વિશ્વાસકુમારને છાતી, આંખો અને પગમાં ઈજા થઈ છે અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.
અમિત શાહ મળવા પહોંચ્યા રમેશ વિશ્વકુમારને.
ઍર ઇન્ડિયાના ભયંકર અકસ્માત બાદ આ ફ્લાઇટમાં ઇમર્જન્સી એક્ઝિટની પાછળ 11A સીટ પર બેસેલા પ્રવાસી ૩૮ વર્ષના રમેશ વિશ્વાસકુમાર બુચરવડાનો ચમત્કારિક બચાવ થયો હતો. વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ તે એ એક્ઝિટમાંથી કૂદીને વિમાનમાંથી બહાર નીકળી ગયો હતો. ૩૮ વર્ષનો રમેશ વિશ્વાસકુમાર બ્રિટિશ નાગરિક છે.
દુર્ઘટના પછી લેવામાં આવેલા એક વિડિયોમાં ઘાયલ રમેશ ઍમ્બ્યુલન્સ તરફ ચાલતો દેખાય છે, જ્યારે આસપાસના લોકો તેને ઘેરી લે છે અને વિમાનમાં સવાર અન્ય લોકોના ભાવિ વિશે પ્રશ્નો પૂછે છે. એના જવાબમાં રમેશ ગુજરાતીમાં કહે છે કે વિમાનમાં વિસ્ફોટ થયો હતો. તેની આસપાસના લોકો જ્યારે તેને અન્ય મુસાફરોની સ્થિતિ વિશે પૂછે છે ત્યારે તે જવાબ આપે છે કે બધા અંદર છે.
ADVERTISEMENT
અકસ્માતમાં બચી ગયેલા રમેશ વિશ્વાસકુમારે કહ્યું હતું કે ‘ટેક-ઑફ કર્યા પછી તરત વિમાન એક જોરદાર અવાજ સાથે તૂટી પડ્યું હતું. હું જ્યારે ભાનમાં આવ્યો ત્યારે મારી આસપાસ મૃતદેહ હતા. વિમાનના ટુકડા ચારે બાજુ વિખેરાયેલા પડ્યા હતા. જ્યારે મારી આંખ ખૂલી ત્યારે ચારે તરફ લાશો જ લાશો જોવા મળી હતી. હું ડરી ગયો... ઊભો થયો અન દોડવા માંડ્યો... બધું એટલી ઝડપથી થયું કે મને કંઈ સમજવાનો મોકો જ ન મળ્યો. મારો ભાઈ પણ મારી સાથે વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. કૃપા કરીને તેને શોધવામાં મને મદદ કરો.’ વિશ્વાસકુમારને છાતી, આંખો અને પગમાં ઈજા થઈ છે અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.
સીટની પોઝિશને બચાવ્યો
ઍર ઇન્ડિયાના બોઇંગ 787-8 ડ્રીમલાઇનર્સમાં સીટ 11A ઇકૉનૉમી ક્લાસ કૅબિનની પહેલી હરોળમાં આવેલી છે. વિન્ડો-સીટ વિમાનની જમણી બાજુએ આવેલી છે અને વિમાનની પાંખોથી બે હરોળ આગળ છે. સીટ 11A દરવાજાની પાછળ આવેલી છે જે કટોકટીની પરિસ્થિતિઓમાં બહાર નીકળવાનું કામ કરે છે.

