૨૬ એપ્રિલે મિશન સ્કૂલના પ્રાગણમાં રહેતા પ્રિયદર્શન સ્વામીએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો
પ્રતીકાત્મક તસવીર
સુરતમાં આવેલા સ્વામીનારાયણ મિશન મંદિરમાં પ્રિયદર્શન સ્વામીએ રહસ્યમય સંજોગોમાં ૨૦ દિવસ પહેલાં ઊંઘની ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ હતી. જોકે હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન ૧૫ મેએ તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે સુરત પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ સ્વામીના મોતનો મામલો ગરમાયો છે અને સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ આપઘાતને શંકાસ્પદ ગણાવીને પોલીસ સમક્ષ યોગ્ય તપાસની માગણી કરી છે.
સુરતના અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ (ACP) વિપુલ પટેલે મીડિયાને કહ્યું હતું કે ‘૨૬ એપ્રિલે મિશન સ્કૂલના પ્રાગણમાં રહેતા પ્રિયદર્શન સ્વામીએ કોઈ અજાણ્યો પદાર્થ ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. એ અનુસંધાનમાં લસકાણા પોલીસ-સ્ટેશનમાં જાણવાજોગ બનાવ દાખલ કરવામાં આવ્યો હતો. તેમની સારવાર અલગ-અલગ હૉસ્પિટલમાં ચાલુ હતી. દરમ્યાન ૧૫ મેએ અડાજણમાં આવેલી બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ની હૉસ્પિટલમાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. એ અનુસંધાને લસકાણા પોલીસ-સ્ટેશનમાં અકસ્માત મોતનો બનાવ નોંધ્યો છે અને આ બનાવની તપાસ ચાલી રહી છે.’
ADVERTISEMENT
શ્રી સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ આપઘાતને શંકાસ્પદ ગણાવીને ઘટનાસ્થળની તપાસ તેમ જ સાધુના મોબાઇલ ફોનની ડીટેલ, મેસેજ, ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાના ફુટેજની તપાસ કરવાની માગણી કરી છે. આ સંદર્ભમાં વિપુલ પટેલે કહ્યું હતું કે ‘સ્વામીનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિએ લસકાણા પોલીસ-સ્ટેશનમાં અરજી આપી છે જેમાં આ બનાવની તપાસ તટસ્થ અને ન્યાયિક રીતે થાય એવી રજૂઆત કરી છે. આ ઉપરાંત સ્વામીને કોઈ ધાકધમકી આપતું હોય કે બ્લૅકમેઇલિંગ કરતું હોય એવાં કારણોસર આત્મહત્યા કરી હોય તો તેઓ સામે પણ કાર્યવાહી થાય એ બાબતે અરજી આપી છે. આ બનાવની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.’
