અમદાવાદની ઘટના : પોલીસ પકડવા આવી ત્યારે પાંચમા માળના ઘરની બાલ્કનીમાંથી છજા પર જતો રહ્યો અને કૂદી પડવાની ધમકી આપવા લાગ્યો: ફાયર-બ્રિગેડને બોલાવીને પોલીસે આખરે પકડ્યો
અપાર્ટમેન્ટના છજા પર ઊભા રહીને સોશ્યલ મીડિયામાં વિડિયો લાઇવ કરતો આરોપી અભિષેક તોમર.
અમદાવાદમાં ગઈ કાલે એક ડ્રામેબાજ વૉન્ટેડ આરોપીએ એવો ડ્રામા કર્યો કે પોલીસ સહિત લોકો પણ અવઢવભરી સ્થિતિમાં મુકાઈ ગયા હતા. પોલીસ પકડવા આવી ત્યારે આરોપી અપાર્ટમેન્ટના પાંચમા માળે છજા પર જતો રહ્યો હતો અને નીચે કૂદી પડવાની ધમકી આપીને સોશ્યલ મીડિયામાં વિડિયો લાઇવ કર્યો હતો. જોકે પોલીસે ફાયરબ્રિગેડને બોલાવીને ભારે જહેમત બાદ અભિષેક તોમરને ઝડપી લીધો હતો.
અમદાવાદના પૂર્વ વિસ્તારનાં જુદાં-જુદાં પોલીસ-સ્ટેશનમાં નોંધાયેલા જુદા-જુદા ગુનાઓમાં વૉન્ટેડ આરોપી અભિષેક ઉર્ફે શૂટર સંજયસિંહ તોમર ઘણા સમયથી ફરાર હતો. દરમ્યાન ગઈ કાલે શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી શિવમ આવાસમાં રહે છે અને ત્યાં હાજર છે. આથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને પકડવા જતાં આરોપી તેના ઘરનો દરવાજો અંદરથી બંધ કરીને તેના ફ્લૅટના રસોડાની ગૅલરીમાંથી પાછળ આવેલા છજાની પાળી પર ઊભો રહી ગયો હતો. દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓએ બળનો પ્રયોગ કરીને દરવાજો ખોલીને અંદર જઈ તપાસ કરતાં આરોપી છજા પર જોવા મળ્યો હતો. પોલીસને જોઈને આરોપીએ પાળીના કિનારે ઊભો રહીને મોબાઇલ દ્વારા સોશ્યલ મીડિયા પર લાઇવ વિડિયો ઉતારી નીચે કૂદી જવાની ધમકી આપી હતી. આથી પોલીસે ફાયર-બ્રિગેડને બોલાવી હતી અને વાતચીત કરવાની ચાલુ રાખીને આરોપીની અટકાયત કરી હતી.

