એવા લોકો પણ ભારતમાં છે જેમને પોતાની સાઇઝનાં ફુટવેઅર મળતાં જ નથી.
પ્રતીકાત્મક તસવીર
આઝાદી પહેલાં બ્રિટિશરોએ શૂઝની પોતાની સાઇઝ-સિસ્ટમ ભારતીયો માટે રજૂ કરી હતી જે આજ સુધી ચાલી રહી છે. શૂઝ કે કપડાંની ભારતની પોતાની કોઈ સાઇઝ-સિસ્ટમ નથી. એને કારણે ભારતીયોને પોતાના ફિટિંગનાં શૂઝ કે કપડાં શોધવામાં આજે પણ સમસ્યા થાય છે. ડિઝાઇન કે સાઇઝમાં બાંધછોડ કરીને ખરીદેલાં શૂઝ હેલ્થ પર કેવી અસર કરે છે એના વિશે ભાગ્યે જ ચર્ચા થતી હોય છે. આજે એ વિશે વિચાર કરીએ છીએ, કારણ કે ભારત પોતાની સાઇઝ-સિસ્ટમ ‘bha’ આવતા વર્ષ સુધીમાં રજૂ કરે એવી શક્યતા છે. જોકે ખોટી સાઇઝનાં શૂઝને કારણે આપણા પગને કેટલું સહન કરવું પડે છે અને શા માટે શૂઝની સાઇઝમાં બાંધછોડ ન કરવી જોઈએ એવા ભાગ્યે જ ચર્ચાતા વિષય પર આજે વાત કરીએ.
પરંપરા પહેલાંની
આપણે દરજી અને મોચીને માપ આપીને કપડાં અને ચંપલ બનાવડાવતાં હતાં. બ્રિટિશરોએ આઝાદી પહેલાં પોતાની સાઇઝ-સિસ્ટમ રજૂ કરી જેને પગલે આજે દરેક બ્રૅન્ડ અને મૅન્યુફૅક્ચરર એ જ સાઇઝમાં ભારતીયો માટે કપડાં અને બૂટ-ચંપલ ડિઝાઇન કરે છે. ઑનલાઇન કે ઑફલાઇન શૂઝ કે કપડાંનું શૉપિંગ કરવા જાઓ ત્યારે એના સાઇઝ-ચાર્ટમાં મોટા ભાગે EU (યુરોપિયન), US (અમેરિકા), UK (યુનાઇટેડ કિંગડમ) લખ્યું હોય છે. એ સિવાય જૅપનીઝ, કૅનેડિયન અને સાઉથ કોરિયન સાઇઝનો ચાર્ટ પણ ઉપલબ્ધ હોય છે. માનો કે સેન્ટિમીટરમાં લંબાઈ ખબર પડી એટલે લંબાઈ નક્કી થઈ ગઈ, પરંતુ એ શૂઝ તમને આગળથી સાંકડાં પડે અથવા એડીથી ફિટ નથી થતાં તો એનો આપણી પાસે કોઈ ઇલાજ નથી. છેલ્લે જરૂરિયાતને કારણે તમે બાંધછોડ કરીને મોટી રકમ આપીને પણ ખરીદેલાં પગને કમ્ફર્ટ ન આપનારાં શૂઝ હેલ્થને જુદી રીતે નુકસાન કરતાં હોય છે.
ADVERTISEMENT
કમર, ઘૂંટણ અને પગ
નવાં શૂઝ કે બહુ જ અનકમ્ફર્ટેબલ શૂઝથી થતી સમસ્યાઓ વિશે ઘાટકોપરમાં ફિઝિયોથેરપિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતાં ડૉ. ધ્વનિ શેઠ કહે છે, ‘ખોટી સાઇઝનાં શૂઝ પહેરવાને લીધે થતાં સૌથી સામાન્ય પ્રૉબ્લેમોમાં બ્લિસ્ટર (પગમાં છાલાં), ફ્રૅક્ચર, સ્નાયુ ખેંચાવાને કારણે પગ મચકોડાઈ જાય, ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ, બ્યુનિઅન્સ (અંગૂઠાના જોડાણ પાસે ઊપસી આવતું હાડકું), પ્લાન્ટર ફેસિઆઇટિસ (પગનાં તળિયાં અને પાનીને લગતો દુખાવો)નો સમાવેશ થાય છે. ફિટિંગ વગરનાં શૂઝને કારણે ઓવરઑલ પૉશ્ચર પર તો ફરક પડે છે, પરંતુ સમતોલન નહીં જળવાવાને કારણે ચાલ પણ બદલાઈ જાય છે. દરેક અંગનું પોતપોતાનું કામ હોય છે અને શરીરનું આખું વજન બૅલૅન્સ થતું હોય છે. એ વજન જ્યારે કોઈ એક અંગ પર વધારે આવે અને સમતુલા ખોરવાય ત્યારે ઘૂંટણ અને કમરનો દુખાવો થાય છે. મારી પાસે આવતા મોટા ભાગના પેશન્ટ્સની સમસ્યા આગળથી વાંકી વળી ગયેલી આગંળીઓ હોય છે. એનું સામાન્ય કારણ એ છે કે તેઓ નાની સાઇઝનાં અને ટાઇટ ફિટિંગવાળાં શૂઝ પહેરતા હોય છે. શૂઝની સખતાઈને કારણે પગનાં તળિયાંના અંદરના સ્નાયુઓ, કાલ્ફના સ્નાયુ ખેંચાય છે જે હિપ્સ અને ઘૂંટણનાં કાર્યોમાં ખલેલ પાડે છે. અંતે પગનાં તળિયાંની સમસ્યા આખા શરીરની સમસ્યા બની જાય છે.’
જિમમાં જતા હો તો
આપણા દેશમાં વડીલો તો શૂઝ જ નથી પહેરતા. મોટી ઉંમરે તેમની કોઈક દુખાવાની સમસ્યાને કારણે ડૉક્ટર તેમને શૂઝ પહેરવાની સલાહ આપે ત્યારે નૉલેજ ન હોવાને કારણે તેઓ પણ ખોટી સાઇઝનાં શૂઝ પહેરે છે એમ જણાવીને ડૉ. ધ્વનિ શેઠ કહે છે, ‘આજની જનરેશન શૂઝ માટે બહુ જાગ્રત છે, પરંતુ તેમને શૂઝની ખોટી સાઇઝની સાઇડ-ઇફેક્ટ વિશે ખબર નથી હોતી. જિમમાં જતા લોકોને પણ હું ખાસ કહું છું કે શૂઝની સાઇઝ પર્ફેક્ટ હોવી જોઈએ, કારણ કે પગ તમને જમીન પર પકડ આપે છે. ખોટી સાઇઝ બલ્ડ-સર્ક્યુલેશન પર અસર કરે છે જેને કારણે અસમતુલા ઊભી થાય છે જે નાની કે મોટી ઈજા પહોંચાડે છે. તમારા પગની સાઇઝ કરતાં મોટી કે નાની સાઇઝનાં શૂઝ લાંબા કે ટૂંકા ગાળે નુકસાન પહોંચાડે છે. આજે માર્કેટમાં બહુ જ સારી બ્રૅન્ડ આવી છે જે કમ્ફર્ટેબલ શૂઝ બનાવે છે. જો ફ્લૅટ ફુટ કે પગની અન્ય સમસ્યા હોય તો ફુટ-સ્પેશ્યલિસ્ટની સલાહ લઈને શૂઝ ખરીદો. સામાન્ય લોકો જ નહીં, ઍથ્લીટ્સને પણ શૂઝના ફિટિંગની સમસ્યાઓ આવે છે.’
કાયમી ઈજા પણ થઈ શકે
ઍથ્લીટ્સ આ બાબતમાં શું વિચારે છે? બિઝનેસમૅન, પ્રોફેશનલ ક્રિકેટર અને ભારતીય ક્રિકેટ બોર્ડના લેવલ વનના કોચ પ્રશાન્ત કારિયા કહે છે, ‘હું ૯૦ના દાયકાની વાત કરું તો મારા પગને એવી ઈજા થઈ હતી કે હું ફાસ્ટ બોલિંગ કરતો હતો એ છોડવી પડી હતી. મારા ફુટ ફ્લૅટ હતા અને શૂઝ તો જે મળતાં એ જ પહેરતો હતો. એ સમયે શૂઝ માટે એટલી જાગૃતિ હતી જ નહીં. ખોટી સાઇઝને કારણે ઍથ્લીટના પર્ફોર્મન્સ પર અસર પડે છે એ સમજવા સામાન્ય બુદ્ધિ જ કાફી છે. તમે રનિંગ કરો કે સ્પોર્ટ કરો ત્યારે તમારા પગને ચોક્કસ પકડ જોઈએ. મોટાં શૂઝ હોય તો પગ આગળ સરકી જાય અને નાનાં શૂઝ હોય તો જકડી રાખે એટલે તમારું આખું બૉડી પગથી કન્ટ્રોલ થાય. શૂઝની સમસ્યા સ્પોર્ટ્સ રમતી વખતે બહુ મોટી કે કાયમી ઈજા પહોંચાડી શકે તેમ જ ડીફૉર્મિટી (વિકૃત) પણ શરૂ થઈ જાય. વર્ષ ૨૦૦૦ની આસપાસ બધી વિદેશી કંપનીઓનાં શૂઝ આવવા લાગ્યાં હતાં. મારા પગનું યુનિક સ્ટ્રક્ચર છે જેમાં મારા એક પગને ૯ તો બીજા પગને ૮.૫ની સાઇઝ જોઈએ. આ તો બહુ જ રૅર કેસ છે. આજે ૬.૫ કે ૭.૫ની સાઇઝ જોઈએ તો એક સાઇઝ મોટાં શૂઝ લઈને એમાં ઇનસોલ નાખો એટલે તમારું બૅલૅન્સ જળવાઈ રહે છે. અત્યારે શૂઝની આવી સાઇઝની સમસ્યામાં લગભગ લોકો ઇનસોલ નાખીને કામ ચલાવે છે.’
શૂઝ-ડિઝાઇનિંગની રીત
જો ભારતમાં શૂઝની સાઇઝની આટલી બધી સમસ્યા હોય તો ભારતીય શૂઝ-ડિઝાઇનર કેવી રીતે મૅન્યુફૅક્ચરિંગ કરે છે? છેલ્લાં પચીસ વર્ષથી ધારાવીમાં પોતાની શૂઝ-ડિઝાઇનિંગની વર્કશૉપ ચલાવતા શૈલેષ કુંભાર કહે છે, ‘આપણે ત્યાં પહેલાં બધું લોકોની સાઇઝ મુજબ જ બનતું. લોકોનું માપ લેવામાં આવતું અને પછી એ મુજબ પગરખાં બનાવવામાં આવતાં. એકસાથે મૅન્યુફૅક્ચરિંગ કરવાનું થયું એટલે પછી અમેરિકન અને યુરોપિયન સાઇઝનાં શૂઝ બનાવતા થાય. મારા આટલાં વર્ષોના અનુભવમાં ભારતીય મહિલાઓ બ્રિટિશ સાઇઝ ૪થી ૬ એટલે કે ૩૪થી ૩૮ અને પુરુષો પાંચથી ૧૧ એટલે કે ૪૦થી ૪૪ પહેરતા હોય છે. બહુ જ રૅર કહી શકાય એવી સાઇઝમાં મહિલાઓ માટે ૪૦ અને પુરુષો માટે ૪૮ હોય છે. મારી પાસે કસ્ટમાઇઝ્ડ શૂઝ બનાવવાનો ઑર્ડર પણ હોય છે. ત્યારે તેમના પગની સાઇઝ માપવામાં આવે છે. ભારતીયોના પગ અમેરિકન અને યુરોપિયનની સરખામણીએ આગળથી પહોળા હોય છે એટલે તેઓ પોતાના પગને શૂઝ મુજબ ઍડ્જસ્ટ કરવા એક સાઇઝ મોટાં અથવા તો નાનાં શૂઝ પહેરે છે. પહોળા પગવાળાનાં શૂઝ ડિઝાઇન કરતી વખતે એક સાઇઝ મોટી રાખીને શૂઝને આગળથી નૅરો કરવામાં આવે છે. ‘Bha’ સાઇઝ આવ્યા પછી કેટલી રાહત રહેશે એ તો કહેવું મુશ્કેલ છે, કારણ કે દરેકના પગની જરૂરિયાત અલગ હોય છે.’
Bha’ શૂ-સાઇઝનો વિચાર કેવી રીતે આવ્યો?
ભારતના શૂઝ સાઇઝ-સિસ્ટમ ડેવલપમેન્ટ જેવા બહુ મોટા પ્રોજેક્ટના સર્વે માટે પૂર્વધારણા એવી હતી કે પાંચ વંશીયતા (એથ્નિસિટી) મુજબ ઓછામાં ઓછી પાંચ સાઇઝ નક્કી કરવામાં આવશે. સર્વે પહેલાં એવી ધારણા હતી કે અન્ય રાજ્યોની સરખામણીમાં નૉર્થ-ઈસ્ટના લોકોના પગની સાઇઝ નાની હશે. ડિસેમ્બર ૨૦૨૧થી માર્ચ ૨૦૨૨માં પાંચ ભૌગોલિક વિસ્તારના ૭૯ વિસ્તારોમાં ૧,૦૧,૮૮૦ લોકોના પગનું થ્રી-ડી સ્કૅનિંગ મશીનની મદદથી માપ લેવામાં આવ્યું. એનાં પરિણામો મુજબ નક્કી થયું કે ભારતમાં બાળકોથી માંડીને મોટેરાંઓ માટે કુલ ૮ સાઇઝ બનાવવામાં આવશે. એ પહેલાં શૂઝ મૅન્યુફૅક્ચરરોએ અમેરિકન સાઇઝના ચાર્ટ મુજબ ૧૦ ટાઇપની સાઇઝનાં શૂઝ બનાવવા પડતાં હતાં. આવતા વર્ષ સુધીમાં આ સાઇઝ ઉપલબ્ધ થઈ જવાની શક્યતા છે જેનું નામ ભારતના નામ પરથી ‘Bha’ રાખવામાં આવશે.
મારી સાઇઝ જ નથી મળતી, શું કરું?
એવા લોકો પણ ભારતમાં છે જેમને પોતાની સાઇઝનાં ફુટવેઅર મળતાં જ નથી. શૉપિંગ કરવા જાય તો તેમણે ખાલી હાથે પાછા આવવું પડે છે. ઘાટકોપરમાં રહેતાં નિવૃત્ત શિક્ષક ભાવના પંચાલ કહે છે, ‘મારા માટે ફુટવેઅર ખરીદવા જવું એટલે માથાનો દુખાવો છે. મારી સાઇઝનાં ફુટવેઅર મળે જ નહીં. થોડાં વર્ષો પહેલાંની વાત કરું તો ત્યારે મારા હસબન્ડની જૉબ ઇટલીમાં હતી. ત્યાંનાં શૂઝ બહુ જ સરસ. હું એક શૉપમાં ગઈ તો ત્યાં બધાં જ મોટી સાઇઝનાં શૂઝ હતાં. સેલ્સમૅન પણ દુખી થઈ ગયો કે મને મારી પસંદનાં ફુટવેઅર ન મળ્યાં. પછી એ જ દુકાનના બાળકોના સેક્શનમાં ગઈ અને તેમની સૌથી મોટી સાઇઝ મને પર્ફેક્ટ આવી ગઈ. મેં એ ખરીદ્યાં અને એ ચંપલને બધાએ બહુ જ વખાણ્યાં. મારે મારી શૂઝની સાઇઝની સમસ્યા દૂર કરવા ક્રીએટિવ થવું પડ્યું. હું બિન્દાસ બાળકોના સેક્શનમાંથી સૌથી મોટાં શૂઝ ખરીદતી થઈ ગઈ. એ તો ઠીક, મારા દીકરાનાં લગ્ન વખતે મારે ચંપલ લેવાં હતાં. મેં બહુ ચંપલ જોયાં, પણ જે ગમે એમાં મારી સાઇઝ ન મળે. મને એક ચંપલની સાઇઝ આવી, પણ એની ડિઝાઇન નહોતી ગમતી. એમ છતાં મેં એ લઈ લીધાં. એક તો મને બહુ મુશ્કેલીથી મારી સાઇઝ મળે અને જ્યારે મળે ત્યારે હું ડિઝાઇન અને બાકી બધી વસ્તુ અવગણું છું.’