Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ગુજરાત BJPમાં રાજકીય હીટવેવ

ગુજરાત BJPમાં રાજકીય હીટવેવ

24 March, 2024 10:40 AM IST | Ahmedabad
Shailesh Nayak | shailesh.nayak@mid-day.com

ગુજરાતમાં સંભવત : પહેલી વાર એવી ઘટના બની જેમાં BJPએ જાહેર કરેલા લોકસભાના બબ્બે ઉમેદવારો ચૂંટણીમાંથી એક જ દિવસે ખસી ગયા : વડોદરાનાં રંજન ભટ્ટને બદનામી નડી, સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને અટક નડી

રંજન ભટ્ટ, ભીખાજી ઠાકોર

રંજન ભટ્ટ, ભીખાજી ઠાકોર


ગુજરાતમાં ધીરે-ધીરે ઉનાળો આકરો થઈ રહ્યો છે અને હીટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે એવા સમયે લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ ગુજરાત BJPમાં રાજકીય હીટવેવનો અનુભવ ગઈ કાલે થયો હતો. BJPએ ગુજરાતના ડિક્લેર કરેલા લોકસભાના બબ્બે ઉમેદવારો ચૂંટણીમાંથી એક જ દિવસે ખસી ગયા હોવાની ઘટના ગુજરાતમાં સંભવતઃ પહેલી વાર બની છે. વડોદરાના લોકસભા બેઠકનાં BJPનાં ઉમેદવાર રંજન ભટ્ટ તેમ જ સાબરકાંઠા લોકસભા બેઠકના BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોરે ગઈ કાલે સવારે સોશ્યલ મીડિયામાં અંગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતી પોસ્ટ વાઇરલ કરીને ચૂંટણી-મેદાન છોડ્યું હતું. વડોદરાનાં રંજન ભટ્ટને બદનામી નડી હોવાનું અને સાબરકાંઠાના ભીખાજી ઠાકોરને અટક નડી હોવાનું કારણ સામે આવી રહ્યું છે. 

બદનામી થઈ રહી છે એના કરતાં બહેતર છે કે મારે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ : રંજન ભટ્ટ



વડોદરાનાં સંસદસભ્ય તરીકે બે ટર્મ કાર્યરત રહ્યા બાદ આ બેઠક પરથી જેમને ત્રીજી વખત BJPએ ઉમેદવાર બનાવ્યાં તે રંજન ભટ્ટે પોતે ચૂંટણી લડવામાંથી કેમ ખસી ગયાં એ વિશે મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે ‘છેલ્લા ૧૦–૧૨ દિવસથી વડોદરામાં જે રીતની બદનામી થઈ રહી છે એના કરતાં બહેતર છે કે મારે ઉમેદવારી પાછી ખેંચી લેવી જોઈએ અને મેં મારી ઉમેદવારી પાછી ખેંચી છે. મને વડા પ્રધાને વડોદરાની સેવા કરવાની તક આપી છે અને મેં સમર્પિતતાથી ૧૦ વર્ષ વડોદરાની સેવા કરી છે. વાંકું કંઈ પડ્યું નથી, પણ જે કંઈ ચાલી રહ્યું હતું એ વડોદરાના લોકોને ખબર છે. સદંતર જૂઠ ચલાવવામાં આવી રહ્યું છે, બધાને ખબર છે. એમાં મને એમ થયું કે જ્યાં સુધી હું ચૂંટણી લડું ત્યાં સુધી આ જ આવ્યા કરે એના કરતાં બહેતર છે નથી લડવું. મારી પાર્ટીએ મને કહ્યું નથી કે તમે ન લડો. મેં મનથી વિચાર્યું કે મારે નથી લડવું.’


બીજું શું કહ્યું? શું આક્ષેપ કર્યા રંજન ભટ્ટે?


‘જે રીતે આક્ષેપો થયા... ઑસ્ટ્રેલિયામાં દીકરાનો મૉલ... પણ નાની શૉપ સુધ્ધાં નથી. તો આવા ખોટા આક્ષેપ કરે અને ખોટું-ખોટું ચલાવવું એના કરતાં બહેતર છે કે હું ટિકિટ સમર્પિત કરી દઉં, મારી પોતાની એક ઇજ્જત છે.’

‘વડોદરા એવી સીટ છે કે કોઈ પણ કાર્યકર્તાને અહીંથી ઉમેદવારી કરાવો તો વડોદરાના કાર્યકર્તા અને લોકો મોદીસાહેબને પ્રેમ કરવાવાળા હોવાથી તે હાઇએસ્ટ લીડથી આ સીટ જીતશે.’
‘વિરોધ કરવાવાળી વ્યક્તિ એવા લેવલની વ્યક્તિ નહોતી કે જેમનું વેઇટેજ હોય. પોતાની જાતને સામાજિક ગણાવવી અને તેમનું ઍનૅલિસિસ કરો તો વડોદરા માટે તેમનું યોગદાન શું? ’ 

આ નિર્ણય મારો પોતાનો છે, મને પાર્ટી તરફથી કશી જાણ કરવામાં નથી આવી : ભીખાજી ઠાકોર 

ચૂંટણી લડવામાંથી ખસી જનારા સાબરકાંઠા લોકસભા બેઠકના BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મીડિયાને કહ્યું હતું કે ‘અંગત કારણોસર ચૂંટણી લડવી નથી. સામાજિક ઘણાંબધાં કામ છે એટલે અત્યારે અનિચ્છા દર્શાવી છે. આગળ જોયું જશે. BJPનો કાર્યકર્તા છું અને BJP સાથે રહીશ.’

ઓચિંતું આ જાહેર કરવાનું કારણ શું એવા પ્રશ્નના ઉત્તરમાં ભીખાજી ઠાકોરે કહ્યું હતું કે ‘એ મને વિશેષ ખબર નથી; પરંતુ હું BJPનો, સંઘનો, પરિવારનો કાર્યકર્તા છું અને રાષ્ટ્ર માટે કામ કરતી પાર્ટીનો કાર્યકર્તા છું. ઘણીબધી જવાબદારી મારી પાસે છે. હું ત્રણ-ચાર સંસ્થામાં છું અને સંગઠન મહામંત્રી પણ છું એટલે જવાબદારી વહન કરતો રહીશ. આ મારો પોતાનો નિર્ણય છે. મને પાર્ટી તરફથી કોઈ જાણ કરવામાં નથી આવી.’  

ચૂંટણીમાંથી BJPના બે ઉમેદવારો ખસી જવાનો ઘટનાક્રમ શું રહ્યો?

  • ૧૩ માર્ચ ૨૦૨૪ના રોજ BJPએ લોકસભાના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી એમાં વડોદરા બેઠક પરથી રંજન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોરનું નામ ઉમેદવાર તરીકે જાહેર કર્યું હતું.
  • ૧૪ માર્ચે BJPનાં રાષ્ટ્રીય મહિલા મોરચાનાં ઉપાધ્યક્ષ અને વડોદરામાં રહેતાં ડૉ. જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારી સામે સવાલો ઉઠાવ્યા હતા. બીજી તરફ BJPએ ડૉ. જ્યોતિ પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્ય પદ પરથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં હતાં.
  • વડોદરા લોકસભા મત વિસ્તારમાં સમાવેશ થતી સાવલી વિધાનસભા બેઠકના BJPના વિધાનસભ્ય કેતન ઇનામદારે ૧૯ માર્ચ ૨૦૨૪ના રોજ અંતરાત્માના અવાજને માન આપીને તેમ જ જૂના કાર્યકર્તાઓના માન-સન્માનના મુદ્દે વિધાનસભ્ય પદેથી રાજીનામુ આપ્યું હતું. જોકે સી. આર. પાટીલ સહિતના આગેવાનો સાથે બેઠક થયા પછી તેઓ માની ગયા હતા અને રાજીનામું પરત ખેંચ્યું હતું, પરંતુ આને પગલે વડોદરામાં અંદરખાને ચાલતો વિખવાદ સપાટી પર આવ્યો હતો.
  • ગયા બુધવારે વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરો લાગ્યાં હતાં જેમાં લખાયું હતું કે ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં.’ આ પોસ્ટરકાંડમાં વડોદરા પોલીસે યુથ કૉન્ગ્રેસના નેતાની ધરપકડ કરી હતી અને વિવાદ વકર્યો હતો.
  • વડોદરામાં ચાલી રહેલા વિવાદોની વચ્ચે રંજન ભટ્ટે ગઈ કાલે સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાઇરલ કરીને અંગત કારણોસર લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી.
  • સાબરકાંઠા લોકસભા બેઠકના BJPના ઉમેદવાર ભીખાજી ઠાકોરને જાહેર કર્યા બાદ તેમની  અટકને લઈને મતવિસ્તારમાં પત્રિકા ફરતી થઈ હતી. આ નનામી પત્રિકા સાબરકાંઠા અને અરવલ્લી ઠાકોર સમાજના નામે ગુજરાત BJPના અધ્યક્ષને અપીલ કરતી પત્રિકા હતી જેમાં ભીખાજી ઠાકોર ઠાકોર સમાજના નથી એવી રજૂઆત થઈ હતી.
  • આ પત્રિકા મતવિસ્તારમાં ફરતી થતાં માલપુર તાલુકાના BJPના પ્રમુખ અને મહામંત્રીએ ૧૮ માર્ચ ૨૦૨૪ના રોજ માલપુર પોલીસ-સ્ટેશનમાં ભીખાજીઠાકોર સામે ફરતી થયેલી પત્રિકા વિશે કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.
  • અટકને લઈને વિવાદ ઊઠતાં આખરે ગઈ કાલે ભીખાજી ઠાકોરે સોશ્યલ મીડિયા પર પોસ્ટ વાઇરલ કરીને વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી હતી.

 

Whatsapp-channel Whatsapp-channel

24 March, 2024 10:40 AM IST | Ahmedabad | Shailesh Nayak

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK