ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦૩ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરથી હમીરગઢ તરફના રસ્તા પર રેલવે-અન્ડરપાસમાં વરસાદનાં પાણી ભરાયાં હતાં એમાં એક બસ ફસાઈ ગઈ હતી. બસના ડ્રાઇવર-કન્ડક્ટર બસ પર ચડી ગયા હતા, પણ તેમને બચાવી લેવાયા હતા.
ગુજરાતમાં ગઈ કાલે ઉત્તર ગુજરાતને મેઘરાજાએ ધમરોળ્યું હતું. એમાં પણ સાબરકાંઠાના પ્રાંતિજમાં સવારે ૮થી ૧૦ વાગ્યાના બે કલાકમાં પાંચ ઇંચ સાંબેલાધાર વરસાદ સાથે કુલ સાડાછ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન પ્રભાવિત થયું હતું. ગુજરાતમાં ગઈ કાલે સાંજે ૬ વાગ્યા સુધીમાં ૨૦૩ તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લાના વીસનગરમાં સવારે ૧૦થી ૧૨ બે કલાકમાં સવાચાર ઇંચ વરસાદ સાથે કુલ ૬ ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મહેસાણામાં બે કલાકમાં ત્રણ ઇંચ જેટલા વરસાદ સાથે કુલ પોણાછ ઇંચ વરસાદ પડ્યો હતો. મહેસાણાના વિજાપુરમાં અને બનાસકાંઠાના વડગામમાં પાંચ ઇંચ જેટલો, સાબરકાંઠાના તલોદ અને હિંમતનગરમાં સાડાચાર ઇંચ, અરવલીના મોડાસા અને વલસાડના કપરાડમાં ૪ ઇંચથી વધુ, ગાંધીનગરના માણસામાં, મહેસાણાના જોટાણા અને અરવલ્લીના મેઘરજમાં ૪ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અરવલ્લીના બાયડ, મહેસાણાના વડનગર અને ઊંઝા તેમ જ બનાસકાંઠાના પાલનપુરમાં બેથી ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો.

