દંડ વસૂલ કરવાનું શરૂ થયું એટલે નાલાસોપારાના લોકોમાં નારાજગી
જે ટૂ-વ્હીલરવાળાઓએ હેલ્મેટ નહોતી પહેરી તેમને રોકી-રોકીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો હતો
છેલ્લા ૮ દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને ખાસ કરીને વસઈ, નાલાસોપારા અને વિરારના રહેવાસીઓએ ભારે હેરાનગતિ ભોગવવી પડી હતી. ઘરમાં પાણી ભરાયાં હતાં, લાઇટ નહોતી, દૂધ નહોતું અને વાહનો પણ પાણીમાં ડૂબી જતાં બંધ પડી ગયાં હતાં. બે દિવસથી વરસાદ અટકી ગયો હોવાથી જનજીવન માંડ થાળે પડી રહ્યું છે ત્યારે ગઈ કાલે તુળીંજ ટ્રાફિક-પોલીસ એના અસલ અવતારમાં રોડ પર ઊતરી આવી હતી. જે ટૂ-વ્હીલરવાળાઓએ હેલ્મેટ નહોતી પહેરી તેમને રોકી-રોકીને દંડ વસૂલ કરવામાં આવી રહ્યો હતો. મોટા ભાગના લોકોનું કહેવું હતું કે તેઓ તેમનું ટૂ-વ્હીલર નજીકના ગૅરેજમાં બતાવવા જઈ રહ્યા છે. એમ છતાં પોલીસે તો દંડનો દંડૂકો ઉગામ્યો જ હતો. લોકોનું કહેવું હતું કે નિયમ પ્રમાણે હેલ્મેટ પહેરવી જોઈએ એ બરોબર, પણ અમારી પણ પરિસ્થિતિ સમજો; ફક્ત નિયમ આગળ કરીને દંડ વસૂલ કરવો એ કંઈ માણસાઈ ન કહેવાય.
