છેલ્લા દોઢ મહિનાથી બનતો હતો દારૂ : ૧૩ આરોપીઓ ઝડપાયા : વકીલો નહીં લડે આરોપીઓનો કેસ : બે પોલીસ-ઇન્સ્પેક્ટર તેમ જ પાંચ પોલીસ-કર્મચારીઓ સસ્પેન્ડ
પ્રતીકાત્મક તસવીર
સૌરાષ્ટ્રના ભાવનગર જિલ્લામાં ડુપ્લિકેટ દારૂના લઠ્ઠાકાંડે ચકચાર મચાવ્યો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ડુપ્લિકેટ દારૂ પીતા ૮ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૩૧ લોકો જિલ્લાની વિવિધ હૉસ્પિટલોમાં સારવાર હેઠળ છે. આમાંથી એક દરદી સુરતની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે ૧૩ આરોપીઓને ઝડપી લઈ ગઈ કાલે કોર્ટમાં રજૂ કરીને ૧૦ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. ભાવનગર બાર અસોસિએશનના વકીલોએ તેઓ આરોપીઓના કેસ નહીં લડે એવો નિર્ણય કર્યો છે. બીજી તરફ ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડને પગલે રાજકીય હલચલ મચી છે. આ કેસની તપાસ સ્ટેટ મૉનિટરિંગ સેલને સોંપવામાં આવી છે. પોલીસે કરેલી તપાસમાં એવી હકીકત બહાર આવી હતી કે રૉયલ સ્ટૅગના સ્ટિકરવાળી બૉટલોમાં મિથેનૉલની વધુ માત્રાવાળો ડુપ્લિકેટ દારૂ પીવાથી બનાવ બન્યો છે. આ કેસમાં બેદરકારી બતાવનારા પોલીસ-કર્મચારીઓ સામે સસ્પેન્શનનાં પગલાં લેવામાં આવ્યાં છે. એમાં ભાવનગર જિલ્લાના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ-ઇન્સ્પેક્ટર તેમ જ વરતેજ પોલીસ-સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત વરતેજ પોલીસ-સ્ટેશનના ‘ડી’ સ્ટાફના ૩ કર્મચારીઓ અને સ્થાનિક બીટ જમાદાર, નીલમબાગ પોલીસ-સ્ટેશનનાં એક મહિલા જમાદારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.
