બ્લૅક બૉક્સને ડીકોડ કરીને પ્લેન-ક્રૅશનું કારણ શોધવા માટે રચાયેલી સમિતિએ ત્રણ મહિનામાં રિપોર્ટ સોંપવાનો રહેશે
ગમખ્વાર અકસ્માત
ગુરુવારે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ AI-171ના ગમખ્વાર અકસ્માત બાદ શનિવારે બપોરે નાગરિક ઉડ્ડયનપ્રધાન રામ મોહન નાયડુએ પહેલી વાર મીડિયાને સંબોધ્યું હતું. નવી દિલ્હીમાં ઉડાનભવનમાં યોજાયેલી આ કૉન્ફરન્સમાં તેમણે અમદાવાદ પ્લેન-ક્રૅશ પાછળનું કારણ જાણવા માટે સમિતિ રચવાની મહત્ત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ‘ઍરક્રાફ્ટ ઍક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટેક્નિકલ ઇન્વેસ્ટિગેશન ટીમને શુક્રવારે ઘટનાસ્થળેથી બ્લૅક બૉક્સ મળી આવ્યું છે. બ્લૅક બૉક્સમાં સચવાયેલી માહિતીને ડીકોડ કરીને ક્રૅશ પહેલાં અને ક્રૅશ દરમ્યાન શું બન્યું હતું એ જાણી શકાશે. AAIB દ્વારા ઊંડી તપાસ બાદ જે રિપોર્ટ આવશે એમાં બધી જ સ્પષ્ટતા થશે.’
જીવ ગુમાવનારના પરિવારજનોને તાત્કાલિક ડેથ-સર્ટિફિકેટ આપવામાં આવશે
પ્લેન-ક્રૅશમાં જીવ ગુમાવનારના પરિવારજનોને તાત્કાલિક ડેથ-સર્ટિફિકેટ મળી રહે એ માટે ૨૩૦ ટીમ બનાવવામાં આવી છે જે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન સાથે મળીને સરળતાથી સર્ટિફિકેટ આપવામાં મદદ કરશે. પરિવારજનોને માનસિક આઘાતમાંથી બહાર લાવવા માટે કાઉન્સેલરની નિમણૂક પણ કરવામાં આવી છે.

