પુણેમાં પરીક્ષણ માટે મોકલાયેલા ૭ શંકાસ્પદ કેસમાંથી માત્ર ૧ કેસમાં ચાંદીપુરા રોગ કન્ફર્મ થયો
ગુજરાતમાં ચાંદીપુરા રોગના પગલે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બેઠક યોજીને રાજ્યના કલેક્ટરો, આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો-કૉન્ફરન્સ કરીને બેઠક યોજી હતી.
ગુજરાતમાં વકરી રહેલા ચાંદીપુરા રોગના શંકાસ્પદ કેસોના પગલે ગઈ કાલે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને વિડિયો-કૉન્ફરન્સ કરીને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને આ મુદ્દે સમીક્ષા કરી હતી. ગુજરાતમાં ચાંદીપુરાના શંકાસ્પદ ૩૦ દરદીઓમાંથી ગુજરાતમાં ૧૫ અને એક રાજસ્થાનમાં મળીને કુલ ૧૬ મૃત્યુ થયાં છે, જ્યારે બાકીના સારવાર હેઠળ છે. પુણેમાં પરીક્ષણ માટે મોકલાયેલા ૭ શંકાસ્પદ કેસમાંથી માત્ર ૧ કેસમાં ચાંદીપુરા રોગ કન્ફર્મ થયો હોવાનું ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલે જણાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી ચાંદીપુરા વાઇરસની સ્થિતિ અને આ રોગચાળાના નિયંત્રણ માટે લેવાયેલાં પગલાંઓની ભૂપેન્દ્ર પટેલે સમીક્ષા કરી હતી. આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલ તેમ જ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં વિડિયો-કૉન્ફરન્સ કરીને યોજાયેલી આ બેઠકમાં મુખ્ય પ્રધાને ગુજરાતનાં શહેરોના મ્યુનિસિપલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ, જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીઓ સાથે વિડિયો-કૉન્ફરન્સ કરીને દરેક જિલ્લાની કામગીરીની વિગતો મેળવી હતી. જિલ્લાઓમાં રોગની અટકાયત માટે મેલેથિયન પાઉડર દ્વારા ડસ્ટિંગ માટેની ડ્રાઇવ હાથ ધરવા તેમ જ કોઈ પણ તાવના કિસ્સામાં તરત સઘન સારવાર અપાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું.