી જ મળી આવી હતી. રેલવે-સ્ટેશનના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે સ્પષ્ટ થયું હતું કે અજાણ્યા ચોરે બૅગની ચોરી કરી હતી, પરંતુ બૅગમાંથી રિવૉલ્વર મળતાં જ વધુ મુશ્કેલીથી બચવા માટે તેણે બૅગ સ્ટેશનની બહાર મૂકી દીધી હતી. ઉલ્લેખનીય છે કે કૉન્સ્ટેબલ સુશાંત ગાયકવાડને જયદેવ ઠાકરેની સુરક્ષા માટે આ રિવૉલ્વર આપવામાં આવી હતી.
બાંદરા GRPના સિનિયર ઇન્સ્પેક્ટર સહાજી નિકમે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્સ્ટેબલ સુશાંત ગાયકવાડ SRPF ગ્રુપ ૧૧માં કાર્યરત છે અને તેને જયદેવ ઠાકરેની સુરક્ષા માટેની ફરજ આપવામાં આવી છે. શનિવારે રાત્રે સાડાદસ વાગ્યે ફરજ પૂરી થયા બાદ તે પોતાના મિત્રના ઘરે ગયા પછી અંદાજે અઢી વાગ્યે બાંદરા રેલવે-સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર પહોંચ્યો હતો. છેલ્લી ટ્રેન છૂટી જતાં તે માહિમ તરફની બેન્ચ પર બેસીને ઊંઘી ગયો હતો. સવારે લગભગ સાડાચાર વાગ્યે ઊંઘમાંથી જાગ્યો ત્યારે તેની બાજુમાં રાખેલી બૅગ ગાયબ હોવાનું જણાયું હતું. વધુ તપાસ કરતાં અજાણી વ્યક્તિએ તેની ઊંઘનો લાભ લઈને બૅગ ચોરી લીધી હોવાનું સ્પષ્ટ થયું હતું. ચોરી થયેલી બૅગમાં એક સરકારી પિસ્તોલ તેમ જ ૯ MMની ૨૯ જીવંત કારતૂસ સહિત કુલ અંદાજિત ૧.૭૯ લાખ રૂપિયાનો સામાન હતો. ઉપરાંત પોલીસ આઇ-કાર્ડ અને યુનિફૉર્મ પણ બૅગમાં જ હતાં. અંતે આ ઘટનાની જાણ અમને કરવામાં આવી હતી એટલે અમારા અધિકારીઓએ તાત્કાલિક રેલવે-સ્ટેશનના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસ્યાં હતાં. એની સાથે ટેક્નિકલ માહિતીના આધારે તપાસ શરૂ કરી હતી. એ સમયે આશરે બે કલાક બાદ બૅગ સ્ટેશનની બહારથી બિનવારસ હાલતમાં મળી આવી હતી. અમારું એવું અનુમાન છે કે ચોરે બૅગ ખોલતાં જ અંદર રિવૉલ્વર જોવા મળતાં ગભરાઈને સ્ટેશનની બહાર બૅગ મૂકીને ફરાર થઈ ગયો હતો જે પછી CCTV કૅમેરાના ફુટેજમાં પણ સ્પષ્ટ થયું હતું. આ બૅગ મળી આવતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. એમ છતાં અમે આરોપીની શોધ શરૂ કરી છે.’
