હુમલો કરનારા ગ્રુપે કથિત રીતે જાતિવાદી દુર્વ્યવહાર કર્યો હતો અને ચરણપ્રીત સિંહને ભારત પાછા જતા રહેવાનું કહીને સ્ટ્રીટ પર બેભાન અવસ્થામાં છોડી દેવામાં આવ્યો હતો.
૨૩ વર્ષના ભારતીય સ્ટુડન્ટ ચરણપ્રીત સિંહ પર હિંસક હુમલો કરવામાં આવ્યો
ઑસ્ટ્રેલિયાના ઍડિલેડ શહેરમાં શનિવારે રાત્રે ૨૩ વર્ષના ભારતીય સ્ટુડન્ટ ચરણપ્રીત સિંહ પર હિંસક હુમલો કરવામાં આવ્યો હતો જેને કારણે તેને મગજમાં ઈજા થઈ છે અને ચહેરા પર ફ્રૅક્ચર આવ્યું છે. કારપાર્કિંગના વિવાદને લઈને પુરુષોના એક જૂથે ચરણપ્રીત સિંહ પાસે જઈને તેના પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસે એન્ફીલ્ડ વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષના યુવાનની ધરપકડ કરી હતી. જોકે અન્ય આરોપીઓ ભાગી ગયા હતા અને તેમની ઓળખ જાણવા મળી નથી.
હુમલો કરનારા ગ્રુપે કથિત રીતે જાતિવાદી દુર્વ્યવહાર કર્યો હતો અને ચરણપ્રીત સિંહને ભારત પાછા જતા રહેવાનું કહીને સ્ટ્રીટ પર બેભાન અવસ્થામાં છોડી દેવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
આ ઘટના બની ત્યારે ચરણપ્રીત સિંહ તેની કારમાં હતો. તેણે જણાવ્યું હતું કે ‘પુરુષોનું એક ગ્રુપ તેની પાસે આવીને જાતિવાદી અપશબ્દો બોલ્યું હતું અને કોઈ પણ ઉશ્કેરણી વિના શારીરિક હુમલો કર્યો હતો. મેં વળતો જવાબ આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમણે મને ત્યાં સુધી માર માર્યો જ્યાં સુધી હું બેભાન ન થઈ ગયો. આવી બાબતો જ્યારે થાય છે ત્યારે એવું લાગે છે કે મારે પાછા જવું જોઈએ. તમે તમારા શરીરમાં કંઈ પણ બદલી શકો છો, પરંતુ રંગ બદલી શકતા નથી.’
આ હુમલાથી ઍડીલેડના ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો છે અને ઑસ્ટ્રેલિયામાં ઇન્ટરનૅશનલ સ્ટુડન્ટ્સ અને ઇમિગ્રન્ટ્સની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી છે.


