Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > લખનઉના અલીગંજમાં ત્રણ માળના બિલ્ડિંગમાં લાગેલી આગને પગલે ૧૫ લોકોનાં કમકમાટીભર્યાં મોત

લખનઉના અલીગંજમાં ત્રણ માળના બિલ્ડિંગમાં લાગેલી આગને પગલે ૧૫ લોકોનાં કમકમાટીભર્યાં મોત

Published : 23 June, 2026 12:27 PM | IST | Lucknow
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કમર્શિયલ પ્રવૃત્તિઓથી ધમધમતું બિલ્ડિંગ હકીકતમાં રેસિડેન્શિયલ, ઇમર્જન્સી એ​ક્ઝિટ હતી જ નહીં. મોટા ભાગનાં મૃત્યુ કોચિંગ ક્લાસના વિદ્યાર્થીઓનાં

ઘાયલ અને મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો આક્રંદ કરી ઊઠ્યા હતા.

ઘાયલ અને મૃત્યુ પામનારા લોકોના પરિવારજનો આક્રંદ કરી ઊઠ્યા હતા.


બિલ્ડિંગમાં પાછળની દીવાલ તોડીને આગ બુઝાવવામાં આવી, વિદ્યાર્થીઓએ પહેલા અને બીજા માળેથી કૂદકો મારીને જીવ બચાવ્યો, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આર્થિક સહાય જાહેર કરી

આ મકાનમાં ગેમિંગ અને ઍનિમેશન જેવી વ્યાપારી પ્રવૃત્તિઓ ધમધમતી હતી, પણ એનો નકશો વાસ્તવમાં રેસિડેન્સ્યલ બિલ્ડિંગ તરીકે પાસ કરવામાં આવ્યો હતો. આ આખા બિલ્ડિંગમાં કટોકટીના સમયે બહાર નીકળવા માટે કોઈ ઇમર્જન્સી એક્ઝિટ કે પાછળનો રસ્તો જ બનાવવામાં આવ્યો નહોતો. 



ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં ત્રણ માળના એક બિલ્ડિંગમાં સોમવારે બપોરે ભીષણ આગ ફાટી નીકળતાં ૧૫ લોકોનાં મોત નીપજ્યાં હતા. આ બિલ્ડિંગમાં અૅનિમેશનના કોચિંગ ક્લાસ અને ગેમિંગ ઝોન પણ હતા. એને કારણે આગમાં મોટા ભાગે વિદ્યાર્થીઓ ફસાયા હતા. નજરે જોનારા લોકોના કહેવા મુજબ શૉર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી અને બિલ્ડિંગમાંથી નીકળવાનો રસ્તો સાંકડો હોવાથી અફરાતફરી મચી હતી. કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા પહેલા અને બીજા માળેથી કૂદકો માર્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓ બચવા માટે બાથરૂમમાં જઈને પુરાઈ ગયા હતા. આ આગમાં બિલાડીઓ અને કૂતરા પણ સપડાયા હતા. 


નજરે જોનારા લોકોનો આરોપ છે કે આગ લાગ્યાની ફાયરબ્રિગેડને જાણ કર્યાના ૪૦ મિનિટ પછી ફાયર બુઝાવતી ગાડીઓ પહોંચી હતી. એને કારણે આગે ખૂબ જ વિકરાળ સ્વરૂપ લઈ લીધું હતું. આગની જ્વાળાઓ અને ધુમાડાને કારણે અનેક લોકો અંદર ફસાઈ ગયા હતા. ફાયરબ્રિગેડની ગાડીઓએ હાઇડ્રોલિક મશીનથી પાણી છાંટીને આગ બુઝાવી હતી છતાં ધુમાડો ખૂબ જ ફેલાઈ જતાં એ ઓછો થાય પછી જ અંદર રેસ્ક્યુ વર્ક થઈ શકે એમ હતું. ફાયરબ્રિગેડે બિલ્ડિંગની પાછળની દીવાલ તોડીને અંદર પાણી છાંટીને આગ અને ધુમાડો કાબૂમાં લીધાં હતાં. 

આ ભયાનક દુર્ઘટના પછી મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અલીગઢના પ્રવાસને ટૂંકાવીને તરત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફાયર રેસ્ક્યુની કામગીરી તપાસ્યા પછી તેઓ હૉસ્પિટલમાં ઘાયલોને પણ મળ્યા હતા. હૉસ્પિટલમાં કુલ છ લોકોની સારવાર ચાલી રહી છે. 


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના માટે શોક વ્યક્ત કરીને પ્રાઇમ મિનિસ્ટર્સ નૅશનલ રિલીફ ફન્ડમાંથી મરનાર લોકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયા તેમ જ તમામ ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે. મુખ્ય પ્રધાન યોગીએ મરનાર લોકોના આશ્રિતો માટે પાંચ-પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે ૫૦-૫૦ હજાર રૂપિયાના વળતરની જાહેરાત કરવાની સાથે જ વરિષ્ઠ અધિકારીઓને તમામ ઘાયલોની શ્રેષ્ઠ સારવાર સુનિશ્ચિત કરવા માટે કડક આદેશ આપ્યો છે.

રક્ષાપ્રધાન અને લખનઉના સંસદસભ્ય રાજનાથ સિંહ પણ લખનઉમાં ઘટનાસ્થળે ગયા હતા અને આ ઘટનાની તપાસ કરીને તાત્કાલિક રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો હતો. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બે નિષ્ણાતોની સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) બનાવી હતી અને જવાબદાર ઑફિસરો પર કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી. 

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 12:27 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK