આજથી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોએ હીટવેવની આગાહી
પ્રતીકાત્મક તસવીર
જો તમે ગુજરાત જવાના હો તો જરા ધ્યાન રાખજો, કેમ કે આજથી ત્રણ દિવસ ગુજરાતમાં ગરમીનો પારો ઊંચકાશે અને આકરા તાપ માટે તૈયાર રહેવું પડશે. આ ત્રણ દિવસ દરમ્યાન સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતનાં કેટલાંક સ્થળોએ હીટવેવ ફૂકાવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજથી ૧૭ એપ્રિલ સુધી ગુજરાત અને સૌરાષ્ટ્ર– કચ્છના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ૪૧થી ૪૫ ડિગ્રીની રેન્જમાં રહેવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં તેમ જ સૌરાષ્ટ્રના રાજકોટ તેમ જ કચ્છમાં ગરમીનું મોજું પ્રસરે એવી શક્યતા છે. આ ત્રણ દિવસ દરમ્યાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર–કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળી હવાને કારણે અસ્વસ્થતાની સ્થિતિ રહેવાની શક્યતા છે.
ગઈ કાલનું તાપમાન
ગઈ કાલે ગુજરાતમાં સૌથી વધુ કંડલા ઍરપોર્ટ પર ૪૩.૬ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં ૪૨.૯, સુરેન્દ્રનગરમાં ૪૨.૭, ગાંધીનગરમાં ૪૨.૫, ભાવનગર અને રાજકોટમાં ૪૨.૨, ડીસામાં ૪૧.૧, વડોદરા અને ભુજમાં ૪૦.૮, મહુવામાં ૪૦.૨ અને સુરતમાં ૪૦.૧ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

