સોમનાથ મંદિરના સાંનિધ્યમાં ઋષિકુમારો સાથે આ સામૂહિક ઉચ્ચારણમાં સહભાગી થયા નરેન્દ્ર મોદી તથા મંદિર પરિસરમાં યોજાયેલા પ્રાચીન આસ્થા અને આધુનિક ટેક્નૉલૉજીના સમન્વય સમા અદ્ભુત ડ્રોન-શોના સાક્ષી બન્યા
સોમનાથમાં ગઈ કાલે રાત્રે અદ્ભુત ડ્રોન-શો અને આતશબાજી થયાં હતાં. ગઈ કાલે સોમનાથમાં ઋષિકુમારો સાથે ઓમકારનાદ કરતા નરેન્દ્ર મોદી.
સોમનાથમાં નરેન્દ્ર મોદીએ આધ્યાત્મિકતાની અલખ જગાવીને કર્યો ઓમકારનાદ- નરેન્દ્ર મોદી માદરે વતનમાં : સોમનાથમાં યોજ્યો રોડ-શો : લોકોએ ઉમળકાભેર કર્યું સ્વાગત : ૩૦૦૦ ડ્રોનથી સોમનાથની ગાથાના અલૌકિક, અદ્ભુત ડ્રોન-શોથી રચાયો આધ્યાત્મિકતાનો માહોલ: નરેન્દ્ર મોદી સહિત સૌ ધાર્મિકજનો ડ્રોન-શો નિહાળી થયા અભિભૂત

ADVERTISEMENT
સૌરાષ્ટ્રમાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સોમનાથમાં ગઈ કાલે નરેન્દ્ર મોદી સોમનાથમાં ચાલી રહેલા સ્વાભિમાન પર્વમાં સહભાગી બન્યા હતા. ગઈ કાલથી ૩ દિવસ માટે ગુજરાત આવેલા નરેન્દ્ર મોદી સોમનાથમાં આજે શૌર્યયાત્રામાં ભાગ લેશે અને એ ઉપરાંત તેઓ સભાને સંબોધશે.
નરેન્દ્ર મોદી ગઈ કાલે સાંજે સોમનાથ આવી પહોંચ્યા હતા. સોમનાથમાં આવતાં રોડ-શો યોજાયો હતો. તેમને આવકારવા માટે ઠેર-ઠેર સોમનાથવાસીઓ તેમ જ સોમનાથ મંદિરમાં દર્શન કરવા આવેલા યાત્રાળુઓ રોડ સાઇડે ઊભા રહી ગયા હતા. સૌ કોઈએ હાથ હલાવીને નરેન્દ્ર મોદીને આવકાર્યા હતા અને નરેન્દ્ર મોદીએ પણ તેમનું અભિવાદન ઝીલ્યું હતું. નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિરમાં જઈને સોમનાથ ભગવાનને જળાભિષેક કર્યો હતો અને શ્રદ્ધાપૂર્વક નમન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. મંદિરમાં દેવાધિદેવનાં દર્શન કરીને નરેન્દ્ર મોદી મંદિર-પરિસરમાં આવ્યા હતા અને સમુદ્ર તરફ બેસીને ઓમકાર મંત્રજાપ કર્યા હતા. ઋષિકુમારો સાથે તેમણે ઓમકારનો નાદ કરતાં મંદિર-પરિસરમાં અલગ માહોલ રચાયો હતો.
ઓમકારનાદ બાદ સોમનાથ મંદિર પર અવિસ્મરણીય ડ્રોન-શો
યોજાયો હતો. ૩૦૦૦ ડ્રોનથી બ્રહ્માંડની રચના, નભો મંડળ, ત્રિશૂળ, ડમરુ, શિવલિંગ, શંકર ભગવાન, અહિલ્યાબાઈ હોળકર, સરદાર વલ્લભભાઈ પટેલ, નરેન્દ્ર મોદીની આકૃતિ રચાઈ હતી. સોમનાથના પુનઃનિર્માણનાં એક પછી એક દૃશ્યો ડ્રોન વડે આકાશમાં રચાયાં હતાં. સોમનાથની ગાથાને વર્ણવતા આ ડ્રોન-શોએ ઉપસ્થિત સૌ કોઈમાં એક અમીટ છાપ છોડી હતી.
ડ્રોન-શો પૂરો થયા બાદ નરેન્દ્ર મોદીએ હાથમાં મોટું ત્રિશૂળ અને ડમરુ લઈને ઊભા રહેતા લોકો સાથે હર હર મહાદેવના નાદનો ગુંજારવ કર્યો હતો. ડ્રોન-શો બાદ આતશબાજી થઈ હતી.
આજથી રાજકોટમાં બે દિવસની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ, નરેન્દ્ર મોદી કરશે ઉદ્ઘાટન
ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર ક્ષેત્ર માટે આજથી બે દિવસની વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કૉન્ફરન્સ ૨૦૨૬નું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું છે. આજે આ કૉન્ફરન્સનું ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદી કરશે.


