પોલીસે બહાર પાડ્યું જાહેરનામું: દાંડિયારાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડાં ન પહેરવાં અને ખેલૈયાઓએ અશિષ્ટ અભદ્ર વેશભૂષા ધારણ કરવી નહીં એવી સૂચના અપાઈ
પ્રતીકાત્મક તસવીર
આદ્યશક્તિ જગદ જનનીનાં નવલાં નોરતાં ઢૂંકડાં છે ત્યારે આ વર્ષે પણ અમદાવાદમાં રાતે ૧૨ વાગ્યા સુધી જ ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે. અમદાવાદના પોલીસ-કમિશનર જી. એસ. મલિકે ગઈ કાલે જાહેરનામું બહાર પાડ્યું હતું જેમાં જણાવાયું છે કે નવરાત્રિના ૯ દિવસ અને દશેરાના દિવસે રાતે ૧૨ વાગ્યા સુધી જ રાસગરબા, દાંડિયા કે નવરાત્રિની ઉજવણી વિશેના કોઈ પણ કાર્યક્રમમાં માઇક સિસ્ટમ, લાઉડ સ્પીકર, પબ્લિક ઍડ્રેસ સિસ્ટમનો ઉપયોગ કરી શકાશે. ૧૨ વાગ્યા બાદ ચાલુ રાખી શકાશે નહીં. એટલું જ નહીં, દાંડિયારાસમાં સાંસ્કૃતિક કાર્યક્રમ વખતે પારદર્શક કપડાં નહીં પહેરવાં તેમ જ ખેલૈયાઓએ અશિષ્ટ અભદ્ર વેશભૂષા ધારણ કરવી નહીં એવી સૂચના પણ અપાઈ છે.
નવરાત્રિના કાર્યક્રમને લઈને નવરાત્રિ મહોત્સવના આયોજકો અને વ્યવસ્થાપકોને સૂચના આપી છે કે આયોજકો દાંડિયારાસના આયોજન દરમ્યાન જાહેર સુરુચિનો ભંગ થાય કે ધાર્મિક લાગણી દુભાય એવી ચેષ્ટાવાળાં ગીતો વગાડી કે ગવડાવી શકશે નહીં.
ADVERTISEMENT
ગરબાના સ્થળે વૉચ-ટાવર પરથી ૨૪ કલાક નજર રાખવી, એમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખવી- આયોજકોને આપવામાં આવી અનેક સૂચનાઓ
ગરબાના સ્થળે ચારેય દિશામાં ચાર વૉચ-ટાવર ઊભા કરવા અને વૉચ ટાવર પરથી વિડિયો શૂટિંગ દરરોજ કરવાનું રહેશે. દિવસ દરમ્યાન પણ ગરબાના સ્થળે જરૂરી સુરક્ષા-વ્યવસ્થા ૨૪ કલાક કોઈ પણ એક વૉચ-ટાવર પર ચાલુ રાખવી.સરકારની ગાઇડલાઇન મુજબ ગરબાના સ્થળે ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવાની રહેશે તથા એને આવવા-જવા માટે ઇમર્જન્સી ગેટની વ્યવસ્થા કરવાની રહેશે. આયોજનના સ્થળે એકત્રિત થનાર જનસમૂહ મુજબ જરૂરી પ્રાથમિક સારવાર, મેડિકલ સુવિધા ત્વરિત ઉપલબ્ધ બને એ રીતે વ્યવસ્થા ગોઠવવી. દાંડિયારાસની અવધિ દરમ્યાન પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. દરેક વાહનના નંબર, વાહનનો પ્રકાર રજિસ્ટરમાં લખવાની વ્યવસ્થા કરવાની રહેશે.
ગરબાના કાર્યક્રમ માટે ઊભા કરવામાં આવતા મોટા સ્ટેજની મજબૂતાઈ વિશે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD)ના અધિકારીનું પ્રમાણપત્ર મેળવવું તેમ જ સ્ટેજ નીચે અવારનવાર ચેકિંગ રાખવાનું રહેશે. ગરબાના સ્થળે ઇલેક્ટ્રિક સિસ્ટમ માટે મેઇન્ટેનન્સ સ્ટાફ હાજર રાખવો અને અગ્નિશામક સાધનો રાખવાં જરૂરી. એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સંખ્યા વધુમાં વધુ રાખવાની રહેશે. મહિલા અને પુરુષોનાં પ્રવેશદ્વાર અલગ રાખવાનાં રહેશે. પ્રવેશદ્વાર તેમ જ ગરબા રમાતા હોય ત્યાં ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા મૂકવા. ડોર ફ્રેમ મેટલ ડિટેક્ટર, હૅન્ડ મેટલ ડિટેક્ટર તથા સિક્યૉરિટી સ્ટાફ, બ્રેથ-ઍનૅલાઇઝર રાખવાનાં રહેશે.