૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા દર વર્ષે ૧.૮૯ કરોડ બાળકોનું ચેકઅપ કરીને તૈયાર કરવામાં આવશે હેલ્થ પાસપોર્ટ ઃ સંપૂર્ણ મેડિકલ હિસ્ટરી, બીમારીઓનું ટ્રૅકિંગ અને પોષણનું સ્તર એક જ ડૉક્યુમેન્ટમાં જોવા મળશે
હેલ્થ પાસપોર્ટ બાળકોની પર્સનલ મેડિકલ હિસ્ટરી રજૂ કરતો એક માસ્ટર ડૉક્યુમેન્ટ બની રહેશે
ગુજરાતની શાળાઓમાં નવા વર્ષના શૈક્ષણિક કાર્યની શરૂઆત થઈ છે ત્યારે બાળકોનાં સ્વાસ્થ્યને લઈને ગુજરાત સરકારે સકારાત્મક અને ઉદાહરણીય પહેલ કરી છે. સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ હવે ગુજરાતમાં જન્મથી ૧૮ વર્ષ સુધીનાં દરેક બાળકને પોતાનો હેલ્થ પાસપોર્ટ મળશે. બાળકોના જન્મથી લઈને કિશોરાવસ્થા સુધીની સંપૂર્ણ મેડિકલ હિસ્ટરી દર્શાવતો આ એક પ્રમાણભૂત દસ્તાવેજ બની રહેશે.
સ્કૂલ હેલ્થ – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં દર વર્ષે બાળકોના હેલ્થનું ચેકઅપ કરવામાં આવે છે. આ ચેકઅપનો રેકૉર્ડ ડિજિટલ પોર્ટલ પર ઉપલબ્ધ છે, પરંતુ બાળકોનાં માતા-પિતા પાસે એના ડૉક્યુમેન્ટ ઉપલબ્ધ નથી કે જેનો ઉપયોગ તેઓ રૂટીન ચેકઅપ, સારવાર અથવા ફૉલોઅપ માટે સરળતાથી કરી શકે જેથી હવે હેલ્થ પાસપોર્ટ ઉપલબ્ધ કરાવાશે. ૯૯૨ મોબાઇલ હેલ્થ ટીમો દ્વારા દર વર્ષે ૧.૮૯ કરોડ બાળકોનું ચેકઅપ કરી હેલ્થ પાસપોર્ટ તૈયાર કરાશે જેના કારણે સંપૂર્ણ મેડિકલ હિસ્ટરી, બીમારીઓનું ટ્રૅકિંગ અને પોષણનું સ્તર એક જ ડૉક્યુમેન્ટમાં રહેશે.
ADVERTISEMENT
મેડિકલ હિસ્ટરી એક જ ડૉક્યુમેન્ટમાં
હેલ્થ પાસપોર્ટ બાળકોની પર્સનલ મેડિકલ હિસ્ટરી રજૂ કરતો એક માસ્ટર ડૉક્યુમેન્ટ બની રહેશે. એમાં બાળકની વિગતો સાથે જન્મથી લઈને ૧૮ વર્ષની ઉંમર સુધીના હેલ્થ ચેકઅપનો સંપૂર્ણ રેકૉર્ડ નોંધવામાં આવશે. આ ઉપરાંત જન્મજાત ખામીઓ, બીમારીઓ, પોષણની ઊણપ અને વિકાસમાં વિલંબ અથવા વિકલાંગતા સંબંધિત અપડેટ એમાં રહેશે. આ ઉપરાંત બાળકની શારીરિક-માનસિક વૃદ્ધિ અને વિકાસ, પોષણનું સ્તર, રેફરલ સર્વિસિસ, પોષણ અને સ્વાસ્થ્ય સંબંધિત ટિપ્સ, જીવનશૈલી વિશેની સલાહ તેમ જ ઇમર્જન્સી હેલ્પલાઇન નંબર પણ આ પાસપોર્ટમાં હશે.
