તમે જે ફ્રેન્ચ ફ્રાઇઝ, ચિપ્સ, આલૂ ટિક્કી, વેફર, કાતળી સહિતની બટાટાની અવનવી વરાઇટી ખાઓ છો એ બટાટા ઊગીરહ્યા છે સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠામાં
સાબરકાંઠામાં આવેલા બટાટાના ખેતરમાં તૈયાર થયેલો પાક.
હજી બે દિવસ પહેલાં જ ઇન્ટરનૅશનલ પટેટો ડે ઊજવાયો. રોજિંદાં તમામ શાકમાં સરળતાથી ભળી જતા બટાટા છેલ્લા સાડાત્રણ દાયકાથી વિદેશી ફ્રેન્ચ ફ્રાઇઝ તરીકે પણ ધૂમ ખવાય છે. એક સમયે વિદેશથી ઇમ્પોર્ટ થતી ફ્રેન્ચ ફ્રાઇઝ માટે ભારત આત્મનિર્ભર તો ક્યારનું થઈ ગયું છે, પણ હવે એની એક્સપોર્ટનો વ્યાપ પણ અઢળક થઈ ગયો છે
અમેરિકા અને યુરોપની જે ઇન્ટરનૅશનલ ફાસ્ટ-ફૂડ કંપનીઓએ વિશ્વઆખાને ફ્રેન્ચ ફ્રાઇઝ ખાતું કરી દીધું છે એ જ કંપનીઓ હવે ફ્રેન્ચ ફ્રાઇઝમાં વપરાતા બટાટા માટે ભારત પર નિર્ભર છે. ભારતમાંથી એક્સપોર્ટ થતા ફ્રેન્ચ ફ્રાઇઝ માટેના ૯૦ ટકા બટાટા ગુજરાતમાંથી જાય છે. ૧૯૯૬માં ભારતમાં પહેલું મૅક્ડોનલ્ડ્સનું આઉટલેટ શરૂ થયું એ વખતે ૧૦૦ ટકા ફ્રેન્ચ ફ્રાઇઝ ઇમ્પોર્ટ કરવી પડતી હતી. આજે ૨૦૨૫માં એનાથી સાવ જ અવળું છે. ભારતમાં બહારથી એક ફ્રેન્ચ ફ્રાઇઝ કે એ માટેનું બટાટું ઇમ્પોર્ટ નથી થતું. બલ્કે અમેરિકા, યુરોપ, ફિલિપીન્સ, થાઇલૅન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા, વિયેટનામ, જપાન, સાઉદી અરેબિયા, યુનાઇટેડ આરબ એમિરેટ્સ અને ઓમાન જેવા દેશોમાં લાખો ટન બટાટા અને ફ્રોઝન ફ્રેન્ચ ફ્રાઇઝ એક્સપોર્ટ થાય છે. પ્રોસેસ્ડ ફૂડ-ઇન્ડસ્ટ્રીના ૨૦૨૩-’૨૪ના આંકડાઓ મુજબ ભારતે લગભગ ૧૫૦૦ કરોડ રૂપિયાની ૧,૩૫,૮૭૭ ટન ફ્રેન્ચ ફ્રાઇઝ એક્સપોર્ટ કરી હતી. એપ્રિલથી ઑક્ટોબર ૨૦૨૪ દરમ્યાન ૧૧૦૦ કરોડ રૂપિયાની ૧,૦૬,૫૦૬ ટન ફ્રેન્ચ ફ્રાઇઝ એક્સપોર્ટ કરી હતી. ટૂંકમાં, વિદેશથી આવેલી ફ્રેન્ચ ફ્રાઇઝનું રૉ મટીરિયલ હવે ભારતથી વિદેશ જવા લાગ્યું છે અને એ માટે ઉત્તર ગુજરાતનો સિંહફાળો છે.
ADVERTISEMENT
ગુજરાતમાં બટાટાની શરૂઆત
૧૯૯૦ના દાયકામાં પ્રાયોગિક ધોરણે બનાસકાંઠાના ડીસામાં બટાટાનું વાવેતર થયું હતું અને એ સમયે પ્રોસેસિંગ બટાટાના ઉત્પાદનમાં ડીસાની બોલબાલા હતી. આજે પણ છે. ડીસામાં બટાટાનું વાવેતર ધૂમ થાય છે, પણ છેલ્લાં પાંચેક વર્ષમાં સિનારિયો બદલાયો છે અને હવે ધીરે-ધીરે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો બટાટાનું હબ બનવા તરફ અગ્રેસર છે. આ બદલાવ આવવા પાછળનું કારણ એ છે કે હવે પ્રોસેસિંગ માટેના બટાટામાં કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગથી સારું મળતર ખેડૂતોને મળવા લાગ્યું છે અને ખાસ તો માથાકૂટ પણ ઓછી હોવાથી છેલ્લાં પાંચેક વર્ષ દરમ્યાન અસંખ્ય ખેડૂતો પ્રોસેસિંગ પર્પઝના બટાટાની ખેતી તરફ વળવા લાગ્યા છે અને શાકના રાજા ગણાતા બટાટાની ખેતી કરીને ખુશખુશાલ થઈ રહ્યા છે.
કોઈ પણ સ્થળની માટીનો એક અલગ જ જાદુ હોય છે અને એ જાદુ ડીસા સહિતના બનાસકાંઠા વિસ્તાર ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીની માટીમાં પણ છે. અહીંની માટીમાં પાકતા બટાટાની ગુણવત્તા ટૉપ ક્વૉલિટી જેવી છે તેમ જ ટેબલ પર્પઝ અને પ્રોસેસિંગ પર્પઝના બટાટા માટે આ જિલ્લાઓની જમીન જાણે કે એકદમ ફળદ્રુપ હોય એમ ક્વૉલિટી સાથે બટાટાનું મબલક ઉત્પાદન થઈ રહ્યું છે. આ મબલક ઉત્પાદનને કારણે અહીં હવે કોલ્ડ સ્ટોરેજ અને મોટી-મોટી કંપનીઓનાં પ્રોસેસિંગ હાઉસ ઊભાં થઈ રહ્યાં છે જ્યાં તેઓ ફ્રેન્ચ ફ્રાઇઝ, ચિપ્સ, આલૂ ટિક્કી, કાતળી સહિતની બટાટાની વરાઇટીઓ બનાવીને દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરી રહ્યા છે. શાકભાજીમાં વપરાતા બટાટા કરતાં આ બટાટા અલગ તરી આવે છે. ફ્રેન્ચ ફ્રાઇઝમાં ઉપયોગમાં લેવાતા એક બટાટાની સાઇઝ એક વેંત જેવડી હોય છે અને એનું વજન ૭૦૦થી ૮૦૦ ગ્રામ જેટલું હોય છે. એલ. આર. વરાઇટીના બટાટામાં શુગરનું કન્ટેન્ટ ઓછું હોય છે. પ્રોસેસિંગ ટાઇપના બટાટા મોટા ભાગે ૪૫ મિલીમીટરથી લઈને ૮૦ મિલીમીટર જેટલા હોય છે. આવા અવનવી વરાઇટી ધરાવતા બટાટાની દુનિયાની વાતો જાણીએ.
સાબરકાંઠાના ખેતરમાં બટાટાનો પાક લણતા શ્રમિકો.
બટાટાનું વાવેતર વધ્યું
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો બટાટાની ખેતી તરફ વળી રહ્યો છે અને અહીંના બટાટાની બોલબાલા થઈ રહી છે એ વિશે જાણકારી આપતાં સાબરકાંઠાના નાયબ બાગાયત નિયામક દિનેશ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘બટાટા માટે ડીસા વર્ષો જૂનો બેલ્ટ છે. ત્યાં ખાવાના બટાટા વધુ થાય છે, જ્યારે સાબરકાંઠા અને અરવલ્લીમાં બટાટા ડ્યુઅલ પર્પઝમાં વપરાય છે એટલે કે ટેબલ પર્પઝ જેમાં શાકભાજીમાં એનો ઉપયોગ કરી શકાય એવા અને પ્રોસેસિંગ પર્પઝ એટલે કે ફ્રેન્ચ ફ્રાઇઝ, ચિપ્સ સહિતની વરાઇટી બનાવવા માટે બટાટાનો ઉપયોગ થાય. છેલ્લાં કેટલાંક વર્ષોથી બટાટાનું વાવેતર અહીં વધ્યું છે. આજથી પાંચેક વર્ષ પહેલાં ૨૦૧૯-’૨૦માં બટાટાનું ૧૭થી ૧૮,૦૦૦ હેક્ટરમાં વાવેતર થતું એ ગઈ સાલ ૩૮,૦૦૦ હેક્ટર સુધી પહોંચ્યું છે અને વર્ષેદહાડે સાડાબાર લાખ ટન બટાટાનું ઉત્પાદન થાય છે. બટાટાનું વાવેતર વધ્યું એની પાછળનું મુખ્ય કારણ જોઈએ તો ખેડૂતોને પ્રાઇસની ચિંતા નથી, કેમ કે મોટા ભાગના બટાટાનું વાવેતર કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગથી થઈ રહ્યું છે. કંપનીઓ સીડ આપે છે અને પ્રાઇસ ફિક્સ થઈ જાય છે એટલે ખેડૂત તેના ખેતરમાં બટાટાનું ઉત્પાદન વધારવા પર ધ્યાન આપે છે. કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગમાં સ્થાનિક તેમ જ વિદેશબેઝ્ડ મોટી-મોટી કંપનીઓ આવી ગઈ છે જે ખેડૂતો પાસે કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ કરાવે છે. વાવેતર પહેલાં ભાવ નક્કી થઈ જાય છે. વરાઇટી પ્રમાણે પ્રાઇસ નક્કી કરે છે. ૨૦ કિલો બટાટાના અંદાજે ૧૯૦થી ૨૭૦ સુધીના કૉન્ટ્રૅક્ટ થાય છે.’
હિંમતનગર, ઇડર, પ્રાંતિજમાં વાવેતર
સાબરકાંઠા જિલ્લામાં બટાટા કયા પંથકમાં વધુ પાકે છે એ વિશે વાત કરતાં દિનેશ પટેલ કહે છે, ‘સાબરકાંઠામાં વિજયનગર અને પોશીના તાલુકાને બાદ કરતાં હિંમતગનર, ઇડર, પ્રાંતિજ અને તલોદ તાલુકામાં બટાટાનું મેજર વાવેતર થાય છે. આ વિસ્તારોમાં લગભગ ૮૦ ટકા બટાટાનું વાવેતર થાય છે એમ કહી શકાય. હાલમાં સાબરકાંઠા જિલ્લામાં અંદાજે ૫૦૦૦થી વધુ ખેડૂતો કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગથી બટાટાની ખેતી કરી રહ્યા છે. ઘણા ખેડૂતો તેમના ખેતરમાં ઊગતા બટાટા કંપનીઓને વેચે છે તેમ જ બટાટાનો કેટલોક જથ્થો પોતાની પાસે રાખે છે અને માર્કેટમાં જરૂર હોય ત્યારે વેચે છે જેથી જ્યારે શૉર્ટેજ હોય અને બટાટા ન મળે ત્યારે ભાવ થોડો વધુ મળે છે. ખેડૂતો શિયાળામાં બટાટાનો પાક લેતા હોવાથી નુકસાન ખાસ કંઈ હોતું નથી. બટાટા જમીનમાં પાકતા હોવાથી ડૅમેજ થવાનો ભય એટલો રહેતો નથી એટલે ખેડૂતો હવે પ્રોસેસિંગ બટાટાની ખેતી તરફ અને કૉન્ટ્રૅકટ ફાર્મિંગ તરફ મૅક્સિમમ વળ્યા છે.’
વધતાં જતાં સ્ટોરેજ અને પ્રોસેસિંગ યુનિટ
બટાટાનું ઉત્પાદન વધતુ જતું હોવાથી આ વિસ્તારમાં કોલ્ડ સ્ટોરેજ અને પ્રોસેસિંગ યુનિટ પણ વધી રહ્યાં છે. દિનેશ પટેલ કહે છે, ‘ઓવરઑલ છેલ્લાં પાંચેક વર્ષમાં બટાટાની ખેતી વધી છે ત્યારે એને સાચવવા માટે કોલ્ડ સ્ટોરેજ પણ બન્યાં છે અને બની રહ્યાં છે. એકલા સાબરકાંઠામાં ૬૦ જેટલાં અને અરવલ્લીમાં પણ ૬૦ જેટલાં કોલ્ડ સ્ટોરેજ હશે, જ્યારે ડીસા સહિત બનાસકાંઠામાં ૨૦૦ જેટલાં કોલ્ડ સ્ટોરેજ હશે કેમ કે છેલ્લાં પચ્ચીસેક વર્ષથી ડીસા સાઇડ બટાટાની ખેતી થાય છે, પ્રોડક્શન ડીસા બાજુ વધુ થાય છે જ્યારે સાબરકાંઠા છેલ્લાં ૧૦થી ૧૨ વર્ષથી બટાટાની ખેતીમાં આવ્યું છે. આ ઉપરાંત હવે તો પ્રોસેસિંગ યુનિટો પણ શરૂ થયાં છે જ્યાં કેટલાંક યુનિટોમાં પર ડે બટાટામાંથી વિવિધ વસ્તુઓનું આશરે ૧૦૦૦ ટનનું પ્રોડક્શન થાય છે. બટાટામાંથી ફ્રેન્ચ ફ્રાઇઝ, ચિપ્સ તેમ જ આલૂ ટિક્કી ઉપરાંત હવે તો પાઉડર પણ બની રહ્યો છે. પાઉડરને સ્ટોર કરવામાં આવે છે અને પછી એમાંથી જે બનાવવું હોય એ બનાવવામાં આવે છે.’
ખેડૂતો ખુશ છે, આના જેવો કૅશ ક્રૉપ નથી
શાકનો રાજા ગણાતા બટાટાની ખેતી કરીને મોટા ભાગના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે એ વિશે વાત કરતાં જિતેશ પટેલ કહે છે, ‘બટાટાની ખેતીથી ખેડૂતો ખુશ છે, કેમ કે એના જેવો કૅશ ક્રૉપ બીજો કોઈ નથી. કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગથી ખેતી કરો એટલે બટાટા વેચવાની માથાકૂટ નહીં અને ભાવ પહેલેથી નક્કી થઈ ગયો હોય એટલે ચિંતા નહીં. બટાટાના પાકનું વાવેતર નવેમ્બરના પહેલા અઠવાડિયાથી થાય છે અને ૯૦ દિવસમાં પાક તૈયાર થઈ જાય એટલે ફેબ્રુઆરીમાં તમે બટાટા લઈ શકો છે. વર્ષમાં એક વાર બટાટાનો પાક લઈ શકાય છે.’
ઉલ્લેખનીય છે કે જિતેશ પટેલને ૨૦૧૨માં ગુજરાતના એ સમયના મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે માઇક્રો ઇરિગેશન સિસ્ટમના પ્રચાર-પ્રસાર માટે કૃષિ રત્ન અવૉર્ડ મળ્યો હતો. આ ઉપરાંત તેઓ ૨૦૧૫માં આસ્પી ઍગ્રિકલ્ચર રિસર્ચ ઍન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, મુંબઈ દ્વારા બટાટાની ખેતી માટે ફાર્મર ઑફ ધ યરના અવૉર્ડ સહિત અનેક અવૉર્ડથી સન્માનિત થયા છે.
કૉન્ટ્રૅક્ટ સિસ્ટમ માફક આવી
બનાસકાંઠાનું ડીસા બટાટા માટે જાણીતું નામ છે. મોટી-મોટી જાયન્ટ કંપનીઓ ઉત્તર ગુજરાતના માર્કેટમાં આવી ગઈ છે ત્યારે ડીસા ઉપરાંત દાંતીવાડા, ભાભર સહિતના પંથકમાં ખેડૂતોને બટાટા માટેની કૉન્ટ્રૅક્ટ સિસ્ટમ માફક આવી ગઈ છે એની વાત કરતાં ડીસાના ખેડૂત દિનેશ માળી ‘મિડ-ડે’ને કહે છે, ‘અમે સંયુક્ત કુટુંબમાં રહીને ૫૦૦ વીઘામાં બટાટાની ખેતી કરીએ છીએ. વર્ષેદહાડે ૫૦૦૦ ટન બટાટાનું ઉત્પાદન કરીએ છીએ. આ ઉપરાંત અમે કાંકરેજ, દિયોદર બેલ્ટમાં પણ ખેડૂતો પાસે બટાટાની ખેતી કરાવીએ છીએ. છેલ્લાં પાંચ-સાત વર્ષથી મોટી કંપનીઓ અહીં આવી ગઈ છે ત્યારથી ખેડૂતો કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગમાં જવા માંડ્યા છે. પહેલાં કંપનીઓ નહોતી, પણ હવે અહીં મોટી કંપનીઓ આવવા માંડી એટલે ખેડૂતોને ફાયદો થયો છે. રેટ ફિક્સ થઈ જાય, દર વર્ષે ભાવવધારો મળે એટલે ખેડૂતોને ખાલી ચિંતા એટલી કરવાની કે બટાટાનું ઉત્પાદન તેઓ કેવી રીતે વધારી શકે? આ કૉન્ટ્રૅક્ટ સિસ્ટમને કારણે ડીસા બેલ્ટને વધુ ફાયદો થયો છે. એની સાથે-સાથે દાંતીવાડા, દિયોદર, વડગામ પંથકમાં કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ થાય છે અને એનો લાભ ખેડૂતોને મળી રહ્યો છે. મોસ્ટ્લી બનાસકાંઠા અને સાબરકાંઠામાં બટાટાનું પ્રોસેસિંગ હાઇએસ્ટ થાય છે. આ સિવાય નડિયાદ, આણંદ, ખેડા, વિજાપુરમાં પણ થાય છે. ફ્રેન્ચ ફ્રાઇઝ અને ચિપ્સ બનાવવા માટેના મોટા પ્લાન્ટની સાથે પ્રોસેસિંગના નાના પ્લાન્ટ પણ આવી રહ્યા છે. આ ઉપરાંત દર વર્ષે કોલ્ડ સ્ટોરેજ વધતાં જાય છે. બનાસકાંઠામાં જ આશરે ૨૦૦ કોલ્ડ સ્ટોરેજ હશે. આ ઉપરાંત નવાં બીજાં કોલ્ડ સ્ટોરેજ બની રહ્યાં છે. હવે તો એવું થવા માંડ્યું છે કે ખેડૂતો બટાટાની ખેતી પણ કરે છે અને કોલ્ડ સ્ટોરેજ પણ ધરાવી રહ્યા છે.’
પ્રોસેસિંગ માટેના બટાટાનું મેઇન હબ સાબરકાંઠા અને અરવલ્લી
બટાટાની બે વરાઇટી પૈકીની એક પ્રોસેસિંગવાળા બટાટા માટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લો આગળ વધી રહ્યો છે એ વિશે વાત કરતાં બનાસકાંઠાનાં મદદનીશ બાગાયત નિયામક અનન્યા જોશી ‘મિડ-ડે’ને કહે છે, ‘પ્રોસેસિંગ પર્પઝના બટાટાનું મેઇન હબ બનાસકાંઠા કરતાં સાબરકાંઠા અને અરવલ્લી છે. ત્યાં ફ્રેન્ચ ફ્રાઇઝ સહિતની વરાઇટી માટે સ્પેશ્યલ પ્રોસેસિંગ બટાટા માટેનો એરિયા છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત મહેસાણા, ગાંધીનગર તેમ જ હવે થોડા પાટણ જિલ્લામાં પણ બટાટાનું વાવેતર થાય છે. બનાસકાંઠામાં ડીસા, દાંતીવાડા, વડગામ, પાલનપુર, દિયોદર, કાંકરેજ આ બધા એરિયામાં વધારે પ્રોસેસિંગ બટાટાનું વાવેતર થાય છે. બનાસકાંઠામાં ઍવરેજ ૭થી ૮૦૦૦ ખેડૂતો પ્રોસેસિંગ બટાટાનું કૉન્ટ્રૅક્ટથી વાવેતર કરતા હશે. બનાસકાંઠામાં ઓવરઑલ અંદાજે ૫૩થી ૫૭,૦૦૦ હેક્ટરમાં બટાટાનું વાવેતર થાય છે. એમાંથી અંદાજે ૭થી ૮૦૦૦ હેક્ટરમાં પ્રોસેસિંગ બટાટા માટેનું વાવેતર થાય છે.’
દોઢ લાખ મણ બટાટાનું ઉત્પાદન કરતા અવૉર્ડ વિનર ખેડૂત
તમારે સાબરકાંઠા કે અરવલ્લી જવાનું થાય તો માર્ક કરજો કે બટાટાની ખેતીથી બે નહીં પણ ચાર કે આઠ પાંદડે થયેલા ખેડૂતો જોવા મળશે. એમાંના એક છે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના દોલપુરકંપાના અવૉર્ડ વિનર ખેડૂત જિતેશ પટેલ જેઓ વર્ષેદહાડે દોઢ લાખ મણ બટાટાનું ઉત્પાદન કરે છે. MSc ઍગ્રિકલ્ચરની ડિગ્રી ધરાવતા જિતેશ પટેલ ‘મિડ-ડે’ને કહે છે, ‘હું ૩૦૦ વીઘા જમીનમાં બટાટાનું વાવેતર કરું છું અને કોલ્ડ સ્ટોરજ પણ ધરાવું છું તેમ જ ખેડૂતો પાસે બટાટાની ખેતી પણ કરાવું છું. મારે ત્યાં થતા બટાટા અમે મોટી કંપનીઓને તેમ જ મુંબઈના વાશીની APMC માર્કેટમાં પણ સપ્લાય કરીએ છીએ. મારે ત્યાં થતા બટાટામાંથી ફ્રેન્ચ ફ્રાઇઝ અને ચિપ્સ માટેના ગુણવત્તાસભર બટાટા હોય છે. મારે ત્યાંથી ઍવરેજ ૨૦ રૂપિયે કિલો બટાટા વેચાય છે. મારું ૧૨,૫૦૦ ટન કૅપેસિટીનું કોલ્ડ સ્ટોરેજ છે જેમાં બટાટાને સાચવવામાં આવે છે.’
સાબરકાંઠાના નાયબ બાગાયત નિયામક દિનેશ પટેલ.
પોતાના ખેતરમાં બટાટા સાથે જિતેશ પટેલ.
ડીસાના ખેડૂત દિનેશ માળી.
કેટલી જાતના બટાટા હોય છે, ખબર છે?
પુખરાજ, ખ્યાતિ, સનતના, એલ.આર. નામના બટાટા હોય છે અને એમાં એલ.આર. અને સરફોમીરા ટૉપમાં ચાલે છે
આપણે તો સામાન્ય રીતે બટાટાને બટાટું જ કહીએ, પરંતુ બટાટા પણ અલગ-અલગ પ્રકારના હોય છે અને બટાટાના વેપારી કે ખેડૂતો એને અલગ-અલગ નામથી ઓળખીને એનો બિઝનેસ કરતા હોય છે. ડીસાના ખેડૂત દિનેશ માળી બટાટાના આ અલગ પ્રકારો વિશે ફોડ પાડતાં કહે છે, ‘ટેબલ વરાઇટીના બટાટામાં એટલે કે ઘરવપરાશના બટાટામાં પુખરાજ, બાસતા, ખ્યાતિ અને લોકર નામથી બટાટાની અલગ-અલગ વરાઇટી આવે છે એ રોજબરોજ ખાવામાં વપરાય છે. આ જાતના બટાટા ખેડૂતો વાવે છે, પણ એનું કૉન્ટ્રૅક્ટ ફાર્મિંગ થતું નથી. પ્રોસેસિંગ વરાઇટીમાં સનતના, એલ.આર. એટલે કે લેડીઝ રોઝાતા, સરફોમીરા, એફસી ફાઇવ જેવી વરાઇટી હોય છે. મોસ્ટ્લી સનતના વરાઇટીવાળા બટાટા ચાલતા હોય છે. આ ઉપરાંત એલ.આર. એટલે કે લેડીઝ રોઝાતા બટાટા સૌથી વધુ ચિપ્સમાં વપરાય છે. બાકીના મોટા ભાગના બટાટા ફ્રોઝન આઇટમ માટે વપરાય છે.’

