હોળી-ધુળેટીના તહેવાર પ્રસંગે મધ્ય ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ‘ડાકોરના ઠાકોર’નાં દર્શન કરવા માર્ગો પર ઊમટ્યો માનવમહેરામણ
ડાકોર હાઇવે પર પદયાત્રા કરી રહેલા મુકેશ ભટ્ટ અને તેમનો દીકરો જય.
હોળી-ધુળેટીના તહેવાર પ્રસંગે મધ્ય ગુજરાતમાં આવેલા વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ‘ડાકોરના ઠાકોર’નાં દર્શન કરવા માર્ગો પર ઊમટ્યો માનવમહેરામણ : લાખો ભક્તો ચાલતાં-ચાલતાં જઈ રહ્યા છે ડાકોર : અમદાવાદના દિવ્યાંગ મુકેશ ભટ્ટ અને તેમનો દીકરો જય ભટ્ટ પણ પદયાત્રામાં જોડાયા : માર્ગો પર સેવા-કૅમ્પનો ધમધમાટ
હોળીનું પર્વ ઢૂંકડું આવી પહોંચ્યું છે ત્યારે મધ્ય ગુજરાતમાં આવેલા ઐતિહાસિક યાત્રાધામ ડાકોરમાં બિરાજમાન ભગવાન રણછોડરાયજીનાં દર્શન માટે લાખો ભક્તજનો ડાકોર ચાલતાં-ચાલતાં જઈ રહ્યા છે ત્યારે સાંભળી અને બોલી નહીં શકતા દિવ્યાંગ પિતા મુકેશ ભટ્ટ અને તેમનો પુત્ર જય રણછોડરાયજીનાં દર્શન કરવા પદયાત્રા કરીને ડાકોરના માર્ગ પર ગઈ કાલે જતા જોવા મળ્યા હતા. પ્રભુનાં દર્શન કરવા હૈયામાં હામ હોય અને જીભે પ્રભુનું નામ હોય તો પગમાં જોમ આવી જાય છે એમ આ પિતા-પુત્રની જોડી ધીરે-ધીરે ડાકોરના માર્ગ તરફ આગળ વધતી જોવા મળી હતી.
ADVERTISEMENT
સિનિયર સિટિઝન, દંપતીઓ, મહિલાઓ અને યુવતીઓ દર્શન કરવા પગપાળા ડાકોર તરફ જઈ રહ્યાં છે.
હોળી-ધુળેટીના તહેવાર પ્રસંગે ડાકોરમાં ‘ડાકોરના ઠાકોર’નાં દર્શન કરવા માર્ગો પર માનવમહેરામણ ઊમટ્યો છે. લાખો ભક્તો ચાલતાં-ચાલતાં ડાકોર જઈ રહ્યા છે એમાં અમદાવાદના દિવ્યાંગ મુકેશ ભટ્ટ અને તેમનો દીકરો જય પણ પદયાત્રા કરતાં આગળ વધી રહ્યા હતા. અમદાવાદ–ડાકોર હાઇવે પર ‘મિડ-ડે’એ દિવ્યાંગ પિતા-પુત્ર પાસે પૅડમાં લખીને તેમનો પ્રતિભાવ જાણ્યો હતો. મુકેશ ભટ્ટે જણાવ્યું હતું કે ‘હું ૧૨ વર્ષથી ચાલતો ડાકોર જાઉં છું, પરંતુ દીકરા સાથે છેલ્લાં બે વર્ષથી ભગવાનનાં દર્શન કરવા ડાકોર જાઉં છું. મારે કોઈ બાધા કે માનતા નથી, પરંતુ શ્રદ્ધાથી ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરવા માટે મારા દીકરા સાથે જાઉં છું. રણછોડરાયજીમાં અમને શ્રદ્ધા છે, વિશ્વાસ છે.’
મુકેશ ભટ્ટના પિતા ભાલચંદ્ર ભટ્ટે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારો દીકરો મુકેશ અને પૌત્ર જય સાંભળી શકતા નથી અને બોલી પણ શકતા નથી. તેમણે કોઈ માનતા રાખી નથી, ખાલી દર્શન કરવા જાય છે. મુકેશ છેલ્લાં ઘણાં વર્ષોથી હોળી-ધુળેટીના પર્વ પર ચાલતાં-ચાલતાં ડાકોર જાય છે, પરંતુ કોઈ અડચણ આવી નથી. મારો પૌત્ર ગયા વર્ષથી તેના પિતા સાથે ડાકોર ચાલતો જાય છે. તેઓ શાંતિથી પદયાત્રા કરીને ડાકોર પહોંચી ભગવાન રણછોડરાયજીનાં દર્શન કરીને પરત આવી જાય છે.’

