ભુજથી મુંબઈની ફ્લાઇટનું પ્લેન બદલાયું અને સીટો ઘટી ગઈ એટલે કેટલાક પૅસેન્જરોને કારમાં અમદાવાદ લઈ જવાનો વિકલ્પ અપાયો
પ્રતીકાત્મક તસવીર
ઍર ઇન્ડિયાએ છેલ્લી ઘડીએ નાનું પ્લેન મોકલતાં ભુજ ઍરપોર્ટ પર મુંબઈ આવતા ૧૩ પૅસેન્જર લટકી પડ્યા હતા. તેમને અમદાવાદ સુધી કાર અને ત્યાંથી પછી બીજી ફ્લાઇટ ઑફર કરવામાં આવી હતી.
આ ઘટના શનિવારે બની હતી. ભુજથી મુંબઈ આવનારી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના પૅસેન્જરોમાંથી ઘણાએ વેબ ચેક-ઇન પણ કરાવી લીધું હતું અને બોર્ડિંગ-પાસ પણ મેળવી લીધો હતો. એમ છતાં ૧૩ પૅસેન્જરોને બોર્ડિંગ કરતા અટકાવી દેવામાં આવ્યા હતા, કારણ કે ફ્લાઇટમાં તેમને બેસાડવાની સીટ જ નહોતી.
ADVERTISEMENT
બન્યું એવું હતું કે ભુજથી મુંબઈ માટે ઍર ઇન્ડિયાની ઍરબસ ૩૨૧ આવતી હોય છે. જોકે એ દિવસે એમાં ખામી સર્જાતાં ઍરબસ ૩૨૦ મોકલવામાં આવી હતી જે સહેજ નાની હતી અને એથી એમાં ૧૩ સીટ પણ ઓછી હતી. જ્યારે એ બચી ગયેલા પૅસેન્જરોએ ઍરપોર્ટ પર હોબાળો મચાવ્યો ત્યારે ઍર ઇન્ડિયાએ તેમને અમદાવાદ સુધી કારમાં લઈ જઈ ત્યાંથી પછી મુંબઈની બીજી ફ્લાઇટમાં બેસાડી મુંબઈ પહોંચાડવાનો વિકલ્પ આપ્યો હતો. જોકે એક પૅસેન્જરે કારમાં પ્રવાસ ન કરતાં કંડલાથી બીજી ફ્લાઇટમાં મુંબઈ પહોંચવાનું મુનાસિબ માન્યું હતું, જ્યારે અન્ય પૅસેન્જરોએ ઍરલાઇનને ગાળો ભાંડીને નાછૂટકે એ રીતે પ્રવાસ કરવો પડ્યો હતો.

