Air India Plane Crash in Ahmedabad: અમદાવાદ પ્લેન ક્રેશમાં ગુજરાતે ગુમાવ્યું રતન; પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું મૃત્યુ, પરિવારને મળવા લંડન જઈ રહ્યા હતા
વિજય રુપાણીની ફાઇલ તસવીર
ગુરુવારે બપોરે અમદાવાદ (Ahmedabad)માં એર ઇન્ડિયા (Air India)નું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું. આ વિમાન દુર્ઘટનામાં ગુજરાત (Gujarat)ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani)નું મૃત્યુ થયું હતું. વિમાનમાં સવાર તમામ ૨૦૪ લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ, તેઓ તેમના પરિવારને મળવા લંડન (London) જઈ રહ્યા હતા.
ગુજરાતની જનતાને મોટો આઘાત લાગ્યો છે. અમદાવાદમાં એર ઇન્ડિયાનું બોઇંગ 787 ડ્રીમલાઇનર વિમાન ક્રેશ (Air India Plane Crash in Ahmedabad) થયું છે. જેમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું દુઃખદ નિધન થયું છે. મુસાફરોની યાદીમાં તેઓ ૧૨મા ક્રમે હતા. વિજય રૂપાણી અમદાવાદથી લંડન જઈ રહેલા ૨૪૨ લોકોમાં સામેલ હતા. વિજય રૂપાણીના નજીકના એક જણે જણાવ્યું હતું કે, વિજય રૂપાણી તેમની પુત્રીને મળવા લંડન જઈ રહ્યા હતા. તેમની પુત્રી લંડનમાં રહે છે.
ADVERTISEMENT
મળતી માહિતી પ્રમાણે, લંડન જઈને સ્કોટલેન્ડ ફરવાનો પરિવારનો પ્લાન હોવાથી વિજય રૂપાણી આજે લંડન જવા માટે નીકળ્યા હતા. તેમનI દીકરી લંડનમાં રહે છે અને તેમના પત્ની અંજલી રૂપાણી છેલ્લા બે દિવસથી લંડન ગયા છે. જોકે, તે સમયે રુપાણીને પણ સાથે જવાનું હતું, પરંતુ કોઈ કારણોસર તેઓ જઈ શક્યા નહીં અને તેઓ આજે લંડન જવા નીકળ્યા હતા.
આ વિમાનમાં ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત કાર્ગો મોટર્સ (Cargo Motors)ના વડા પ્રમુખ નંદા (Pramukh Nanda) અને લુબી (Lubi)ના ડિરેક્ટર સુભાષ અમીન (Subhash Amin) પણ હાજર હતા.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનથી સહુ કોઈ આઘાતમાં છે.
ગુજરાત ભારતીય જનતા પાર્ટી – બીજેપી (Bharatiya Janata Party – BJP) પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ (CR Patil)એ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, ‘અમારા નેતા વિજય રૂપાણી આ જ ફ્લાઇટમાં પોતાના પરિવારને મળવા માટે લંડન જઈ રહ્યા હતા. તેઓ પણ આ દુર્ઘટનાનો શિકાર બન્યા છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. ભાજપ પરિવારને મોટી ખોટ પડી છે. દુર્ઘટના એટલી મોટી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પહોંચી રહ્યા છે.’
વિજય રૂપાણીની રાજકીય કારકિર્દીની વાત કરીએ તો, તેઓ વર્ષ ૧૯૯૮માં રાજકોટના મેયર તરીકે ચૂંટાયા હતા. વર્ષ ૨૦૦૬માં તેઓ રાજ્યસભાના સાંસદ બન્યા હતા. વર્ષ ૨૦૧૪માં, તેઓ રાજકોટ પશ્ચિમથી વિધાનસભા બેઠક જીત્યા હતા. વિજય રૂપાણીએ વર્ષ ૨૦૧૬ થી વર્ષ ૨૦૨૧ સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
વિજય રૂપાણી શાંત, સંગઠનલક્ષી અને વિવાદમુક્ત નેતાની છબી ધરાવે છે.
ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેટવર્થની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં રજૂ કરાયેલા સોગંદનામા મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની કુલ સંપત્તિ ૯ કરોડ રૂપિયા છે. વિજય રૂપાણીનો જન્મ ૨ ઓગસ્ટ ૧૯૫૬ના રોજ મ્યાનમારમાં થયો હતો અને આનંદીબેન પટેલના રાજીનામા બાદ તેઓ વર્ષ ૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. વર્ષ ૨૦૧૭માં, ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ તેમના નેતૃત્વમાં લડવામાં આવી હતી, ત્યારબાદ તેઓ ફરી એકવાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.

