ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટ પર મામલો ગરમાયો : કૉન્ગ્રેસ સહિતના વિપક્ષોએ દારૂના મામલે ગુજરાત સરકારને સાણસામાં લીધી, તો બે પ્રધાનો આવ્યા સરકારને બચાવવા
પ્રતીકાત્મક તસવીર
ગુજરાતના પાટનગર ગાંધીનગરને અડીને આવેલા ગિફ્ટ (જીઆઇએફટી-ગુજરાત ઇન્ટરનૅશનલ ફાઇનૅન્સ ટેક) સિટીમાં દારૂના સેવનની છૂટ અપાતાં મામલો ગરમાયો છે અને ગુજરાતમાં દારૂ પર દંગલ મચ્યું છે. કૉન્ગ્રેસ સહિતના વિપક્ષોએ દારૂના મામલે ગુજરાત સરકારને સાણસામાં લીધી છે, તો બે પ્રધાનોએ સરકારનો પક્ષ લઈને એને બચાવવાના પ્રયાસ કર્યા હતા. બીજી તરફ ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ સરકાર સામે કટાક્ષ કરીને સમર્થન આપવાની સાથે આખા ગુજરાતમાં છૂટ આપવાની માગણી કરી છે.
ગિફ્ટ સિટીમાં દારૂના સેવનની છૂટના મુદ્દે ગુજરાત સરકારના પ્રવક્તા પ્રધાન હૃષીકેશ પટેલે મીડિયાને કહ્યું કે ‘ગુજરાતની પ્રગતિ તો થશે, પરંતુ સાથોસાથ દેશભરમાં ગિફ્ટ સિટી પોતાની રીતે આર્થિક હબ બનવા જઈ રહ્યું છે ત્યારે આ આર્થિક હબ પૂરતો વિષય છે. અત્યારે ક્યાંય એવો વિચાર નથી કે ગુજરાતની અંદર પ્રવાસીઓ માટે અથવા તો ટૂરિઝમ માટે આવતાં સ્થળોનો કોઈ વિચાર નથી કર્યો. આજે જ્યારે ૨૧મી સદીમાં અને એમાં પણ આવતાં ૨૫ વર્ષનો આપણે વિચાર કરતા હોઈએ ત્યારે ક્યાંક ને ક્યાંક લિમિટેશન અને સંકુચિતતાથી વર્તવાને બદલે ગુજરાતને ખૂબ મોટું હબ બનાવવા માટે ક્યાંક આપણે દ્વાર પણ ખોલવાં પડશે.’
ADVERTISEMENT
ગુજરાતના કૃષિપ્રધાન રાઘવજી પટેલે મીડિયાને કહ્યું કે ‘ગિફ્ટ સિટી ઇન્ટરનૅશનલ વેપારનું કેન્દ્ર છે. દુનિયાભરમાંથી ત્યાં લોકો આવે છે એટલે વેપાર માટે અહીં ગિફ્ટ સિટીમાં આવતા લોકો માટે કોઈ તકલીફ ન પડે, સુવિધા સચવાય એને માટે સરકારે લીધેલો નિર્ણય મારી દૃષ્ટિએ વાજબી છે.’
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાએ ગુજરાત સરકાર સામે કટાક્ષ કરતાં અને સમર્થન આપવા સહિત આક્ષેપ કરતાં મીડિયાને કહ્યું કે ‘મોડી-મોડી પણ સરકારને સમજ આવી. જોકે આ નીતિ હતી તો પણ ગુજરાતમાં ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. છેલ્લે-છેલ્લે ભલે ગિફ્ટથી શરૂઆત કરી, પણ મને ખબર છે ત્યાં સુધી ગાંધીજી પછી સરદારસાહેબનો વારો કાઢશે સરકાર એવું હું માનું છું; એકતાનગર, સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં, નર્મદાને કિનારે. સરકારને આગ્રહ કરીશ કે મહાત્મા મંદિરમાં પણ છૂટ આપો. આજની નીતિ નિષ્ફળ છે. દારૂબંધીની નીતિ હટાવીને સાયન્ટિફિક નવી નીતિ સારી નથી, જેથી ગુજરાતનું યુવા ધન બરબાદ ન થાય. આ નીતિને લીધે ગુજરાત ડ્રગનું હબ બની ગયું છે.’
શંકરસિંહ વાઘેલાએ એમ પણ કહ્યું કે ‘સસ્તો દારૂ, જેને મહુડાનો દારૂ કહે છે, જેને માટે ટ્રાઇબલ પટ્ટામાં બેકાર ગ્રૅજ્યુએટ છોકરા-છોકરીઓને છૂટ આપો, લાઇસન્સ આપો. વલસાડથી માંડીને અંબાજી સુધીના પટ્ટામાં આનું ચલણ કરી શકાય. એવો સૌરાષ્ટ્રમાં વિચાર કરી શકાય. ગુજરાતમાં તમે પહેલ કરી છે તો આખા ગુજરાતમાં છૂટ આપો.’
ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા અમિત ચાવડાએ આક્ષેપ કરતાં કહ્યું કે ‘આજે ગિફ્ટ સિટીમાં છૂટ આપી, કાલે તમે કહેશો કેવડિયાના સ્ટૅચ્યુ ઑફ યુનિટીમાં પ્રવાસીઓને આકર્ષવા છે ત્યાં છૂટ આપવી છે. રણોત્સવ, સુરત ડાયમન્ડ બુર્સમાં છૂટ આપવી છે. ધીમે-ધીમે કરતાં પાછલા બારણે આખા ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાનું એક વ્યવસ્થિત આયોજન છે. એના ભાગરૂપે ગિફ્ટ સિટીનો નિર્ણય લેવાયો છે.’
ગુજરાત કૉન્ગ્રેસ પ્રદેશના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ, કૉન્ગ્રેસના વિધાનસભ્ય ગેનીબહેન ઠાકોર સહિતના વિપક્ષી અગ્રણીઓએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ઉમેશ મકવાણાએ દારૂની છૂટના મામલે વિરોધ નોંધાવીને આ નિર્ણય પાછો ખેંચવા માટે મુખ્ય પ્રધાનને પત્ર લખ્યો છે. બીજી તરફ ગિફ્ટ સિટીમાંથી દારૂબંધી હટાવી લેવાના નિર્યણને આમ આદમી પાર્ટી, ગુજરાતનાં પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલે શરમજનક ગણાવ્યો અને આ નિર્ણયને પાછો ખેંચી લેવાની માગણી કરી હતી, નહીં તો મહિલા મોરચો રસ્તા પર ઊતરશે એવી તેમણે ચીમકી ઉચ્ચારી છે.


