મુંબઈના આ બે ગુજરાતી યુવાનો પણ બીચ ક્લીનઆપની ઝુંબેશ હાથ ધરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે.
શુભ મહેતા અને અક્ષત શાહ
મુંબઈના બે ગુજરાતી યુવાનો શુભ મહેતા અને અક્ષત શાહ સાથે મળીને છેલ્લાં પાંચ વર્ષથી દર વીક-એન્ડના ગિરગામ ચોપાટી પર ક્લીનઅપ ડ્રાઇવ ચલાવે છે, જેમણે લોકો સાથે મળીને અત્યાર સુધીમાં ૫૦૦ ટન કચરો સાફ કર્યો છે અને આ મહિનાથી તેમણે જુહુ ચોપાટી પર પણ સફાઈ ઝુંબેશ ચલાવવાનું શરૂ કર્યું છે
કહેવાય છે કે દરેક મોટા બદલાવની શરૂઆત નાના-નાના પ્રયત્નોથી જ શરૂ થાય છે અને એટલે જ આખી દુનિયામાં પર્યાવરણને બચાવવાના પ્રયત્નો વિવિધ રાજકીય, આર્થિક અને સામાજિક સ્તરે કરવામાં આવી રહ્યા છે ત્યારે મુંબઈના આ બે ગુજરાતી યુવાનો પણ બીચ ક્લીનઆપની ઝુંબેશ હાથ ધરીને પોતાનું યોગદાન આપી રહ્યા છે. આ બન્ને યુવાનો એટલે સાઉથ મુંબઈમાં રહેતા ૨૩ વર્ષના શુભ મહેતા અને અક્ષત શાહ, જેઓ સાથે મળીને ‘ચેન્જ ઇઝ અસ’ પહેલ હેઠળ અન્ય યુવાનોને પોતાની સાથે જોડીને ગિરગામ, જુહુ ચોપાટી ખાતે કચરો એકઠો કરીને એને ક્લીન કરવાનું કામ કરે છે.
ક્લીનઅપ ડ્રાઇવ આ રીતે થાય
હાલમાં મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરતો શુભ વીક-એન્ડમાં શહેરના બીચ સાફ કરવાના કામે લાગી જાય છે. આ કામ વિશે માહિતી આપતાં તે કહે છે, ‘અમે છેલ્લાં પાંચ વર્ષથી બીચ ક્લીનઅપ ડ્રાઇવ ચલાવીએ છીએ. અમે અત્યાર સુધીમાં ૫૦૦ ટન જેટલો કચરો બીચ પરથી એકઠો કર્યો છે. અમારી આ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં ૩૦,૦૦૦ જેટલા લોકો જોડાઈ ચૂક્યા છે. અમે દર શનિવાર અથવા રવિવારે ગિરગામ ચોપાટી ખાતે ક્લીનઅપ ડ્રાઇવ કરીએ છીએ. દરેક ડ્રાઇવમાં અમારી સાથે ૫૦-૬૦ જેટલા લોકો જોડાય છે અને અમે બધા સાથે મળીને અંદાજે ૪૦૦-૫૦૦ કિલો કચરો એકઠો કરીએ છીએ. આ ડ્રાઇવમાં જોડાતા મોટા ભાગના લોકો યંગસ્ટર્સ જ હોય છે. અમે મે મહિનાથી જુહુમાં પણ ક્લીનઅપ ડ્રાઇવ શરૂ કરવાનું નક્કી કર્યું છે. એટલે હવેથી દર શનિવારે જુહુ ચોપાટી અને દર રવિવારે ગિરગામ ચોપાટી પર કચરો સાફ કરવામાં આવશે. બીચ ક્લીનઅપ ડ્રાઇવમાં કઈ રીતે તેમની સાથે લોકો જોડાય છે એ વિશે શુભ કહે છે કે અમારું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ અને વેબસાઇટ છે. ક્લીનઅપ ડ્રાઇવ કઈ તારીખે અને કયા સમયે થશે એની માહિતી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દઈએ છીએ. જે લોકોને અમારી સાથે જોડાવું હોય એ લોકોને અમે અમારી વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવા માટે કહીએ છીએ જેમાં બેઝિક ઇન્ફર્મેશન ફીલ કરવાની હોય છે.’
ADVERTISEMENT
આ રીતે થઈ હતી કામની શરૂઆત
શુભ અને અક્ષત બન્ને કૉલેજ ફ્રેન્ડ્સ છે. બન્નેને કઈ રીતે પર્યાવરણને બચાવવા માટેનો વિચાર આવ્યો એ વિશે માસ્ટર્સ ઇન ઇન્ફર્મેશન સિસ્ટમ્સનો અભ્યાસ કરી રહેલો અક્ષત કહે છે, ‘૨૦૧૮ની વાત છે. હું અને શુભ અમે બન્ને બારમા ધોરણમાં ભણતા હતા. એ સમયગાળામાં ફ્રાઇડેઝ ફૉર ફ્યુચર નામે એક ઝુંબેશ ચાલી રહી હતી, જેને સ્વીડિશ એન્વાયર્નમેન્ટ ઍક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે શરૂ કરી હતી. આ ઝુંબેશ હેઠળ શાળાનાં બાળકો શુક્રવારે તેમના ક્લાસિસ સ્કિપ કરીને સ્વીડિશ પાર્લમેન્ટની સામે આંદોલન કરીને ક્લાઇમેન્ટ ચેન્જ સામે પૉલિટિકલ લીડર્સ ઍક્શન લે એવી માગણી કરતા હતા. આ ઝુંબેશ ધીરે-ધીરે વિશ્વના દેશોમાં ફેલાતી ગઈ અને સોશ્યલ મીડિયા પર પણ એ ટ્રેન્ડ થવા લાગી તો એ સમયે ઇન્સ્ટાગ્રામ પર આ રિલેટેડ પોસ્ટ જોઈને હું ઘણો પ્રભાવિત થયો હતો અને મને પણ મનમાં એમ થયું કે હું પણ પર્યાવરણને બચાવવા માટે મારા તરફથી કંઈક એફર્ટ લઉં. એટલે મેં આ વાત મારા ફ્રેન્ડ શુભને કરી અને એના પર વિચાર કર્યા બાદ મને અને શુભને બીચ ક્લીનઅપ ડ્રાઇવ શરૂ કરવાનો વિચાર આવ્યો. એ સમયે માહિમ ખાતે ઑલરેડી એક બીચ ક્લીનઅપ ડ્રાઇવ ચાલી રહી હતી તો તેમની પાસે જઈને શરૂઆત કઈ રીતે કરવાની એનું માર્ગદર્શન મેળવ્યું. BMC પાસેથી પરમિશન લીધી અને તેમણે અમને ઇક્વિપમેન્ટની પણ મદદ કરી. એ પછી ફાઇનલી અમે ૨૦૧૯ની ૨૧ જુલાઈ, રવિવારથી ગિરગામ ચોપાટી પર ૧૮ લોકો સાથે પહેલી ક્લીન અપ ડ્રાઇવ કરી હતી.’
પોતાનો અનુભવ શૅર કરતાં શુભ કહે છે, ‘અમે જ્યારે ક્લીનઅપ ડ્રાઇવની શરૂઆત કરી ત્યારે ઘણી વાર એવું થતું કે અમારી સાથે ફક્ત બે-ચાર લોકો જ જોડાયા હોય. સવારે મહેનત કરીને બીચ સાફ કરીએ અને સાંજે જોઈએ તો ફરી પાછી એવી ને એવી સ્થિતિ હોય. આ બધું જોઈને ઘણી વાર ડીમોટિવેશન આવી જતું. એ પછી અમે એ વસ્તુ તરફ જોવાનો અમારો નજરિયો બદલાવી નાખ્યો. હવે અમે એમ વિચારીએ છીએ કે ઍટ લીસ્ટ અમારી સાથે જોડાય છે એ લોકો તેમનો સમય કોઈ ફાલતુ વસ્તુમાં વેડફવા કરતાં પર્યાવરણ માટે કામ કરવામાં યુઝ કરે છે. આ યંગસ્ટર્સ પોતે તો એન્વાયર્નમેન્ટ કૉન્શિયસ બની જ રહ્યા છે અને તેમની આસપાસના લોકો છે તેમનામાં પણ બદલાવ લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આ વસ્તુ જ અમને આગળ પણ બીચ ક્લીનઅપ ડ્રાઇવ આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. આ કામમાં અમારી બધાની ફૅમિલીનો પણ અમને એટલો જ સપોર્ટ છે. તેમનું એટલું જ કહેવું છે કે તમારી પ્રાયોરિટી તમારું ભણતર અને કારકિર્દી છે અને એ પછીનો જે ફ્રી સમય મળે છે એમાં તમારે જે કરવું હોય એ કરવાની છૂટ છે.’
ESG મૉડલ પર કરે છે કામ
બીચ ક્લીનઅપ ડ્રાઇવ સિવાય પણ તેઓ કઈ ઍક્ટિવિટી કરે છે એ વિશે માહિતી આપતાં અક્ષત કહે છે, ‘અમારા ત્રણ પ્રોજેક્ટ્સ છે - એક ક્લીનઅપ પ્રોજેક્ટ, બીજો અપલિફ્ટમેન્ટ પ્રોજેક્ટ, જેમાં અમે મહિનામાં એક વાર સ્લમ એરિયામાં બાળકોને ભણાવવાની કે પછી અનાથાશ્રમ-વૃદ્ધાશ્રમમાં જઈને તેમને ફન ઍક્ટિવિટી કરાવી હૅપીનેસ ડ્રાઇવ કરીએ અને ત્રીજો ઍડ્વોકસી પ્રોજેક્ટ છે જેમાં અમે ક્લાઇમેટ ચેન્જ, સસ્ટેનેબિલિટી, સેવ એન્વાયર્નમેન્ટને લઈને સ્કૂલ-કૉલેજ કે કૉર્પોરેટ્સમાં વેબિનાર-સેમિનાર ઑર્ગેનાઇઝ કરીને લોકોમાં અવેરનેસ ફેલાવવાનું કામ પણ કરીએ છીએ. સાથે જ વિવિધ એન્વાયર્નમેન્ટલ ઇશ્યુઝને લઈને આર્ટિકલ્સ ધરાવતાં મન્થ્લી ડિજિટલ ન્યુઝલેટર બહાર પાડીએ છીએ. અમે ESG એટલે કે એન્વાયર્નમેન્ટલ, સોશ્યલ અને ગવર્નન્સ મૉડલના હિસાબે કામ કરી રહ્યા છીએ. બીચ ક્લીનઅપ ઍક્ટિવિટી એન્વાયર્નમેન્ટલને, અપલિફ્ટમેન્ટ સોશ્યલને અને ઍડ્વોકસી ગવર્નન્સને રેપ્રિઝેન્ટ કરે છે. ESG મૉડલ પર કૉર્પોરેટ લેવલ પર જ કામ થાય છે, પણ સ્કૂલ-કૉલેજ લેવલ પર એક ચૅપ્ટર ભણાવવા સિવાય બીજું કંઈ કરાવવામાં આવતું નથી. ESG મૉડલ પર કામ કરવાનું અમારું કારણ જ એ છે કે અમારી સાથે જોડાયેલા યંગસ્ટર્સ આ વસ્તુને પ્રૅક્ટિકલી સમજી શકે. અત્યારે અમારી ૭૦ લોકોની ટીમ છે અને અમે બધા સાથે મળીને જે વિવિધ ઍક્ટિવિટીઝ કરી રહ્યા છીએ એને એક્ઝિક્યુટ કરવાનું કામ કરે છે.’

