વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઘાટકોપરમાં મેગા રોડ-શો કર્યો ત્યારે તેમણે મીડિયા સાથે પણ સંવાદ સાધ્યો હતો
તસવીરોઃ આશિષ રાણે, સમીર માર્કન્ડે, શાદાબ ખાન, કીર્તિ સુર્વે પરાડે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈ કાલે ઘાટકોપરમાં મેગા રોડ-શો કર્યો ત્યારે તેમણે મીડિયા સાથે પણ સંવાદ સાધ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP) એક ધર્મના નામે અને કૉન્ગ્રેસ બીજા ધર્મના નામે રાજનીતિ કરે છે એવા સવાલના જવાબમાં વડા પ્રધાને કહ્યું હતું કે ‘સ્વતંત્રતા બાદ ધર્મના નામે ભારતના ભાગલા પાડવામાં આવ્યા. ત્યાર બાદ ૭૫ વર્ષ સત્તામાં રહેલી કૉન્ગ્રેસે સેક્યુલરિઝમની વોટ-બૅન્કની રાજનીતિ કરી. BJPએ ક્યારેય ધર્મના નામે રાજકારણ નથી કર્યું. અમારું સૂત્ર જ છે ‘સબ કા સાથ, સબકા વિકાસ’. કૉન્ગ્રેસે કર્ણાટકમાં મુસ્લિમોને OBCમાં સમાવીને તૃષ્ટીકરણ કર્યું અને હવે તેઓ આખા દેશમાં એ પ્રયોગ લાગુ કરવા માગે છે. દેશના વડા તરીકે જનતાને સાચી વાત કહેવાની મારી ફરજ છે. ધર્મના નામે રાજકારણ કરનારાઓને ખુલ્લા નહીં પાડવામાં આવે તો એ દેશ માટે ખતરો બની જશે. દેશના વિકાસની સાથે દરેક ધર્મનો પણ વિકાસ થવો જ જોઈએ. દેશમાં એવી સ્થિતિ થવી જોઈએ કે ધર્મના નામે રાજનીતિ કરનારાઓ માટે જગ્યા જ ન રહે અને તેમનામાં ડર પેદા થાય.’
ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર પક્ષના ભંગાણ માટે BJPને જવાબદાર ગણાવી રહ્યા છે એ વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘નકલી શિવસેના અને નકલી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી અમારા વિરોધમાં છે. બન્ને અસલી પક્ષ અમારી સાથે છે. એ લોકો કહેતા હોય કે તેમના પક્ષ ફૂટ્યા તો જેઓ પોતાનો પક્ષ સંભાળી ન શકતા હોય તેઓ દેશ શું સંભાળશે? ઉદ્ધવ ઠાકરે શિવસેનાના બે ભાગ થયા એનું રોદણું રડીને લોકોને ભાવુક કરી રહ્યા છે. બાળાસાહેબનો પુત્ર મર્દ હોવો જોઈએ, પણ તેમના કુટુંબમાં જ ઝઘડો હોવાથી પક્ષ ફૂટ્યો.’
ADVERTISEMENT
સરકારમાં દેશવાસીઓનો વિશ્વાસ વધ્યો છે એ વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘૨૦૧૪માં દેશ નિરાશામાંથી બહાર આવ્યો અને આજે દોડી રહ્યો છે. આવી જ રીતે આપણે દોડતા રહીશું તો ૨૦૪૭ સુધીમાં ભારત વિકસિત દેશ બની જશે. ૧૦ વર્ષમાં અમારી સરકારે કરેલા કામથી લોકોને સમજાઈ ગયું છે કે કોણ સારું છે અને કોણ ખરાબ. આ ચૂંટણી અમે નહીં પણ જનતા લડી રહી છે. તેમણે BJPને ૪૦૦ પાર લઈ જવાનો નિર્ધાર કરી લીધો છે એટલે અમે ફરી સત્તામાં આવીશું.’
વિરોધીઓ તમે ફરી સત્તામાં આવશો તો બંધારણમાં મોટા પાયે ફેરફાર કરશો એવી વાતો કરી રહ્યા છે એ વિશે વડા પ્રધાને કહ્યું હતું કે ‘૨૩ વર્ષથી હું રાજ્ય અને દેશમાં સત્તામાં છું. વિરોધ પક્ષો દેશનું ફરી વિભાજન કરવાનું નિયોજન કરી રહ્યા છે. આથી જ તેઓ આવી અફવા ફેલાવી રહ્યા છે.’