વડોદરાના એક ગામની ઘટના : એક દંપતીએ તેને દત્તક લઈને દીકરીની જેમ ઉછેરી અને ભણાવી
પ્રતીકાત્મક તસવીર
જો તમારામાં આવડત હોય તો એ છૂપી રહી શકતી નથી એ વાતને વધુ એક વાર સાર્થક કરતો કિસ્સો વડોદરા જિલ્લામાં બન્યો છે. ૨૦૦૯માં જિલ્લાના એક ગામની સીમમાં જનમતાંની સાથે જ ત્યજી દેવાયેલી એક બાળકી મળી આવી હતી અને એ બાળકી હવે દસમા ધોરણની પરીક્ષામાં એ વન ગ્રેડ મેળવીને પાસ થઈ છે.
વડોદરા જિલ્લામાં આવેલા એક ગામની સીમમાં ૨૦૦૯માં તાજી જન્મેલી બાળકીને કોઈક મૂકીને જતું રહ્યું હતું. વડોદરા ગ્રામ્યના પોલીસ-કર્મચારી કનુ રાઠવાને ફોન દ્વારા આ માહિતી મળતાં તેઓ ગામના આગેવાન અને કેટલાક ગ્રામજનોને લઈને સીમમાં પહોંચ્યા ત્યારે બાળકી જમીન પર પડી હતી અને તેની આસપાસ કીડી-મંકોડા ફરતાં હતાં. તેની હાલત દયનીય હતી એટલે બાળકીને ઊંચકીને તેને સ્વચ્છ કપડામાં વીંટાળીને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે કહ્યું હતું કે બાળકીને તાત્કાલિક વડોદરા હૉસ્પિટલમાં લઈ જવી પડશે. એ પછી પોલીસ-કર્મચારી કનુ રાઠવા ઍમ્બ્યુલન્સમાં બાળકીને વડોદરાની સર સયાજીરાવ જનરલ હૉસ્પિટલમાં લઈ ગયા અને સમયસર સારવાર મળતાં બે દિવસના અંતે બાળકીને નવજીવન મળ્યું હોય એમ સ્વસ્થ થઈ ગઈ હતી.
ADVERTISEMENT
વડોદરા ગ્રામ્ય પોલીસે તેની માતાની શોધખોળ કરી જોઈ હતી, પરંતુ તે ક્યાંય ન મળતાં બાળકીને રાખી લેવા ઘણા લોકો તૈયાર થયા હતા, પરંતુ ૧૦ દિવસની બાળકીને ગુજરાત સરકારના સમાજ સુરક્ષા વિભાગના નારી સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. આ બાળકી સાતેક મહિનાની થઈ ત્યારે બાળ સંરક્ષણ કમિટી અને કોર્ટના નિર્દેશ અનુસાર એક દંપતીને દત્તક આપવામાં આવી હતી. પાલક માતા-પિતાએ તેને સગી દીકરી કરતાં વિશેષ ધ્યાન આપીને ઉછેરી અને ભણાવી હતી. તે અભ્યાસમાં હોશિયાર હોવાથી તાજેતરમાં ગુજરાતમાં જાહેર થયેલા દસમા ધોરણના રિઝલ્ટમાં તે એ વન ગ્રેડમાં પાસ થઈ હતી અને તેણે ૯૧થી વધુ ટકા માર્ક મેળવ્યા હતા. તે સાયન્સ સ્ટ્રીમમાં ઍડ્મિશન લઈને ડૉક્ટર બનવા માગે છે.


