ચાર દાયકાથી ચારણી સાહિત્ય અને લોકસંસ્કૃતિ ક્ષેત્રે યોગદાન આપવા બદલ મોરારીબાપુના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા
ચેતનભાઈ ઍવોર્ડ લેતી વેળાએ
ગુજરાતી લોકસાહિત્યના શિરમોર કવિ કાગ બાપુના વતન કાગધામ (મજાદર)માં તાજેતરમાં આયોજિત રજત વર્ષ સમારોહમાં વિખ્યાત કથાકાર મોરારીબાપુના હસ્તે મુંબઈના લોકકલાકાર ચેતન ગઢવીને કાગ અવૉર્ડ ૨૦૨૬થી સન્માનિત કરવામાં આવ્યા હતા. મૂળ રાજકોટના ચેતનભાઈ ૪ દાયકાથી લોકસાહિત્ય અને ચારણી વારસાને જીવંત રાખવામાં મહત્ત્વનું યોગદાન આપી રહ્યા છે.
આ સન્માનનો રાજીપો વ્યક્ત કરતાં ચેતનભાઈએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘ભગત દુલા ભાયા કાગના ફળિયે પૂજ્ય મોરારીબાપુની હાજરીમાં સન્માન મળવાથી પુરસ્કારની ગરિમા વધી જાય છે. ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરાગત સંગીતમાં ૪૦ વર્ષના મારા સમર્પણની નોંધ લેવામાં આવી એનો આનંદ છે. દર વર્ષે જુદી-જુદી શ્રેણીમાં પાંચ અવૉર્ડ આપવામાં આવે છે. આ વખતે સિલ્વર જ્યુબિલી વર્ષ હોવાથી કાગ સમિતિ દ્વારા પચીસ કલાકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. લોકસાહિત્ય અને લોકસંગીતને એના અસ્સલ સ્વરૂપમાં પ્રેક્ષકો સમક્ષ રજૂ કરવા માટે મને અવૉર્ડ મળ્યો છે. લોકસંગીતની ચાહના હંમેશાં રહેવાની છે. નવા કલાકારોએ લોકસંગીતની મૂળભૂત કૃતિને જાળવીને આપણા વારસાને આગળ વધારવો જોઈએ. યુવા પેઢીને આકષર્વા એને નવા વાઘા પહેરાવી શકાય. મોહનથાળને ફૅન્સી બૉક્સમાં પ્રસ્તુત કરવાથી લોકોને ગમે અને સ્વાદ પણ જળવાઈ રહે એ રીતે વિવિધતા સાથે લોકસંગીત પીરસવું જોઈએ. મોરારીબાપુની પ્રેરણાથી દર વર્ષે કાગની પુણ્યતિથિ નિમિત્તે પુરસ્કાર આપવાનો મુખ્ય ઉદ્દેશ લોકકલાકારોને પ્રોત્સાહિત કરવાનો છે.’
૨૭ વર્ષથી નૉનસ્ટૉપ
ADVERTISEMENT
ગુજરાતી લોકસંસ્કૃતિ, ચારણ-સાહિત્ય અને ભક્તિસંગીત ક્ષેત્રે જાણીતા ચેતનભાઈએ ૧૨ વર્ષની ઉંમરે લોકસંગીત ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. તેમની સંગીતમય યાત્રા ભારત સુધી સીમિત નથી. જ્યાં-જ્યાં વસે ગુજરાતી ત્યાં તેમના કાયર્ક્રમો થાય છે. ૨૭ વર્ષથી તેમણે બ્રેક લીધા વિના વિદેશમાં ડાયરા, ભજનસંધ્યા અને લોકસંગીતના કાર્યક્રમો કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતી લોકસંગીતને જીવંત રાખવામાં તેમનું યોગદાન રહ્યું છે. ૩ દિવસ સતત તેમને સાંભળો તોય એકેય ગીત રિપીટ ન થાય એટલો ખજાનો તેમની પાસે છે. ગુજરાતી-હિન્દી ફિલ્મો અને ટીવી-સિરિયલોનાં ગીતોમાં તેમણે સ્વર આપ્યો છે. ચેતનભાઈને મહારાષ્ટ્ર ગૌરવ, ગુજરાત ગૌરવ, કચ્છ શક્તિ, મેઘાણી રત્ન અને બેસ્ટ સિંગર અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
