ભુજ તાલુકાના આ ગામે બનાવી અગિયાર એક્સપર્ટની ડિઝૅસ્ટર રિસ્ક-રિડક્શન ટીમ, ગામ ભલે દરિયાકિનારાથી ૬૦ કિલોમીટર દૂર હોય, પણ વાવાઝોડાની સંભવિત અસરને લઈને કર્યું અસરદાર આયોજન, ભયજનક વૃક્ષોનું ટ્રિમિંગ કરાયું
ભુજ તાલુકામાં આવેલા કુનરિયા ગામે ઝારખંડથી આવેલા કામદારોનું સલામતીનાં કારણોસર શિફ્ટિંગ કરાવાયું હતું.
બિપરજૉય વાવાઝોડાનો સામનો કરવા ભુજ તાલુકાનું કુનરિયા ગામ સજ્જ થયું છે. આ ગામે વાવાઝોડા સામે આગોતરા આયોજનના ભાગરૂપે ગામના જ ૧૧ એક્સપર્ટની ડિઝૅસ્ટર રિસ્ક-રિડક્શન ટીમ બનાવી છે. આ ગામ ભલે દરિયાકિનારાથી ૬૦ કિલોમીટર દૂર છે, પરંતુ વાવાઝોડાને કારણે સંભવિત રીતે ઊભી થનારી વિકટ પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયારીઓ કરીને અસરદાર આયોજન કર્યું છે.
ભુજ તાલુકામાં આવેલા કુનરિયા ગામમાં ગઈ કાલે વાવાઝોડાની અસર હોય એમ પવન વધારે વાતો હતો. વાવાઝોડું કચ્છ જિલ્લામાં ટકરાવાની ધારણા હોવાથી અહીંનું વહીવટીતંત્ર કામે લાગી ગયું છે ત્યારે ગામજનોએ પણ કુદરતી આફત સામે બેસી રહેવાને બદલે સમજણપૂર્વકની તૈયારીઓ કરી છે. ગામમાંથી ભયજનક વૃક્ષોનું ટ્રિમિંગ કરાયું છે તેમ જ ઝારખંડથી કામ માટે આવેલી આઠ વ્યક્તિઓનું શિફ્ટિંગ કર્યું છે.
ADVERTISEMENT
કુનરિયા ગામના સરપંચ સુરેશ છાંગાએ ‘મિડ ડે’ને કહ્યું હતું કે ‘અમે વાવાઝોડાનો સામનો કરવા પ્રિપેર્ડ છીએ. ગામમાં કેટલાંક ઘરો નળિયાંવાળાં છે. ઘણાં વૃક્ષો મોટાં છે એ કદાચ વાવાઝોડાને કારણે ધરાશાયી થવાની સંભાવના છે, જેથી અમે આવાં વૃક્ષોનું ટ્રિમિંગ કર્યું છે. અમે જેસીબી મશીન, રોપ, સ્વીમર્સ તેમ જ ફર્સ્ટ એઇડ કિટ રેડી રાખ્યાં છે. ગામના ૧૧ એક્સપર્ટની ટીમ બનાવી છે. આપતકાલીન સ્થિતિનો સામનો ગભરાટ વગર થઈ શકે એવું મૅનેજમેન્ટ કર્યું છે. આ ટીમમાં શિક્ષક પણ છે જેઓ જરૂર પડે તો સીપીઆર કરીને મદદરૂપ થઈ શકે એમ છે. વાવાઝોડને લઈને ગામજનોને સાવચેત રહેવા સૂચનાઓ આપી દીધી છે અને પંચાયત પણ ગામજનો સાથે ઊભી રહી છે.’
તેમણે સ્થળાંતર બાબતે કહ્યું હતું કે ‘ગામમાં ઝારખંડથી કામ માટે કેટલાક પરિવાર આવ્યા છે. તેઓ કામચલાઉ પતરાંવાળાં ઘરોમાં રહે છે એટલે આવી આઠ વ્યક્તિઓનું સલામતીનાં કારણોસર ગામના ભવનમાં સ્થળાંતર કર્યું છે. આ વ્યક્તિઓ માટે રહેવાની તેમ જ જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.’


