Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આવો, માળિયાના આ ચાર ખૂણાને સાથે મળીને સાફ કરીએ!‍

આવો, માળિયાના આ ચાર ખૂણાને સાથે મળીને સાફ કરીએ!‍

20 October, 2019 02:49 PM IST | મુંબઈ
ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

આવો, માળિયાના આ ચાર ખૂણાને સાથે મળીને સાફ કરીએ!‍

આવો, માળિયાના આ ચાર ખૂણાને સાથે મળીને સાફ કરીએ!‍


સ્વચ્છતાનો વ્યાવહારિક અર્થ તો આપણે બધા સારી પેઠે જાણીએ છીએ, પણ આ સ્વચ્છ શબ્દના મૂળમાં રહેલા બે શબ્દોનો અર્થ સમજવા જેવો છે. સ્વચ્છ એટલે સુ+અચ્છ. બે સંસ્કૃત શબ્દોની સંધિથી આ શબ્દ બન્યો છે. સુ એટલે સારું, જોવું ગમે એવું. અચ્છ શબ્દ મૂળ સંસ્કૃત શબ્દ અક્ષનું બોલચાલનું અપભ્રંશ રૂપ છે. અક્ષ એટલે આંખ. આમ સુ+અચ્છ એટલે આંખને જે જોવું ગમે એ.

સ્વચ્છતાનો આટલો અર્થ સમજ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં જે સ્વચ્છતા અભિયાન આદર્યું છે એની થોડી વાતો કરીએ. ૨૦૧૭માં શરૂ થયેલા આ અભિયાનનાં બીજ ૧૯૧૫માં ગાંધીજીએ રોપ્યાં હોય એવું જોઈ શકાય છે એટલે કે લગભગ ૧૦૦ વર્ષ પહેલાં હરિદ્વારના કુંભમેળામાં અને વારાણસીના મહાસભાના અધિવેશનના ઉતારે ગાંધીજીએ આની શરૂઆત કરી છે. અહીં પારાવાર ગંદકી હતી. ગાંધીજી હજી મહાત્મા કે બાપુ બન્યા નહોતા. તેમણે આ ગંદકી જોઈ. સાફસૂફી માટે કોઈ તૈયાર નહોતું. ગાંધીજીએ સાવરણો હાથમાં લીધો. એક બાલદી ભરીને પાણી અને ડબલું પણ સાથે રાખ્યું અને બધાના દેખતાં સાફસૂફી શરૂ કરી. સૌ જોઈ રહ્યા, શરમાયા અને પછી ગાંધીજી સાથે જોડાઈ ગયા.



આપણે સૌ સ્વચ્છતાની વાતો તો કરીએ છીએ, પણ આ વાતો કેટલી પોલી હોય છે એનું ઉદાહરણ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે તેમના એક પુસ્તકમાં આપ્યું છે. હૉન્ગકૉન્ગથી મુંબઈ આવી રહેલા વિમાનના એક સહપ્રવાસીએ કલામસાહેબ સાથે હૉન્ગકૉન્ગ વિશે ભારે-ભારે વાતો કરી. મુંબઈ વિમાનમથક પર બહાર નીકળતાંવેંત તેમણે ખિસ્સામાંથી ચૉકલેટ કાઢીને મોંમાં મૂકી. એ પછી ચૉકલેટનું કાગળ તેમણે રસ્તા પર ફેંકી દીધું. આપણે વિદેશની વાતો કરીએ છીએ પણ અમલ કરવાની ક્ષણે કેવા નાપાસ થઈએ છીએ એ વિશે આ લેખમાં કલામસાહેબે લખ્યું છે.


દિવાળીના તહેવારો સાવ નજીક આવી ગયા છે. દિવાળી આવી પહોંચે ત્યારે સાફસૂફી કરવાનું આપણું કામ વધી જાય છે. રોજેરોજ આપણે દીવાનખંડ, શયનકક્ષ, રસોડું વાળીચોળીને સાફસૂથરું રાખતા હોઈએ છીએ. બાલ્કની, બાથરૂમ અને ક્યારેક તો ફ્રિજ કે કબાટ સુધ્ધાં આવી સાફસૂફીમાં આવતાં નથી. દિવાળી નજીક આવે કે તરત બાથરૂમ ઉપરના મેડી-માળિયાને પણ સાફસૂફીનો લહાવો મળે છે. ક્યારેક વિચાર આવે છે કે સાફસૂફીને અને દિવાળીને આવો લોહીનો સંબંધ શી રીતે બંધાયો હશે? સ્વચ્છતા એ શું આપણા રોજિંદા જીવનમાં વસ્ત્ર જેવો જ એક ભાગ ન બની શકે?     

અહીં એક બીજો વિચાર પણ આવે છે. સ્વચ્છતા એટલે શું ઉપરછલ્લો અને બહારથી દેખાતો કૂડોકચરો ઉપાડી લઈએ એટલો જ અર્થ થાય? બાથરૂમની ઉપરના માળિયામાંથી આ કૂડોકચરો સગેવગે થઈ ગયો એનાથી શું આપણી સફાઈ થાય છે ખરી? ૨૫, ૫૦, ૬૦ કે ૮૦ વર્ષથી ઘરના આ માળિયાની સાફસૂફી તો આપણે કરીએ જ છીએ, પણ અંદર ઊતરીને અંતરના માળિયાના ચારેય ખૂણા ક્યારેય જોયા છે ખરા? આ ઉપદેશ નથી, આંતરદર્શન છે. કોઈ ઊગતા સૂરજ સામે કે પૂનમના ચંદ્ર સામે આંગળી ચીંધે તો એ આંગળીને ન જોવાય, પેલા પદાર્થને જોવાય. અંતરના માળિયાના ચારેય ખૂણામાં જે જમા પડેલું છે અને જે વર્ષે-વર્ષે વધતું જાય છે એની પણ થોડી સાફસૂફી કરીએ, જો થઈ શકે તો?


અંતરના માળિયાનો આ પહેલો ખૂણો એટલે...

દરેક વાતમાં આપણે એમ માનતા હોઈએ છીએ કે મારી અમુકતમુક માન્યતા સાચી છે, બુદ્ધિપૂર્વકની છે, વ્યાવહારિક છે, ભાવનાપ્રધાન છે વગેરે વગેરે. તમે આટલું માનો ત્યાં સુધી વાંધો નથી, પણ એ સાથે જ ખાતરીપૂર્વક એવું માનવા માંડો કે તમારી આ વાત સાથે સહમત નહીં થનાર, એનો વિરોધ કરનાર ખોટો છે, ગેરમાર્ગે દોરવાયેલો છે. તેની આ વિરોધી વાત કોઈક ચોક્કસ હેતુપૂર્વકની છે, તમને ઉતારી પાડવા માટે છે, પોતે વધારે બુદ્ધિશાળી છે એવું દેખાડવા માટે છે. બસ આવું બધું માનીને તમને એ માણસ પ્રત્યે અણગમો થઈ જાય. આ માણસ પ્રત્યેનો આવો અણગમો માળિયાના આ ખૂણામાં જમા થયો છે. આ અણગમો આ માણસના બીજા બધા વર્તનથી પણ વધતો જાય છે અને આ કચરો સાફ કરવાનો રૂડો અવસર દિવાળી સિવાય બીજો કયો હોઈ શકે?

‘હું સાચો છું’ એ તમારી વાત સાચી હોય તો પણ બીજો ખોટો જ છે એવું તમે ક્યાં સુધી માનશો? તમે સાચા હો એનો અર્થ એવો નથી કે બીજા બધા ખોટા જ હોય. તમે પણ સાચા હોઈ શકો. આવા વિચારનું જંતુનાશક આ ખૂણામાં તમે ન છાંટી શકો?

માળિયાના બીજા ખૂણામાં પણ આવો એક માણસ છે. આ માણસ સાથે તમારે

વાતવાતમાં દલીલબાજી થાય છે. જે સવાલ-જવાબ બે મિનિટમાં અને ચાર વાક્યોમાં સમાપ્ત થઈ શકે એમ છે ત્યાં લાંબી-લાંબી વાતો થાય છે અને પછી કોઈ પણ પ્રકારના ઉકેલ વિના મનમાં વિષાદવૃત્તિ ઘેરાઈ જાય છે. આવા વખતે શું કરવું? ‘તમે કંઈ સમજતા નથી’ આમ કહીને વાતને માંડી વાળવી એવું તો બહુ સહેલાઈથી થાય છે‍, પણ તમે ક્યારેય હું તમને સમજાવી શકતો કે શકતી નથી એવું કહીને વાતને વાળી લેવાનો પ્રયત્ન કર્યો છે? તમે આવું કરી શક્યા નથી એનો કચરો આ ખૂણામાં જામ થઈ ગયો છે. ફિનાઇલવાળા પાણીમાં પોતું બોળીને જ્યાં સુધી આ ખૂણો સાફ નહીં કરો ત્યાં સુધી આ માળિયું સાફ નહીં થાય.

ઘરમાં પરિવારજનો સાથે, બહાર મિત્રો કે સહકર્મચારીઓ સાથે રોજેરોજ અનેક કામ થતાં રહે છે. બધાં જ કામ આપણી ધારણા પ્રમાણે નથી થતાં. આ બધા પાસેથી આપણી કેટલીક અપેક્ષાઓ હોય છે. આ અપેક્ષાઓના માપદંડથી આપણે આ બધાના કામની મુલવણી કરવા માંડીએ છીએ. ‘આણે આમ કેમ કર્યું?’ અથવા ‘આણે આમ કેમ ન કર્યું? એવા પ્રશ્ન સાથે જ આપણે એ વ્યક્તિ માટે મનમાં એક દૂરી પેદા કરી લઈએ છીએ. તેણે જેકાંઈ કર્યું એમાં તમારી આગોતરી અપેક્ષા ક્યાંય ભળેલી નહોતી એવું તમે વિચારી જ શકતા નથી. એનું કારણ પેલી અપેક્ષા છે. આ અપેક્ષાને તમે મનોમન વાજબી ઠરાવીને પેલા માણસ પ્રત્યે વિષાદનો ભાવ ઘટ કરી નાખો છો. તેને આવું વર્તન કરવા પાછળ આગવાં કારણ હશે એવું વિચારવાનો અવકાશ તમે રહેવા દેતા નથી. પરિણામે માળિયાના ત્રીજા ખૂણામાં ગંદકી જમા થતી જાય છે. આ ગંદકી આખું વર્ષ તમે સહન કરી છે. હવે આજે આ ખૂણામાં સાફસૂફી કરીને એમાં થોડી ડામરની ગોળીઓ મૂકી દ્યો.

માળિયાના ત્રણ ખૂણા તો સાફ કર્યા, પણ ચોથો ખૂણો સાફ કર્યા વિના કેમ ચાલે? હવે આ ચોથા ખૂણાની જામ થયેલી કચરાપટ્ટી પર નજર ફેરવીએ. આ ખૂણામાં આંખ ઝીણી કરીને જોવું પડશે. પ્રકાશ બહુ ઝાંખો છે. અહીં કચરો પણ ટૂંટિયું વાળીને પડ્યો છે. આખા વર્ષમાં જેકોઈ કામ કરવા જેવાં હતાં અને જે તમે કરી શકો એમ હતાં અને છતાં તમે કર્યાં નથી એ બધાં કોથળો ભરીને પડ્યાં છે. કેટલીય વાર તમે સત્ય સમજવા છતાં સત્યથી દૂર રહ્યા છો, અસત્યના પક્ષે રહ્યા છો. આ બધું વ્યવહારના નામે આખું વર્ષ આ ખૂણામાં ધરબાતું રહ્યું છે. જ્યાં તમે ઉપરી છો ત્યાં તમારા કુટુંબીજનોથી માંડીને સામાજિક સ્તરે સર્વત્ર તમે ન્યાય-અન્યાયનાં પાસાં મનગમતાં અને લાભદાયક નિર્માણ કર્યાં છે. આ બધું અહીં ભરાયેલું છે. કદાચ તમે પોતે જ આ ખૂણામાં ટૂંટિયું વાળીને પડ્યા છો. આ ખૂણો સાફ કરવો અઘરો છે, પણ એનેય સાફ કર્યા વિના ચાલશે તો નહીં જ. અહીં બહારનું કોઈ ઝાડુ કે પોતું, દવા કે દારૂ ચાલશે નહીં. તમે જે કર્યું છે એ તમારે જ, તમારા સગા હાથે સાફ કરવું પડશે અને પછી મનોમન ઇષ્ટદેવનું સ્મરણ કરવું પડશે.

આ પણ વાંચો : ફઝલુ-બુદેશ જોડાણ

બસ, આટલું થાય તો દિવાળીની સાફસૂફી થઈ ગઈ.

અને હા, આ આખા લેખમાં જ્યાં ‘તમે’ લખાયું છે એ તો માત્ર વ્યક્તિસૂચક છે. આ ‘તમે’માં ‘હું’નો પણ સમાવેશ થઈ જાય એ કહેવાની જરૂર ખરી? સમજદારો કે લિએ ઇશારા કાફી હૈ! 

Whatsapp-channel Whatsapp-channel

20 October, 2019 02:49 PM IST | મુંબઈ | ઉઘાડી બારી - ડૉ. દિનકર જોષી

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK