ગઈ કાલે આંતરરાષ્ટ્રીય વન દિવસે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનાં વૃક્ષ વાવીને અભિયાનની શરૂઆત કરાવી હતી
ભૂપેન્દ્ર પટેલ
દેશની આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાતના ૩૩ જિલ્લાઓમાં ૭૫ નમો વડ વન ઊભાં કરવાના અભિયાનનો ગઈ કાલથી આરંભ થયો છે. પ્રત્યેક વનમાં ૭૫ વડનાં વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે. ગઈ કાલે આંતરરાષ્ટ્રીય વન દિવસે ગાંધીનગરમાં ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડનાં વૃક્ષ વાવીને અભિયાનની શરૂઆત કરાવી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ઊજવાઈ રહેલા આઝાદીના અમૃત મહોત્સવના ૭૫મા વર્ષે વન વિભાગ વિભાગ દ્વારા નમો વડ વન નિર્માણનું અભિયાન હાથ ધરીને વૃક્ષનું પૌરાણિક મહત્ત્વ વધારવા સાથે ગ્રીન કવર વધારવાના અભિગમને વેગ અપાશે.
ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે ‘વિશ્વ આખું ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સામે ઝઝૂમે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આપણે ગુજરાતમાં વન સાથે જન જોડીને રાજ્યમાં અલગ-અલગ સ્થળોએ વનો ઊભાં કર્યાં છે. ફૉરેસ્ટ સર્વે ઑફ ઇન્ડિયાના ૨૦૨૧ના અહેવાલ મુજબ ગુજરાતમાં વૃક્ષાચ્છાદિત વિસ્તારમાં છેલ્લાં બે વર્ષમાં ૬૯૦૦ હેક્ટરનો વધારો થયો છે. ગુજરાતમાં અંદાજે ૨૫.૧૦ કરોડ વૃક્ષો હતાં એ વધીને હવે ૨૦૨૧ની વૃક્ષ ગણતરી મુજબ ૩૯.૭૫ કરોડ વૃક્ષો થયાં છે.’


