મંગળવારે આખી રાત વિતાવી કાઠમાંડુ ઍરપોર્ટ પર : ઍરપોર્ટ પર કોઈ જાગ્યું તો કોઈ ખુરસી-સોફામાં સૂઈ ગયું : ગઈ કાલે બપોરે ઇન્ડિયન એમ્બેસીમાંથી સ્ટાફ આવીને ઍરપોર્ટ પરથી તમામને સલામત રીતે હોટેલમાં લઈ ગયો, પછી મોડી રાત્રે દિલ્હીની ફ્લાઇટ મળી
ગઈ કાલે રાત્રે દિલ્હી જવા કાઠમાંડુ ઍરપોર્ટ પર મુસાફરોએ લાઇન લગાવી હતી.
મંગળવારે આખી રાત ઍરપોર્ટ પર આતંકમાં વિતાવ્યા પછી મુંબઈગરા ગુજરાતીઓને બુધવારે રાત્રે દિલ્હીની ફ્લાઇટ મળી એટલે હાશકારો
નેપાલમાં ફાટી નીકળેલાં તોફાનો વચ્ચે મુંબઈ અને અમદાવાદ સહિતના ગુજરાતીઓએ તેમ જ અન્ય મુસાફરોએ મંગળવારે આખી રાત કાઠમાંડુ ઍરપોર્ટ પર વિતાવ્યા બાદ છેવટે ગઈ કાલે રાત્રે કાઠમાંડુ ઍરપોર્ટ શરૂ થતાં ભારત પાછા આવવા માટે લાઇન લગાવી હતી. નેપાલમાં ફરવા ગયેલા મુંબઈના ગુજરાતીઓને તોફાનોને કારણે જે વિઘ્નો આવ્યાં એનો આખરે અંત આવતાં અને ભારત પાછા ફરવા ફ્લાઇટ મળી જતાં ખુશી ફેલાઈ ગઈ હતી. તેઓ ગઈ કાલે રાત્રે દિલ્હી થઈને મુંબઈ આવવા નીકળ્યા હતા.
ADVERTISEMENT
મંગળવારે રાતે મુંબઈ અને અમદાવાદ સહિતનાં સ્થળોના મુસાફરો સલામતીનાં કારણોસર ઍરપોર્ટ પર જ રોકાઈ ગયા હતા. કેટલાક લોકો વારાફરતી રાતે જાગ્યા હતા તો અન્ય લોકો સોફા અને ખુરસીમાં સૂઈ ગયા હતા. જોકે ગઈ કાલે બપોરે ઇન્ડિયન એમ્બેસીમાંથી સ્ટાફ આવીને કાઠમાંડુ ઍરપોર્ટ પરથી તમામ લોકોને એસ્કોર્ટ સાથે સલામત રીતે હોટેલમાં લઈ ગયો હતો.
મુંબઈના જુહુ, બોરીવલી, પરેલ સહિતના વિસ્તારોમાંથી નેપાલ ગયેલા મુસાફરો ત્યાં થયેલાં તોફાનોમાં ફસાઈ ગયા હતા. જોકે તેઓ મંગળવારે ગમે એમ કરીને કાઠમાંડુ ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા. જોકે તમામ ફ્લાઇટ કૅન્સલ થઈ જતાં ઍરપોર્ટ પર બધા અટવાઈ ગયા હતા, પણ ગઈ કાલે રાત્રે ભારત આવવા માટે ફ્લાઇટ મળી જતાં મુંબઈના ગુજરાતીઓને હાશકારો થયો છે. પરેલમાં રહેતા અને ફ્રેન્ડ્સ સાથે કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલાં રૂપલ મહેતાએ કાઠમાંડુ ઍરપોર્ટ પરથી ‘મિડ-ડે’ સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘મુંબઈ, અમદાવાદ અને બૅન્ગલોરથી અમારું ૨૦ જણનું ગ્રુપ કૈલાસ માનસરોવરની યાત્રાએ આવેલું અને તોફાનોને કારણે ફસાઈ ગયું હતું. મંગળવારે આખી રાત અમે ઍરપોર્ટ પર વિતાવી હતી. અમે મુંબઈ પાછા ફરવા માટે ફ્લાઇટ સર્ચ કરી રહ્યા હતા એમાં ઍર ઇન્ડિયાની દિલ્હીની ફ્લાઇટ મળી જતાં એમાં ટિકિટ બુક કરાવી હતી. અમે સાંજે ઍરપોર્ટ જવા નીકળી ગયા હતા. કાઠમાંડુ ઍરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ઍરપોર્ટ મુસાફરોથી ફુલ થઈ ગયું હતું અને લાઇનો લાગી હતી. અમને દિલ્હીની ફ્લાઇટ મળી એટલે દિલ્હી થઈને મુંબઈ આવીશું. અમે મુંબઈના ૮ લોકો પાછા આવીએ છીએ અને બીજા લોકો છે તેઓ આવતી કાલે આવશે.’
જુહુમાં રહેતા અને નેપાલની યાત્રાએ ગયેલા પ્રિયાંક ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નેપાલમાં થયેલાં તોફાનોને કારણે કાઠમાંડુ ઍરપોર્ટ અમને સેફ લાગતાં અમે ત્યાં જ રોકાઈ ગયા હતા. મંગળવારે બપોરે અમે બધા ઍરપોર્ટ પર પહોંચી ગયા હતા. ફ્લાઇટ્સ કૅન્સલ થઈ જતાં અમારે આખી રાત ઍરપોર્ટ પર વિતાવવી પડી હતી. જોકે અમારી પાસે ખાવાનું હતું એટલે કોઈ વાંધો આવ્યો નહીં. બીજું એ કે રાતે લાઇટો ચાલુ હતી. અમારામાંના ઘણા લોકો ઍરપોર્ટ પર જ ખુરસી-સોફા પર સૂઈ ગયા હતા તો ઘણા લોકો વારાફરતી રાત્રે જાગ્યા હતા. ગઈ કાલે બપોરે ઇન્ડિયન એમ્બેસીના કેટલાક લોકો ઍરપોર્ટ પર આવ્યા હતા અને લશ્કરી એસ્કોર્ટ સાથે અમને બધાને હોટેલ પર લઈ ગયા હતા. અમે સેફલી હોટેલ પર પહોંચી ગયા હતા. ઍરપોર્ટ પરથી અમને કાર અને બસમાં અંદાજે ૧૦૦થી ૧૨૫ લોકોને લઈ ગયા હતા. બાકીના લોકો તેમની રીતે હોટેલ પર જવા નીકળી ગયા હતા. ઍરપોર્ટ પરથી અમે જ્યારે બહાર નીકળ્યા અને હોટેલ સુધી ગયા ત્યાં સુધી કાઠમાંડુમાં વાતાવરણ શાંત હતું એટલે કોઈ વિઘ્ન આવ્યા વગર અમે સલામતીપૂર્વક હોટેલ પર પહોંચી ગયા હતા.’
પ્રિયાંક ભટ્ટે પણ ગઈ કાલે રાત્રે દિલ્હીની ફ્લાઇટ પકડી હતી.
નેપાલમાં ફસાયેલા મહારાષ્ટ્રના ૩૦૦ પ્રવાસીઓ સાથે એકનાથ શિંદેએ વાત કરી, સલામત પાછા લાવવાનું આશ્વાસન આપ્યું
નેપાલમાં ફાટી નીકળેલાં તોફાનોમાં મહારાષ્ટ્રના ૩૦૦ પ્રવાસીઓ ફસાયા છે જેમાં મુરબાડ તાલુકાના ૧૧૨ પ્રવાસીઓ છે. નેપાલનું ઍરપોર્ટ ગઈ કાલે રાત સુધી બંધ હોવાથી આ પ્રવાસીઓને પરત લાવવામાં અડચણ ઊભી થઈ હતી. અમુક પ્રવાસીઓનો જીવ જોખમમાં મુકાયો હતો એવા સમયે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પ્રવાસીઓ સાથે વાત કરીને તેમને સલામત પરત લાવવાનું આશ્વાસન આપ્યું હતું. ગઈ કાલે ઍરપોર્ટ ચાલુ થતાં અમુક મુસાફરોને ભારત પાછા લાવવામાં આવ્યા છે.


