આખા કુટુંબમાંથી વિદેશ ભણવા જનારી અને પ્લેનમાં બેસનારી પહેલી વ્યક્તિ હતી પાયલ ખટીક
પાયલ ખટીક
ગુજરાતના હિંમતનગરમાં રહેતી પાયલ ખટીક ભણવામાં ખૂબ હોશિયાર હતી. તેના પપ્પા રિક્ષા ચલાવતા હતા, પરંતુ દીકરીને MTechની ડિગ્રી માટે લંડન ભણવા જવું હતું તેથી તેમણે લોન લઈને તેને લંડન ભણવા જવાની બધી જ વ્યવસ્થા કરી આપી હતી.
૧૨ જૂને પ્લેનમાં બેસતાં પહેલાં તે ખૂબ જ ઉત્સાહી અને આનંદિત હતી. પહેલી વાર પ્લેનમાં બેસવાની હોવાથી તે એક્સાઇટેડ હોવાની સાથે જ ખૂબ કૉન્ફિડન્ટ પણ હતી એવું તેના પપ્પા સુરેશ ખટીકે ભારે હૈયે જણાવ્યું હતું.
ADVERTISEMENT
પાયલના કઝિન ભરત ચૌહાણે જણાવ્યું હતું કે ‘બારમા સુધી હિંમતનગરમાં ભણીને BTech કરવા માટે તે ઉદયપુર ગઈ હતી. ઉદયપુરથી પાછા આવીને તે થોડો સમય પરિવાર સાથે રહી અને લંડનમાં ભણવા માટેની લોન વગેરેની તૈયારી પણ કરી. અમારા પરિવારમાંથી કોઈ પહેલી વાર પ્લેનમાં બેઠું હતું. આ ઘટનાથી અમે બધા બહુ જ દુ:ખી થઈ ગયા છીએ.’
પાયલને અમદાવાદ ઍરપોર્ટ પર મૂકવા માટે તેનાં મમ્મી-પપ્પા અને બહેન પણ આવ્યાં હતાં. પાયલનાં બીજાં નાનાં ભાઈ-બહેનો સહિત આખા પરિવારને પાયલ જીવનમાં સફળ થશે અને તેમની આર્થિક પરિસ્થિતિ સુધારવામાં પણ મદદ કરશે એવી આશા હતી. હવે તો પાયલની લોન કેવી રીતે ચૂકવાશે એની ચિંતા તેઓ કરી રહ્યા છે.

