ઑસ્ટ્રેલિયામાં હેટ-વેવ હજીયે ચાલુ જ, હવે સ્વામીનારાયણ મંદિરની દીવાલ પર લખ્યું...
મેલબર્નમાં આવેલા સ્વામીનારાયણ મંદિરની દીવાલ પર ગ્રૅફિટી દ્વારા ભારતીયો વિરુદ્ધ નફરત પ્રગટ કરવામાં આવી
ઑસ્ટ્રેલિયાના ઍડીલેડમાં ૨૩ વર્ષના ભારતીય યુવાન પર હુમલાના બીજા જ દિવસે મેલબર્નમાં આવેલા સ્વામીનારાયણ મંદિરની દીવાલ પર ગ્રૅફિટી દ્વારા ભારતીયો વિરુદ્ધ નફરત પ્રગટ કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસના નોંધ્યા પ્રમાણે મેલબર્નના બોરોનિયા વિસ્તારમાં આવેલા સ્વામીનારાયણ મંદિરની દીવાલ પર રાતોરાત હિટલરના ચહેરા સાથે ‘ગો હોમ બ્રાઉન #&*#’ એવા અપમાનજનક અને જાતિવાદી શબ્દો સાથેની ચેતવણી લખેલી જોવા મળી હતી. આ જ વિસ્તારમાં આવેલી બે રેસ્ટોરાં અને એક હીલિંગ સેન્ટરની બહાર પણ આવાં જ લખાણો જોવા મળ્યાં હોવાનું પોલીસે જણાવ્યું હતું. જાતિવાદી હુમલાનો ભોગ બનેલી બન્ને રેસ્ટોરાં પણ એશિયન લોકો દ્વારા સંચાલિત હતી.


