પ્લેન ક્રૅશમાં રાધા પટેલની સાથે તેમના પુત્ર સુરેશ અને પૌત્ર અશ્વિનનાં મોત થતાં ગામ બન્યું શોકમગ્ન
લંડન રહેતાં કચ્છના કોડકી ગામનાં રાધા પટેલ અને તેમના પુત્ર સુરેશ પટેલ
પ્લેન-દુર્ઘટનામાં કચ્છના ભુજ પાસે આવેલા કોડકી ગામના એક જ પરિવારના ત્રણ સભ્યોના મોતથી ગામઆખું શોકમગ્ન બન્યું છે અને ગામમાં માતમ છવાઈ ગયો છે. ગ્રામજનોએ એકઠા થઈને, સભા કરીને સત્સંગ કરવા સાથે મૃતાત્માઓના આત્માની શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરી હતી.

ADVERTISEMENT
રાધાબહેનના સગા નારણ પટેલ
કોડકી ગામથી સ્વજનો ગઈ કાલે અમદાવાદમાં સિવિલ હૉસ્પિટલ આવ્યા હતા. નારણ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારાં મોટાં બા રાધા પટેલ લંડન રહે છે. ગામમાં પ્રસંગ હોવાથી તેઓ તેમના પુત્ર સુરેશ પટેલ અને પૌત્ર અશ્વિન સાથે અહીં આવ્યાં હતાં અને લંડન પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ પ્લેન-દુર્ઘટના બની હતી. તેઓ બે મહિના પહેલાં જ ગામમાં આવ્યાં હતાં. તેઓ ગામમાં ખાસ મંદિરના પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યાં હતાં. તેમના બે દીકરા લંડન રહે છે. તેઓ ગામથી તેમની મેળે જ અમદાવાદ ઍરપોર્ટ આવ્યાં હતાં. અમને પોલીસનો ફોન આવ્યો હતો જેથી અમે અહીં આવ્યા છીએ. લંડન રહેતા તેમના દીકરાને આ ઘટનાની જાણ કરી છે એટલે તેમનાં પુત્ર અને પુત્રવધૂ લંડનથી અમદાવાદ આવવા રવાના થયાં છે. રાધાબા, સુરેશભાઈ અને અશ્વિનના મૃત્યુના સમાચારથી ગામમાં અરેરાટી સાથે શોક ફેલાઈ ગયો છે. ગામજનોએ મંદિરમાં સભા યોજી હતી અને તેમની પાછળ સત્સંગ ચાલુ કર્યો છે.’


