જે ઉંમરે બાળકો હજી તો માંડ સરખું બોલતાં શીખ્યાં હોય એ ઉંમરે આ રીતે નાનકડી તનીશાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
વડોદરાની તનીશા યાદવ તેને મળેલા સર્ટિફિકેટ અને મેડલ સાથે.
વડોદરાની સાડાત્રણ વર્ષની બાળકી તનીશા યાદવમાં તેની મમ્મી નિશા યાદવે કરેલા સંસ્કારોના સિંચનને કારણે તે માત્ર બે મિનિટ ૩૯ સેકન્ડમાં એક પછી એક ગાયત્રી મંત્ર, ગણેશજી મંત્ર, ગુરુ મંત્ર સહિતના ૧૦ મંત્રો બોલી જઈને ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સમાં સ્થાન પામી છે. જે ઉંમરે બાળકો હજી તો માંડ સરખું બોલતાં શીખ્યાં હોય એ ઉંમરે આ રીતે નાનકડી તનીશાએ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.
તનીશાની મમ્મી નિશા વડોદરાની સ્કૂલમાં યોગ-કમ-ઍક્ટિવિટી ટીચર છે. તે ‘મિડ-ડે’ને કહે છે, ‘હું સિંગલ મધર છું. તનીશા જ્યારે એક વર્ષની હતી ત્યારે મારા હસબન્ડ તાપસ હાર્ટ-અટૅકને કારણે મૃત્યુ પામ્યા હતા. તનીશા અત્યારે નર્સરીમાં છે. મારા ઘરે યોગ શીખવા ઘણાં બાળકો આવે છે. તનીશા ઘરમાં હોવાથી તે પણ આ બધી ઍક્ટિવિટી જોતી હોય છે. રાતે અમે સૂઈ જઈએ એ પહેલાં હું મંત્રો બોલતી એ તનીશા સાંભળતી હતી એટલે મને થયું કે હું તેને આ મંત્રો શીખવાડું. એટલે રોજ રાતે પહેલાં હું એક પછી એક મંત્ર બોલતી અને તનીશા સાંભળતી હતી. ધીરે-ધીરે તનીશાને આ બધા મંત્રો યાદ રહી ગયા અને તે ગણેશજી મંત્ર, ગાયત્રી મંત્ર, ગુરુ મંત્ર, સરસ્વતી મંત્ર બોલવા માંડી. મને ઇન્ટરનૅશનલ બુક ઓફ રેકૉર્ડ્સની ખબર પડી ત્યારે એમાં ઑનલાઇન અપ્લાય કર્યું હતું અને વિડિયો તેમ જ ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. ઇન્ટરનૅશનલ બુક ઑફ રેકૉર્ડ્સ દ્વારા ચકાસણી કરીને પ્રીસ્કૂલર દ્વારા સૌથી ઝડપથી ૧૦ મંત્રોના પાઠ કરવા બદલ તેને સન્માનિત કરવામાં આવી છે. તનીશા જ્યારે ૩ વર્ષ ૧૦ દિવસની હતી ત્યારે તે વક્રતુંડ મહાકાય, ઓમ ગં ગણપતયે નમઃ, ગાયત્રી મંત્ર, મહામૃત્યંજય મંત્ર, ગુરુમંત્ર, સરસ્વતી મંત્ર, માતાપિતાનો મંત્ર, કલ્યાણ મંત્ર, શ્રીકૃષ્ણ મંત્ર તેમ જ કર દર્શનમનો મંત્ર બે મિનિટ ૩૯ સેકન્ડમાં બોલી ગઈ હતી. ૨૦૨૪ની પાંચમી નવેમ્બરે તે આ ૧૦ મંત્રો બોલી હતી એને માટે તેને સર્ટિફિકેટ અને મેડલ આપવામાં આવ્યાં હતાં.’


