Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > અમદાવાદના ૧૫ વર્ષના આકાશ પટણીને પરિવારજનોની ભારે હૈયે વિદાય

અમદાવાદના ૧૫ વર્ષના આકાશ પટણીને પરિવારજનોની ભારે હૈયે વિદાય

Published : 18 June, 2025 11:07 AM | IST | Ahmedabad
Shirish Vaktania | shirish.vaktania@mid-day.com

એક દિવસ હું પાઇલટ બનીશ : આકાશમાં ઊડતા પ્લેનને જોઈને આવી ઝંખના સેવતા ૧૫ વર્ષના લાડકવાયાને વિદાય આપતી વખતે વાતાવરણ થયું ગમગીન

૧૫ વર્ષના આકાશ પટણીને પરિવારજનોની ભારે હૈયે વિદાય (તસવીરોઃ નિમેશ દવે)

૧૫ વર્ષના આકાશ પટણીને પરિવારજનોની ભારે હૈયે વિદાય (તસવીરોઃ નિમેશ દવે)


અમદાવાદના પ્લેન-ક્રૅશમાં ઘટનાસ્થળ પાસે ચાની લારી ચલાવતાં સીતા પટણીનો ૧૫ વર્ષનો દીકરો જે પોતે પાઇલટ બનવા માગતો હતો તે આકાશે પણ જીવ ગુમાવ્યો હતો. સોમવારે રાતે તેના DNA મૅચ થતાં મંગળવારે સવારે તેનો મૃતદેહ પરિવારને સોંપાયો હતો. આકાશ તેની મમ્મીને અવારનવાર કહેતો હતો કે હું મોટો થઈને પાયલટ બનવા માગું છું.


પ્લેન-ક્રૅશના સ્થળે તે યોગાનુયોગ પહોંચ્યો હતો. તેની મમ્મી સીતા પટણી ડૉક્ટરોની હૉસ્ટેલ પાસે જ ચાનો સ્ટૉલ ચલાવે છે. ક્યારેક મમ્મીને ચાના સ્ટૉલ પર મદદ કરવા આવતો આકાશ રોજ ઉપરથી પસાર થતાં વિમાનો જોઈને મમ્મીને કહેતો હતો કે હું પણ ક્યારેક પાઇલટ બનીશ. જ્યારે પ્લેન ક્રૅશ થયું એ વખતે આકાશ મમ્મીને જમવાનું આપવા આવ્યો હતો. મમ્મી જમવા બેઠી હતી ત્યારે આકાશ બાજુના ખાટલામાં આરામ કરતો હતો. એ જ વખતે અચાનક ધડાકાભેર વિમાન તૂટી પડતાં આગની જ્વાળાઓમાં મા-દીકરો ફસાઈ ગયાં હતાં. બન્નેને હૉસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં હતાં જ્યાં આકાશને મૃત્યુ પામેલો જાહેર કરવામાં આવ્યો હતો. તેની મમ્મી સીતાબહેન ગંભીર રીતે દાઝી ગઈ છે અને હાલમાં તેની સારવાર ચાલી રહી છે.





આકાશની અંતિમવિધિમાં તેના પરિવારજનો, મિત્રો, પાડોશીઓ અને સ્થાનિક લોકો જોડાયા હતા અને ચોધાર આંસુએ રડી રહેલા લોકોને સાંત્વના આપવાનું અઘરું થઈ પડ્યું હતું. આકાશની બહેને કહ્યું હતું કે ‘અમારો ભાઈ હંમેશાં પાઇલટ બનવા માગતો હતો. તે ખૂબ નાનો હતો. અમે અમારા લાડકવાયા ભાઈને ગુમાવી દીધો છે.’

આકાશના પપ્પા રિક્ષા ચલાવે છે. તેમનું કહેવું હતું કે કોઈ સરકાર કે પૈસાનું વળતર મારા દીકરાનું સ્થાન નહીં લઈ શકે. આકાશ નવમા ધોરણમાં ભણતો હતો અને ભણવામાં ખૂબ હોશિયાર હતો.

બહેનો રાખડી લાવી, પણ બાંધવા મળી

આકાશના પાર્થિવ દેહને વિદાય આપવા માટે તેની બહેનો રાખડી લઈને આવી હતી. તેમની ઇચ્છા તેમના લાડકડા નાના ભાઈને છેલ્લી વાર રાખડી બાંધવાની હતી. જોકે આકાશની ડેડ-બૉડી ૧૦૦ ટકા બળી ગઈ હોવાથી સિવિલ હૉસ્પિટલે તેના કૉફિનને સીલ કરીને આપ્યું હતું અને પરિવારને એ ખોલવા દેવામાં નહોતું આવ્યું.

-શિરીષ વક્તાણિયા અને નિમેશ દવે

Whatsapp-channel Whatsapp-channel

18 June, 2025 11:07 AM IST | Ahmedabad | Shirish Vaktania

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK