સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીની ઘાતકી હત્યાનો જબરદસ્ત વિરોધ: લોકોમાં ભારોભાર આક્રોશ : મણિનગર વિસ્તારની સ્કૂલોએ સ્વયંભૂ બંધ પાળ્યો
સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં રૅલી યોજાઈ હતી. તસવીર : જનક પટેલ
સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થીની ઘાતકી હત્યાનો જબરદસ્ત વિરોધ: લોકોમાં ભારોભાર આક્રોશ : મણિનગર વિસ્તારની સ્કૂલોએ સ્વયંભૂ બંધ પાળ્યો : બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ : સ્કૂલની બહાર NSUIના કાર્યકરોએ દેખાવો કરતાં હંગામો મચ્યો, પોલીસ સાથે થયું ઘર્ષણ : સ્કૂલના સત્તાવાળાઓએ ૫૦૦ લોકોના ટોળા સામે તોડફોડની નોંધાવી ફરિયાદ
અમદાવાદમાં આવેલી સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યાની ઘટનાથી લોકોમાં ભારોભાર આક્રોશ ફેલાયો છે અને આ હત્યાના વિરોધમાં ગઈ કાલે સિંધી સમાજ સહિતના લોકોએ ‘જસ્ટિસ ફૉર નયન’ અને ‘વી વૉન્ટ જસ્ટિસ’નાં પ્લૅકાર્ડ્સ અને નારા સાથે રૅલી યોજી હતી. આ ઉપરાંત સ્કૂલની બહાર નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI)ના કાર્યકરોએ દેખાવો કરતાં હંગામો મચ્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. બીજી તરફ સ્કૂલમાં તોડફોડના મુદ્દે સ્કૂલના સત્તાવાળાઓએ ૫૦૦ લોકોના ટોળા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ADVERTISEMENT

નયન સંતાણી
વિદ્યાર્થીની હત્યાના વિરોધમાં જુદાં-જુદાં સંગઠનો દ્વારા ગઈ કાલે સ્કૂલ વિસ્તારમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. જોકે મણિનગર વિસ્તારની મોટા ભાગની સ્કૂલોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો અને આ ઘટનાને વખોડીને શિક્ષણજગત માટે કલંકરૂપ ગણાવી હતી. સવારથી જ સ્કૂલ પાસે પોલીસ-બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો ત્યારે NSUIના કાર્યકરોએ સ્કૂલ સામે એકઠા થઈને વિરોધ-પ્રદર્શન કરતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. કાર્યકરોની અટકાયત સમયે દોડાદોડી થઈ ગઈ હતી. સ્કૂલના વિદ્યાર્થીની હત્યા થતાં સિંધી સમાજ સહિતના લોકોએ મણિનગર વિસ્તારમાં રૅલી યોજી હતી. આ રૅલીમાં ‘જસ્ટિસ ફૉર નયન’ અને ‘વી વૉન્ટ જસ્ટિસ’નાં પ્લૅકાર્ડ્સ સાથે લોકો જોડાયા હતા. લોકોએ ‘વી વૉન્ટ જસ્ટિસ’, ‘સેવન્થ-ડે સ્કૂલ બંધ કરો’ સહિતના નારા લગાવ્યા હતા અને હત્યારાને ફાંસીની સજા આપો એવી માગણી કરી હતી.

સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ પાસે પોલીસ-બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો.
અરે, માર દેતા, માર નહીં ડાલના થા છોડ અબ, જો હો ગયા વો હો ગયા...
મિત્ર સાથેની ચૅટમાં આરોપી કિશોરે નિર્દયતાથી કબૂલ્યું કે ચાકુ તેણે જ ચલાવ્યું હતું
અમદાવાદમાં ચકચાર મચાવનારા સેવન્થ-ડે ઍડ્વેન્ટિસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યાના બનાવમાં ગઈ કાલે આરોપી વિદ્યાર્થીએ તેના મિત્ર સાથે કરેલી ચૅટ બહાર આવી હતી. આ ચૅટિંગમાં તે મિત્ર સામે સ્પષ્ટપણે કબૂલે છે કે દસમા ધોરણના વિદ્યાર્થીની ચાકુ મારીને હત્યા તેણે કરી હતી. એટલું જ નહીં, ચૅટિંગમાં તે નિર્દયતાપૂર્વક એવું પણ કહે છે કે હા, ચાકુ મેં માર્યું હતું, તો હવે જે થઈ ગયું એ થઈ ગયું.
રિપોર્ટ્સ પ્રમાણે આ ઘટનાનાં બી એક મહિના પહેલાં રોપાયાં હતાં. સ્કૂલમાં વિદ્યાર્થીઓનાં બે ગ્રુપ બની ગયાં હતાં અને આ બન્ને ગ્રુપ વચ્ચે એકથી વધારે વાર વિવાદ થયો હતો. જોકે સ્કૂલના સંચાલકો અને શિક્ષકોએ આ મુદ્દે બન્ને ગ્રુપના વિદ્યાર્થીઓને એકબીજા સામે સૉરી કહેવડાવીને સમાધાન કરાવ્યું હતું. એમ છતાં આ વિવાદ શમ્યો નહોતો અને બન્ને ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા થયા હતા.
મર્ડર પછી ચૅટિંગમાં શું વાત થઈ આરોપી અને તેના મિત્ર વચ્ચે?
મિત્ર : ઓય.
આરોપી : હા.
મિત્ર : ભાઈ, તૂને કુછ કિયા આજ.
આરોપી : તેરે કો કિસને બોલા.
મિત્ર : વો મર ગયા શાયદ સે... મેરે કો તેરા નામ પહલે આયા દિમાગ મેં.
આરોપી : કોન થા વૈસે...
મિત્ર : અબે ચાકુ તૂને મારા થા વો પૂછ રહા હૂં.
આરોપી : હા તો...
મિત્ર : હુઆ ક્યા થા?
આરોપી : અરે મેરે કો બોલ રહા થા કી તૂ કૌન હૈ, ક્યા કર લેગા,
મિત્ર : અરે, તો ચાકુ થોડી મારના હોતા હૈ? માર દેતા, માર નહીં ડાલના થા.
આરોપી : છોડ ના, અબ જો હો ગયા વો હો ગયા.
બાળઅધિકાર આયોગે સ્કૂલ પાસે રિપોર્ટ માગ્યો
ગુજરાત રાજ્ય બાળઅધિકાર સંરક્ષણ આયોગે ગઈ કાલે અમદાવાદની સેવન્થ-ડે સ્કૂલ પાસે વિદ્યાર્થીની હત્યાની ઘટના બાબતે ખુલાસો માગ્યો હતો. આયોગના ચૅરમૅને કહ્યું હતું કે ‘આવી ઘટના બને તો સ્વાભાવિક છે કે લોકોમાં આક્રોશ ફાટી નીકળે. અમે પણ સ્કૂલ પાસે આ ઘટના બાબતે રિપોર્ટ માગ્યો છે. એ રિપોર્ટના આધારે અમે આગળનાં પગલાં ભરીશું.’


