Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > મૂળ જામખંભાળિયાના સંજય તન્નાનો યુગાન્ડાના પ્રધાનમંડળમાં સમાવેશ

મૂળ જામખંભાળિયાના સંજય તન્નાનો યુગાન્ડાના પ્રધાનમંડળમાં સમાવેશ

Published : 23 June, 2026 07:41 AM | IST | Mumbai
Rohit Parikh | rohit.parikh@mid-day.com

બન્યા વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન : ભગવદ્ગીતાના શપથ લઈને રચ્યો ઇતિહાસ

યુગાન્ડાના વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી રહેલા ભારતીય મૂળના સંજય તન્ના સાથે તેમનાં મમ્મી સુધા તન્ના (જમણે) અને તેમનાં પત્ની અલ્પા તન્ના, બીજી તસવીરમાં યુગાન્ડાના વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન સંજય તન્ના.

યુગાન્ડાના વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરી રહેલા ભારતીય મૂળના સંજય તન્ના સાથે તેમનાં મમ્મી સુધા તન્ના (જમણે) અને તેમનાં પત્ની અલ્પા તન્ના, બીજી તસવીરમાં યુગાન્ડાના વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન સંજય તન્ના.


હાલાઈ લોહાણા સમાજ અને સમગ્ર ગુજરાતીઓ માટે ગૌરવની ક્ષણ સર્જાઈ છે. ઈસ્ટ-સેન્ટ્રલ આફ્રિકાના યુગાન્ડાના વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન તરીકે ૧૦ જૂને ભારતીય મૂળના ૫૩ વર્ષના સંજય તન્નાએ શપથ ગ્રહણ કરીને માત્ર યુગાન્ડાનું જ નહીં, સમગ્ર વૈશ્વિક ગુજરાતી સમાજનું મસ્તક ગૌરવથી ઊંચું કર્યું છે. સંજય તન્નાએ શપથવિધિ દરમ્યાન ભગવદ્ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા અને શપથ લેવાનું પૂરું થયા બાદ ‘હરે કૃષ્ણ’ મહામંત્રનો ઉચ્ચાર કર્યો હતો. 

ગુજરાતના જામખંભાળિયાથી શરૂ થયેલી એક પરિવારની સફર આજે યુગાન્ડાના પ્રધાનમંડળ સુધી પહોંચી છે. ભારતીય મૂળના હોવા છતાં યુગાન્ડાના રાજકારણ અને વેપાર ક્ષેત્રમાં મહત્ત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કરનાર સંજય તન્નાની આ સિદ્ધિ વિદેશમાં વસતા ગુજરાતીઓ માટે પ્રેરણારૂપ બની છે. વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે તેમના લાંબા અનુભવને ધ્યાનમાં રાખીને તેમને આ મહત્ત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે.



ભગવદ્ગીતા પર હાથ રાખીને શપથ ગ્રહણ કરવા અને ત્યાર બાદ ‘હરે કૃષ્ણ’ મહામંત્રના ઉચ્ચાર સંદર્ભમાં સંજય તન્નાએ ‘મિડ-ડે’ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે ‘હું એક આચરણશીલ હિન્દુ છું અને નિષ્ઠાપૂર્વક તથા સત્યનિષ્ઠાથી શપથ લેવા માટે મેં પવિત્ર ગ્રંથ ભગવદ્ગીતાને પસંદ કર્યો હતો. મારા માટે બાઇબલ કે કુરાન નહીં પરંતુ આપણા પવિત્ર ગ્રંથ પર શપથ લેવા સ્વાભાવિક હતું. બાળપણથી જ મારાં માતા-પિતાએ મને ધાર્મિક સંસ્કારો આપ્યા છે. ભગવાનનું સ્મરણ અને સ્તુતિ કરવાં એ મારા જીવનનો સ્વાભાવિક ભાગ છે.’


સંજય તન્નાના દાદા ગુજરાતના જામનગર જિલ્લાના જામખંભાળિયાના વતની હતા. તેઓ ભારતમાંથી યુગાન્ડામાં સ્થાયી થયા હતા. આ રીતે સંજય તન્ના ગુજરાતી અને ભારતીય મૂળ સાથે જોડાયેલા છે. ભારતીય સંસ્કૃતિ વિશે પોતાના વિચારો વ્યક્ત કરતાં તેમણે કહ્યું હતું કે ‘મારો પરિવાર તમામ હિન્દુ તહેવારો અને ધાર્મિક પરંપરાઓનું પાલન કરે છે. નવરાત્રિ, દિવાળી, શ્રાવણ માસ, અધિક માસ અને ગણપતિ ઉત્સવ જેવા તમામ તહેવારો અમે શ્રદ્ધાપૂર્વક ઊજવીએ છીએ.’

યુગાન્ડાના પ્રધાનમંડળમાં સ્થાન મળવા વિશે સંજય તન્નાએ એનું સમગ્ર શ્રેય યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી કાગુતા મુસેવેનીને આપતાં કહ્યું હતું કે ‘રાષ્ટ્રપતિએ મારા પર વિશ્વાસ મૂકીને મને કૅબિનેટ પ્રધાન તરીકે સેવા કરવાની તક આપી છે.’


સંજય તન્નાની નિમણૂક માત્ર વ્યક્તિગત સિદ્ધિ નથી; સમગ્ર ગુજરાતી, લોહાણા અને ભારતીય સમાજ માટે ગૌરવની બાબત બની છે. ખાસ કરીને યુવા પેઢી માટે તેમની સફર એ સંદેશ આપે છે કે મહેનત, મૂલ્યો અને સમર્પણ દ્વારા વિશ્વના કોઈ પણ દેશમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકાય છે.

આવો, યુગાન્ડામાં રોકાણ કરવા

ભારતીય અને યુગાન્ડાના ગુજરાતી સમાજને સંદેશ આપતાં સંજય તન્નાએ કહ્યું હતું કે ‘યુગાન્ડા વ્યવસાય માટે સંપૂર્ણપણે તૈયાર છે. અહીં શાંતિપૂર્ણ વાતાવરણ, કુદરતી સંસાધનો, વિશાળ પ્રાદેશિક બજારો અને કૃષિ-પ્રક્રિયા, ખનન, માહિતી ટેક્નૉલૉજી, ખેતી સહિત અનેક ક્ષેત્રોમાં રોકાણની અસંખ્ય તકો ઉપલબ્ધ છે. ગુજરાતી યુવા પેઢી યુગાન્ડામાં રોકાણ કરવા અને ઉદ્યોગ સ્થાપવા આગળ આવે. અહીં સારી તકો છે જે યુવાનોને આગળ વધવા માટે સહાયરૂપ થશે.’ ભારત-યુગાન્ડા વેપાર સંબંધો વિશે સંજય તન્નાએ આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું હતું કે ‘હાલમાં ભારત યુગાન્ડાનો ચોથો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. બન્ને દેશો પરસ્પર સહકાર વધારે તો વેપારનું પ્રમાણ અને આર્થિક ભાગીદારી વધુ મજબૂત બની શકે છે.’

દુકાનના કાઉન્ટરથી કૅબિનેટ પ્રધાન સુધીની પ્રેરણાદાયી સફર

યુગાન્ડાના વેપાર અને રાજકારણના ક્ષેત્રમાં સંજય તન્નાનું નામ આજે એક પ્રભાવશાળી વ્યક્તિત્વ તરીકે ઓળખાય છે. સફળ ઉદ્યોગપતિ, બે વખતના સંસદસભ્ય અને હવે દેશના વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન તરીકે તેઓ માત્ર પોતાની વ્યક્તિગત સફળતાની ગાથા નથી લખી રહ્યા, યુગાન્ડાના એશિયન સમુદાયના પુનરુત્થાનનું પણ પ્રતીક બની રહ્યા છે. દુકાનના કાઉન્ટરથી શરૂઆત કરનાર એક યુવાન આજે યુગાન્ડાની આર્થિક નીતિઓ ઘડતી કૅબિનેટ સુધી પહોંચ્યો છે. સંજય તન્નાની આ સફર સાબિત કરે છે કે મહેનત, દૃષ્ટિ અને જાહેર સેવાની ભાવના હોય તો વેપાર અને રાજકારણ બન્ને ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકાય છે.

સંજય તન્નાનો જન્મ ૧૯૭૩ની ૨૭ એપ્રિલે એક એવા પરિવારમાં થયો હતો જ્યાં વેપાર માત્ર વ્યવસાય નહોતો પરંતુ જીવનશૈલી હતી. તેમના પિતા સ્વર્ગસ્થ ગોકલદાસ તન્ના જાણીતા વેપારી હતા. બાળપણથી જ સંજયે વ્યવસાયના પાઠ પરિવારના વાતાવરણમાં શીખ્યા હતા. યુગાન્ડામાં જ તેમના દાદા લક્ષ્મીદાસ તન્નાએ ઓગણીસમી સદીમાં નાના રીટેલ સ્ટોરથી શરૂઆત કરી હતી. આ સદર્ભમાં સંજય તન્ના કહે છે, ‘ત્યાર પછી ધીરે-ધીરે મારા પિતા ગોકલદાસ તન્નાએ પેટ્રોલિયમ, ઇમ્પોર્ટ-એક્સપોર્ટ અને ડિસ્ટ્રિબ્યુશન વ્યવસાયની શરૂઆત કરી હતી. સૌથી પહેલાં મારો ભાઈ જય તન્ના યુગાન્ડાનો સંસદસભ્ય બન્યો હતો. તેને રોડ-ઍક્સિડન્ટ થયા પછી તેનો પુત્ર શ્યામ તન્ના રાજકારણમાં પ્રવેશ્યો હતો.’

સંજય તન્નાના ભાઈ પછી તેમના પિતા ગોકલદાસનો પણ ૨૦૦૩ની સાલમાં રોડ-ઍક્સિડન્ટ થયા પછી તેમણે તેમના પિતાનાં સપનાં પૂરાં કરવા તેમના જ ધંધામાં ઝુકાવી દીધું હતું.

ભારતીય મૂળ ધરાવતો તન્ના પરિવાર યુગાન્ડાની ધરતી સાથે પેઢીઓથી જોડાયેલો રહ્યો છે.  ઈદી અમીનના ૧૯૭૨ના શાસન દરમ્યાન હજારો એશિયનોએ દેશ છોડવો પડ્યો હતો, પરંતુ ત્યાર બાદ જ્યારે યુગાન્ડાએ ફરી આર્થિક પુનર્નિર્માણનો માર્ગ પકડ્યો ત્યારે એશિયન વેપારી સમુદાયે મહત્ત્વની ભૂમિકા ભજવી. સંજય તન્નાનો ઉદય એ જ પરિવર્તનની જીવંત કહાની છે. વ્યવસાયમાં તેમણે ઉત્પાદન, વિતરણ, અને લૉજિસ્ટિક્સ વેપાર સહિત અનેક ક્ષેત્રોમાં સફળતા મેળવી. જોકે તેમની ઓળખ માત્ર એક ઉદ્યોગપતિ પૂરતી મર્યાદિત રહી નથી. તેઓ હંમેશાં સમાજ પ્રત્યેની જવાબદારીને પણ એટલું જ મહત્ત્વ આપતા રહ્યા છે. તેમનો એક જીવનમં‍ત્ર રહ્યો છે : આપણી પાસે જે છે વહેંચવા માટે છે, જ્યારે આપણે મરીએ છીએ ત્યારે બધું પાછળ છોડી જવાના હોઈએ છીએ. આ વિચારધારા જ કદાચ તેમની જાહેર જીવનની સફરનો આધાર બની.

સંજય તન્નાએ સત્તાધારી નૅશનલ રેઝિસ્ટન્સ મૂવમેન્ટ (NRM)ની ટિકિટ પર ૨૦૦૬માં ટોરોરો મ્યુનિસિપાલિટીમાંથી સંસદની ચૂંટણી જીતી હતી. ત્યાર બાદ તેમણે સતત બે કાર્યકાળ સુધી લોકપ્રતિનિધિ તરીકે સેવા આપી. સંસદમાં તેમનો અવાજ ખાસ કરીને વેપાર, રોકાણ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ અને વેપારીઓનાં હિતો માટે ઓળખાતો હતો. તેઓ એવા નેતા તરીકે ઊભરી આવ્યા જેમણે સરકાર અને ખાનગી ક્ષેત્ર વચ્ચેનું અંતર ઘટાડવાનો પ્રયાસ કર્યો. આ કારણે તેમને રાજકીય વર્તુળો અને વેપારી સમુદાય બન્નેમાં વિશેષ માન મળ્યું.

સમય જતાં તેઓ રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના વિશ્વાસુ સહયોગીઓમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા. પૂર્વીય યુગાન્ડામાં NRMના મહત્ત્વપૂર્ણ સંગઠક અને સમર્થક તરીકે તેમની ઓળખ વધુ મજબૂત બની. તેમની કારકિર્દીએ આ મહિને એક નવો વળાંક લીધો જ્યારે રાષ્ટ્રપતિ મુસેવેનીએ તેમને વેપાર, ઉદ્યોગ અને સહકારી પ્રધાન તરીકે કૅબિનેટમાં સ્થાન આપ્યું. વેપાર અને ઉદ્યોગની ઊંડી સમજ ધરાવતી વ્યક્તિ તરીકે તેમની નિમણૂકને વ્યાપક આવકાર મળ્યો હતો. તેમના ઉત્પાદન, નિકાસ, કરવ્યવસ્થા અને પ્રાદેશિક વેપારના ક્ષેત્રનો અનુભવ યુગાન્ડાની અર્થવ્યવસ્થાને નવી દિશા આપી શકે છે એવું ત્યાંના વેપારીઓ અને ઉદ્યોગપતિઓનું માનવું છે.

સંજય તન્નાની કૅબિનેટ સુધીની સફર માત્ર એક વ્યક્તિની સિદ્ધિ નથી એમ જણાવતાં ત્યાંના ગુજરાતી વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે યુગાન્ડાના એશિયન સમુદાયની દાયકાઓ લાંબી મહેનત, વિશ્વાસ અને દેશના વિકાસમાં આપેલા યોગદાનને કારણે આધુનિક યુગાન્ડાના આર્થિક પરિવર્તનની ગાથામાં સંજય તન્નાનું નામ હવે એક મહત્ત્વપૂર્ણ અધ્યાય તરીકે નોંધાઈ ચૂક્યું છે.

Whatsapp-channel Whatsapp-channel

23 June, 2026 07:41 AM IST | Mumbai | Rohit Parikh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK