સુરતમાં અડધા ઇંચ વરસાદમાં કેટલાક વિસ્તારોમાં ભરાયાં વરસાદી પાણી: ડાંગમાં મેઘરાજાની પધરામણીથી વનરાજી થઈ નવપલ્લવિત: ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી
ડાંગના ઝરી ગામ પાસે પૂર્ણા નદી પર બનેલા ચેક-ડૅમ પરથી નદીમાં પાણી વહેતાં થયાં હતાં.
દક્ષિણ ગુજરાતમાં ગઈ કાલે જાણે કે મેઘમહેર થઈ હતી તો બીજી તરફ સૌરાષ્ટ્રના ભાવનગરમાં ધોધમાર બે ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં. ખેતીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીની લહેરખી ફરી વળી છે. ગુજરાતમાં સાંજે ૬ વાગ્યા સુધીમાં ૪૧ તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો.
ભાવનગર અને સુરતના ઉમરપાડામાં બે ઇંચ જેટલો, નર્મદા જિલ્લાના સાગબારામાં દોઢ ઇંચથી વધુ, તાપી જિલ્લાના ઉકાઈમાં સવા ઇંચ, વલસાડમાં ૧ ઇંચથી વધુ, સુરત જિલ્લાના અરેઠ અને અંબિકામાં ૧ ઇંચ વરસાદ પડ્યો હતો.
ADVERTISEMENT
દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. સુરતમાં પડેલા ૧૫ મિલીમીટર એટલે કે અડધા ઇંચથી વધુ વરસાદના કારણે ડીંડોલી, લિંબાયત, ઉધના, પાંડેસર, પાલ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયાં હતાં.
ડાંગમાં મેઘરાજાની પધરામણીથી વનરાજી નવપલ્લવિત થઈ હતી. વઘઈ, આહવા અને સુબીરમાં વરસાદ પડતાં કાળઝાળ ગરમીમાંથી વન્યજીવો અને ગ્રામીણજનોને રાહત મળી હતી.
ડાંગમાં તેમ જ ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે પૂર્ણા નદીમાં પાણીની આવક થઈ હતી. સુબીર તાલુકાના ઝરી ગામ પાસે પૂર્ણા નદી પર બનેલા ચેક-ડૅમ પરથી નદીમાં પાણી વહેતાં થયાં હતાં.
સાવરકુંડલા પંથકના દાધિયા ગામની શેરીઓમાંથી ધસમસતાં વરસાદી પાણી વહ્યાં હતાં.
