નરમુંડ પહેરીને નાગા સાધુ આવ્યા, ધગધગતી ચિતાઓ વચ્ચે ભસ્મથી હોળી રમ્યા, મણિકર્ણિકા અને હરિશ્ચંદ્ર ઘાટ પર હજારો ભાવિકો પહોંચ્યા, પચીસ દેશના બે લાખ ટૂરિસ્ટ જોવા આવ્યા
કાશીમાં સળગતી ચિતાની રાખથી ખેલાઈ મસાન હોળી
કાશીમાં ભૂતભાવન બાબા વિશ્વનાથ સાથે રંગભરી એકાદશી પર અબીર-ગુલાલ સાથે હોળી રમ્યા બાદ ગઈ કાલે સવારે મણિકર્ણિકા ઘાટ પર વિશ્વપ્રસિદ્ધ મસાનની હોળી રમવામાં આવી હતી. માતા પાર્વતીનું ગૌના કરાવીને પોતાના ધામમાં પાછા ફરેલા બાબા વિશ્વનાથ પોતાના ગણો, નંદી, શ્રૃંગી, ભૃંગી અને ભૂત-પ્રેત સાથે સળગતી ચિતાઓની રાખ-ભસ્મથી હોળી રમ્યા હતા. આ સમયે ‘હર હર મહાદેવ’ના જયઘોષથી આખો ઘાટ ગૂંજી ઊઠ્યો હતો.
શોભાયાત્રા સાથે શરૂઆત
ADVERTISEMENT
સવારે આશરે ૧૧ વાગ્યે કિનારામ આશ્રમથી શોભાયાત્રા શરૂ થઈ ત્યારે ઘોડા અને રથ પર સવાર થઈને નાગા સાધુઓ અને સંતો આશરે એક કલાક બાદ બપોરે બાર વાગ્યે બે કિલોમીટર દૂર આવેલા હરિશ્ચંદ્ર ઘાટ પહોંચ્યા હતા. ઘણા સાધુઓ નરમુંડની માળા પહેરીને અથવા મોંમાં જીવતો સાપ લઈને પહોંચ્યા હતા. કેટલાકે મા કાળીના રૌદ્ર સ્વરૂપ જેવો વેશ કર્યો હતો. શોભાયાત્રા દરમ્યાન કલાકારોએ વિવિધ સ્થળોએ શિવ તાંડવ રજૂ કર્યાં હતાં. પ્રવાસીઓ અને કાશીના લોકો ‘ખેલે મસાને મેં હોલી...’ જેવાં ગીતો પર નાચતા જોવા મળ્યા હતા.
ભસ્મ ફેંકી જયઘોષ
સાધુ-સંતો આશરે એક કલાક સુધી મસાનમાં હોળી રમ્યા હતા. તેમણે ઉપસ્થિત લોકો પર ભસ્મ ફેંકીને મહાદેવનો જયઘોષ કર્યો હતો અને હાથ જોડીને પ્રણામ કર્યા હતા. કેટલાક પોતાના ચહેરા પર ભસ્મ લગાવી રહ્યા હતા, જ્યારે કેટલાક ચિતાની ભસ્મમાં સ્નાન કરી રહ્યા હતા. રસ્તાઓ ભસ્મથી ઢંકાઈ ગયા હતા.
DJ પર પ્રતિબંધ
મસાન હોળીમાં સ્થાનિક પ્રશાસને DJ (ડિસ્ક જૉકી) પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આના કારણે આવેલા યુવાનો નારાજ થયા હતા. જોકે આમ છતાં ભાવિકોની ભીડ જોરદાર જોવા મળી હતી.
તમામ રસ્તા જૅમ
મણિકર્ણિકા ઘાટ તરફ જતા તમામ રસ્તા જૅમ થઈ ગયા હતા. લોકો બોટમાં બેસીને ઘાટ પર પહોંચતા હતા. ભાવિકોને કચોરી ગલી અને મણિકર્ણિકા ઘાટવાળી ગલીમાંથી એન્ટ્રી આપવામાં આવી હતી. પચીસ દેશોના આશરે બે લાખ ટૂરિસ્ટો પણ મસાન હોળી જોવા આવ્યા હતા. ભાવિકોની સલામતી માટે જળ પોલીસ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF), પોલીસ અને ફ્લડ રિલીફ પોલીસની ટીમો હાજર હતી.
સુખ અને દુઃખ એકસાથે
ઘાટ પર એક બાજુ ચિતામાંથી ધુમાડો નીકળી રહ્યો હતો અને બીજી બાજુ ભસ્મની હોળી રમાઈ રહી હતી. આમ એકસાથે સુખ અને દુઃખની લાગણી જોવા મળી હતી. મસાન હોળીમાં ભાગ લઈને લોકો જીવન અને મૃત્યુના ચક્રને સમજવાની કોશિશ કરે છે. ચિતાની ભસ્મથી દૂર ભાગતો માનવી કલાકો સુધી એક ચપટી ભસ્મ માટે રાહ જોતો હોય એવું જોવા મળી રહ્યું હતું. પૌરાણિક કથામાં પણ કહેવામાં આવે છે કે સૌથી પહેલાં મસાનમાં હોળી ભગવાન શિવે રમી હતી.
ભક્તો સાથે રાખથી હોળી
લગ્ન બાદ ભગવાન શિવ અને માતા પાર્વતી પહેલી વાર કાશી આવ્યાં હતાં. એ રંગભરી એકાદશીનો દિવસ હતો અને ચારે તરફ ખુશીનો માહોલ હોવાથી શિવ-પાર્વતી ગુલાલથી હોળી રમ્યાં હતાં.
ભગવાન શિવના ભક્તો જેમાં ભૂત-પ્રેત, પિશાચ, અઘોરી સાધુઓ હતા તેમણે પણ ભગવાનને નિવેદન કર્યું કે તેમની સાથે ભગવાન હોળી રમે. એ સમયે ભગવાને વિચાર્યું કે આ લોકો જીવનના રંગોથી દૂર ભાગે છે તેથી તેમણે મસાનમાં પડેલી રાખ ઉડાવી અને એનાથી હોળી રમ્યા. ત્યારથી એકાદશી પછીના દિવસે મસાનની હોળી રમવામાં આવે છે.
મસાનની હોળીનો છૂપો સંદેશ
પૌરાણિક માન્યતા મુજબ એક વાર ભગવાન શિવે મૃત્યુના દેવ યમરાજાને હરાવ્યા હતા. એથી મસાનની હોળી મૃત્યુ પર વિજયનું પ્રતીક માનવામાં આવે છે. રાખ પાછળનો સંદેશ સ્પષ્ટ છે કે જીવન ક્ષણભંગુર છે એટલે ડર્યા વિના જીવનનો આનંદ લેવો જોઈએ. સાથે એ પણ સ્વીકારવું જોઈએ કે મૃત્યુ સત્ય છે, એને સ્વીકારવું પડશે. મસાનની હોળી મૃત્યુના ભયને ત્યાગીને જીવન જીવવાનો સંદેશ આપે છે.
મસાન હોળીના વિડિયો વાઇરલ
સોશ્યલ મીડિયામાં ગઈ કાલે મસાન હોળીના ઘણા વિડિયો વાઇરલ થયા હતા જેમાં દેખાય છે કે સાધુ-સંતો અને અઘોરીઓ મણિકર્ણિકા ઘાટ પર ચિતાની રાખથી હોળી રમી રહ્યા છે.

